Home /News /valsad /Daman Accident: દમણમાં અકસ્માત થતાં એક કારચાલકે બીજા પર ચપ્પુથી હુમલો કર્યો, સીસીટીવી વાયરલ
Daman Accident: દમણમાં અકસ્માત થતાં એક કારચાલકે બીજા પર ચપ્પુથી હુમલો કર્યો, સીસીટીવી વાયરલ
ઉશ્કેરાઇને જાહેરમાં ચપ્પુ વડે હુમલો કર્યો હતો
Daman Accident CCTV: સંઘપ્રદેશ દમણના તીનબત્તી વિસ્તારમાં 2 કાર વચ્ચે થયેલા અકસ્માતમાં સુરતના એક કારચાલકે અન્ય કારચાલક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે આ ઘટનાના લાઇવ દ્રશ્યોનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ભરતસિંહ વાઢેર, દમણઃ રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણના તીનબત્તી વિસ્તારમાં 2 કાર વચ્ચે થયેલા અકસ્માતમાં સુરતના એક કારચાલકે અન્ય કારચાલક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. થોડા દિવસ અગાઉ જાહેરમાં બનેલી આ ઘટનાના લાઇવ દ્રશ્યોનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
બે કારચાલક વચ્ચે થયેલી બબાલમાં આસપાસથી પસાર થતા લોકોએ બચાવ કરવા પ્રયાસ કર્યો હતો. તેવામાં એક કારચાલકને બચાવવા વચ્ચે પડેલા વલસાડના યુવક પર સુરતના કારચાલકે ચપ્પુ વડે હુમલો કરતા તેને ઈજા થઈ હતી. જેને સારવાર માટે દમણની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા દમણ પોલીસે જાહેરમાં ચપ્પુ વડે યુવક પર હુમલો કરનાર આરોપીની અટકાયત કરી હતી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, તીન બત્તી વિસ્તારમાં બનેલી આ ઘટનાના લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા અને સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
વચ્ચે પડેલા યુવક પર પણ હુમલો કર્યો
મળતી માહિતી પ્રમાણે, બનાવની વિગત મુજબ દમણના ત્રણ તીન બત્તી વિસ્તારમાં સુરતની એક કાર અને અન્ય એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ સામાન્ય અકસ્માતને લઈ સુરતના કારચાલક રાહુલ પરમાર નામના યુવક અને અન્ય એક યુવતીએ અન્ય કારચાલકને માર માર્યો હતો. જો કે, ઝપાઝપી અને મારામારી ઉગ્ર બનતા આવેશમાં આવેલા સુરતના કારચાલક રાહુલ પરમારે જાહેરમાં ચપ્પુ કાઢી અને અન્ય કારચાલક પર જીવલેણ હુમલો કર્યો હતો. આથી આસપાસથી પસાર થતા લોકો અને રાહદારીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી. જો કે, કેટલાક લોકોએ વચ્ચે પડી અને મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યા હતા અને સુરતના કારચાલક જે ચપ્પુ વડે અન્ય કારચાલક પર હુમલો કરવા જઈ રહ્યો હતો. આથી બચાવમાં પડેલા વલસાડના રાહુલ મીર નામના એક યુવક પર સુરતના યુવકે ચપ્પુ વડે જાહેરમાં હુમલો કરી દીધો હતો. આથી વલસાડના યુવક રાહુલ મીરને ઈજા થઈ હતી. જેને તાત્કાલિક સારવાર માટે દમણની મરવડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે કાર્યવાહી હાથ ધરી
આ ઘટનાની જાણ થતાં જ દમણ પોલીસે તપાસ શરૂ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આથી દમણ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા જાહેરમાં ચપ્પુબાજી કરનારા સુરતના રાહુલ પરમાર નામના યુવકની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.