વલસાડ: ગુજરાત ચૂંટણીને હવે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે જાણીતા ફિલ્મ અભિનેતા અને ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલે વલસાડમાં સભા ગજવી હતી. પરેશ રાવલે અનેક મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આંકરા પ્રહાર કર્યા હતા.
તેમણે જિલ્લામાં ભાજપ માટે પ્રચાર કર્યો હતો. તેઓએ વલસાડ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતભાઈ પટેલના સમર્થનમાં વલસાડના ગુંદલાવમાં એક જાહેર સભા સંબોધી હતી. પરેશ રાવલને સાંભળવા વલસાડ અને આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે આવેલા પરેશ રાવલને ઉમળકાભેર લોકોએ આવકાર્યા હતા.
પોતાની આગવી અદામાં પરેશ રાવલે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ પર પણ કટાક્ષ કર્યા હતા. પરેશ રાવલે રાહુલ ગાંધીને રાજકારણમાં નહીં પરંતુ યાત્રામાં ચાલે તેવા ગણાવ્યા હતા. તો આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર પણ પરેશ રાવલે આકરા પ્રહાર કર્યા હતા. અરવિંદ કેજરીવાલને જુઠ્ઠા માણસ તરીકે ગણાવ્યા હતા. આમ પરેશ રાવલે આ સભામાં ઉપસ્થિત મેદનીને ભાજપના ઉમેદવાર ભરત પટેલને સમર્થન આપવા અને જંગી લીડથી જીતાડવા માટે અપીલ કરી હતી.
તો વલસાડ બેઠકના ભાજપના ઉમેદવાર ભરત પટેલ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ હવે સ્ટાર પ્રચારક પરેશ રાવલના પ્રચારથી ઉત્સાહમાં છે.અને આ વખતે પણ સતત ત્રીજી વખત તેઓ વલસાડ બેઠક પરથી જંગી લીડથી જીતશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.