Home /News /valsad /‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે’ મફ્તમાં સોનું ખરીદવાની લાલચ ભારે પડી
‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે’ મફ્તમાં સોનું ખરીદવાની લાલચ ભારે પડી
વલસાડ પોલીસે કાર્યવાહી હાથ ધરી
Valsad News: હાઇવે પર ઉંબાડિયું ખાવા ઊભા રહેલા પટેલ પરિવારને બે ગઠિયાઓએ 50 લાખનો ચૂનો ચોપડયો હતો. જેથી આ મામલે ફરિયાદ દાખલ થતાં વલસાડની ડુંગરી પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. આ સાથે સાથે પોલીસે પોતાની કાર્યવાહી પણ હાથ ધરી છે.
ભરતસિંહ વાઢેર,વલસાડ: ‘લોભિયા હોય ત્યાં ધુતારા ક્યારેય ભૂખ્યા નથી મરતા.’ આ કહેવત ફરી એકવાર વલસાડ જિલ્લામાં સાચી ઠરી છે .જ્યાં મુંબઈના એક નિવૃત્ત કર્મચારીને મફતના ભાવમાં સોનું ખરીદવાની લાલચ ભારે પડી છે. હાઇવે પર ઉંબાડિયું ખાવા ઊભા રહેલા પટેલ પરિવારને બે ગઠિયાઓએ 50 લાખનો ચૂનો ચોપડયો હતો. જેથી આ મામલે ફરિયાદ દાખલ થતાં વલસાડની ડુંગરી પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. આ સાથે સાથે પોલીસે પોતાની કાર્યવાહી પણ હાથ ધરી છે.
વલસાડમાં એક નિવૃત્ત વેપારી સાથે ઠગાઈ
બનાવની વિગત મુજબ વલસાડના ડુંગરી નેશનલ હાઇવે પાસે થોડા દિવસ અગાઉ એક અજીબ ઠગાઈનો કીસો બન્યો હતો. મુંબઈ રહેતા ભરતભાઈ પોપટભાઈ પટેલ તેમના પરિવાર સાથે 13 ડિસેમ્બરના રોજ લગ્ન પતાવી પોતાની કાર લઈ સુરતથી મુંબઈ જઈ રહ્યા હતા. જે દરમિયાન વલસાડના રોલા ગામ પાસે હાઇવે ઉપર એક ઉબાડીયાના સ્ટોલ પાસે ઉબાડ્યું ખાવા રોકાયા હતા. ભરતભાઈ અને તેમનો દીકરો કારમાં બેઠા હતા. ત્યારે એક બાઈક ઉપર 2 અજાણ્યા ઈસમો આવ્યા હતા. એક અજાણ્યા ઇસમે ભરતભાઈ પટેલ પાસે પહોંચી તેમને સોનાના સિક્કા બતાવ્યા અને સાચા છે કે, ખોટા છે તેની ખરાઈ કરવા જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, યુવકે ભરતભાઈને 5 સોનાના સિક્કા આપી ચેક કરવા જણાવ્યું હતું. જેને બદલામાં યુવકને ભરતભાઈએ માત્ર 2,100 રૂપિયા આપ્યા હતા. અને બાકીના રૂપિયા સિક્કા ચેક કર્યા બાદ આપવાનું જણાવ્યું હતું. યુવકે ભરતભાઈ પટેલનો મોબાઈલ નંબર લીધો હતો. ભરતભાઈએ મુંબઈમાં સિક્કા ચેક કરાવતા તમામ સિક્કા સાચા સોનાના હોવાનું જાણવા મળ્યું હતું. બીજા દિવસે રાહુલ નામના અજાણ્યા યુવકનો ફોન આવ્યો હતો અને સિક્કાની ખરાઈ અંગે પૂછ્યું હતું. ભરતભાઈએ સિક્કા સાચા હોવાનું જણાવ્યું હતું. જે બાદ અનેક વખત થયેલી વાતચીતમાં ઠગ યુવકે 15 કિલો જેટલા સોનાના સિક્કા સસ્તામાં ભરતભાઈને વેચવા માટે લાલચ આપી હતી.
જેના ટોકન પેટે રૂપિયા 50 લાખ ભરતભાઈએ આપવાનું જણાવ્યું હતું. ભરતભાઈ અને તેમનો દીકરા ડેનીસે રાહુલ નામના યુવક પાસેથી 7થી 8 કિલો સોનાના સિક્કા ખરીદ્યા હતા. ભરત ભાઈએ બીલીમોરા ખાતે સિક્કા ચેક કરતા સિક્કા નકલી હોવાનું જણાય આવ્યું હતું. જેથી ભરતભાઈએ વલસાડના ડુંગરી પોલીસ મથકે રાહુલ નામનો અજાણ્યો ઈસમ અને 60 વર્ષીય અજાણી મહિલા અને એક અજાણ્યો ઈસમ મળી કુલ ત્રણ ઈસમો સામે ડુંગરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. આ મામલે ડુંગરી પોલીસે કેસમાં સંડોવાયેલા એક આરોપી પ્રહલાદ નાથાભાઇ ઝંડાવાલાની અમદાવાદથી ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.