Home /News /valsad /Valsad: હવે ઘરે જ માણી શકશો સ્વાદિષ્ટ ઉંધિયાનો સ્વાદ, આવી રીતે બનાવો, જુવો Video

Valsad: હવે ઘરે જ માણી શકશો સ્વાદિષ્ટ ઉંધિયાનો સ્વાદ, આવી રીતે બનાવો, જુવો Video

X
ઊંધિયું

ઊંધિયું ને તમે ગરમા ગરમ પુરી,પટ્ટી સમોસા,અને ગાજરના હલવા સાથે પીરસી શકો છો.

ગુજરાતમાં શિયાળો જામી રહ્યો છે. બજારમાં લીલી શાકભાજી આવી ગયા છે. ખાસ કરીને ઉંધિયુમાં ઉપયોગમાં લેવાતા તાજા શાકભાજી મળી રહ્યા છે.ત્યારે શિયાળામાં સ્વાદિષ્ટ ઉંધિયુ ઘરે બનતું હોય છે. ગુજરાતના લોકોને ઉંધિયુ ખુબ પ્રિય છે.

Akshay Kadam, Valsad: ગુજરાતી ઉંધિયુ એ ગુજરાતની પરંપરાગત વાનગી છે. ખાસ કરીને શિયાળામાં મોટા ભાગે બનાવવામાં આવતી એક ખાસ શાક છે.જે ઘણા બધા શાકભાજીઓ અને ઘણા બધા મસાલાઓ ઉમેરીને બનાવવામાં આવે છે. જેનો સ્વાદ ખૂબ જ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ઘણાં મસાલાઓનો ઉપયોગથી આ વાનગી સુગંધિત બને છે. આ રેસીપી ઘણાં તબક્કામાં બનાવવામાં આવે છે.ખરેખર મોઢામાં પાણી લાવી દે તેવી રેસીપી છે.

ઉંધિયુ ખાસ કરીને મકરસક્રાંતિના તહેવાર અને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે. જેને તમે ગરમા ગરમ પુરી, પટ્ટી સમોસા અને ગાજરના હલવા સાથે પીરસી શકો. આ એક ખૂબ જ અદભૂત અને સ્વાદિષ્ટ શાક છે.જે તમે તમારા મિત્રો અને પરિવાર માટે ખાસ પ્રસંગો અને તહેવારો પર બનાવી શકો.

ઊંધિયું બનાવવા માટેના શાકભાજી

500 ગ્રામ સુરતી પાપડી, 250 ગ્રામ શક્કરીયા, 250 ગ્રામ રતાળુ, 200 ગ્રામ બટાકા, 250 ગ્રામ નાના રીગણાં, 50 ગ્રામ લીલાં વટાણા, 50 ગ્રામ લીલી તુવેર, 2 પાકા કેળાં લેવા.

ઊંધિયું બનાવવા માટેનો મસાલો

1 લીલું નારિયેળ,100 ગ્રામ ખમણેલું નારિયેળ,100 ગ્રામ શેકેલા સીંગદાણા, 50 ગ્રામ તલ,250 ગ્રામ કોથમીર, 250 ગ્રામ લીલું લસણ,100 ગ્રામ લીલી મરચી,100 ગ્રામ આદું,10 લસણની કળીઓ, ½ નાની ચમચી અજમો, ¼ નાની ચમચી હિંગ,1 મોટી ચમચી હળદર પાઉડર, 2 મોટી ચમચી ધાણા-જીરું પાઉડર,1 મોટી ચમચી ગરમ મસાલા પાઉડર,1 મોટી ચમચી લાલ મરચું પાઉડર, 4 મોટી ચમચી ખાંડ, 1 મોટી ચમચી લીંબુનો રસ, 500 ગ્રામ તેલ,સ્વાદનુસાર મીઠું.

મૂઠિયાં બનાવવાની સામગ્રી

1 કપ ચણાનો લોટ, ½ કપ ઘઉંનો જાડો લોટ,100 ગ્રામ ઝીણી સમારેલી મેથીની ભાજી,1 નાની ચમચી આદું મરચાંની પેસ્ટ,1 મોટી ચમચી બારીક સમારેલું લીલું લસણ, ¼ કપ બારીક સમારેલી કોથમીર,1 નાની ચમચી ધાણા-જીરું પાઉડર,1 નાની ચમચી લાલ મરચું પાઉડર,1/2 નાની ચમચી ગરમ મસાલા પાઉડર,1 નાની ચમચી હળદર પાઉડર,1 નાની ચમચી ખાંડ,2 મોટી ચમચી તેલ,1 નાની ચમચી લીંબુનો રસ,સ્વાદનુસાર મીઠું,તળવા માટે તેલ.

મૂઠિયાં બનાવવાની રીત

મૂઠિયાં બનાવવા માટે એક બાઉલમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, આદુ-મરચાંની પેસ્ટ, તલ, તેલ, મીઠું અને બધા મસાલા લઈ લો.હવે તેમાં બારીક સમારેલી મેથી, લીલી કોથમીર અને લીલું લસણ નાખી બરાબર મિક્ષ કરી લો.હવે થોડું પાણી નાખો સખત કણક બાંધી લો અને સેટ થવા માટે 10 મિનિટ સુધી ઢાંકી રાખો.10 મિનિટ પછી, કણકને થોડુંક તોડીને મુઠીમાં બાંધતા લાંબા અથવા ગોળ રોલ બનાવો.એક કડાઈમાં તેલને મધ્યમ તાપ પર ગરમ કરો અને એક-એક કરીને મૂઠિયાંને ગરમ તેલમાં નાંખો.મૂઠિયાંને મધ્યમથી ધીમી તાપ પર બ્રાઉન અને ક્રિસ્પી ન થાય ત્યાં સુધી તળી લો. મુથિયા તૈયાર છે.

ઊંધિયું બનાવવાની રીત

ગુજરાતી ઊંધિયું બનાવવા માટે સૌ પ્રથમ, રીંગણમાં બે કાપા પાડી કાપો, શક્કરીયા, બટાકા અને રતાળુની છાલ કાઢો અને તેમને મોટા ટુકડામાં કાપી પાણીમાં પલાળો. સુરતી પાપડી 10 મિનિટ સુધી પલાળી રાખો, જે બાદ 1 તપેલા માં તેલ નાખી તેને ધીમા આંચે ગેસ ઉપર થવા દો, બીજી બાજુ રતાળુ કંદ,સક્કરીયો કંદ,બટાટા અને રીંગણને તેલમાં ફ્રાઈ કરો. લીલા નાળિયેરને નાના નાના ટુકડામાં કાપી લો.

હવે મિક્સર જારમાં નારિયેળના ટુકડા, મગફળી, સમારેલા આદુ, લસણની કળી, લીલા મરચા, 100 ગ્રામ લીલા ધાણા, 100 ગ્રામ લીલી લસણ, ખાંડ, લીંબુનો રસ નાંખો.મિકસરની મદદથી ઘઘરું વાટી લો મોટા બાઉલમાં વાટેલો મસાલો કાઢો અને તેમાં સૂકા નાળિયેરની છીણ , તલ, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલા પાવડર અને લાલ મરચાનો પાઉડર નાંખી મિક્સ કરો. હવે તેમાં 100 ગ્રામ લીલા ધાણા, 100 ગ્રામ લીલું લસણ, 100 ગ્રામ તેલ અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો. શાકભાજી ભરવાં માટેનો મસાલો તૈયાર છે.

રીંગણમાં મસાલાને સારી રીતે ભરો અને બાકીના મસાલાઓને બટાકા, રતાળું, શક્કરીયા અને કેળામાં મિક્સ કરી લો.એક કઢાઈની અંદર 500 ગ્રામ જેટલું તેલ નાંખો અને તેલને ગરમ થવા દો. (જો તમે ઇચ્છો તો તેલનું પ્રમાણ ઘટાડી શકો છો) તેલ ગરમ થાય એટલે તેમાં અજમો, હીંગ અને તલ નાખીને 10 સેકંડ માટે ફ્રાય કરો.હવે તેમાં હળદર પાઉડર, લાલ મરચાનો પાઉડર, ધાણા-જીરું પાઉડર, ગરમ મસાલા પાઉડર, લીલાં વટાણા, લીલી તુવેર, લીલી કોથમીર અને લીલું લસણ નાખો.તરત જ તેમાં સુરતી પાપડી નાખો.

હવે પેનમાં બધા મસાલાથી ભરેલા શાકભાજી (રીંગણ, શક્કરીયાં, બટાકા, રતાળુ), અને બાકીનો મસાલો ભભરાવી તેમાં અડધો કપ પાણી ઉમેરો.ઢાંકણ ઢાંકીને 20 થી 25 મિનિટ સુધી ધીમા તાપે રાંધો.ઢાંકણ ખોલો અને છરીની મદદથી તપાસો, શાકભાજી રંધાયા છે કે નહીં, જો બરાબર રંધાયા ન હોય તો થોડી વાર માટે ફરીથી ઢાંકીને રાંધો.જ્યારે શાક રંધાવા આવે, ત્યારબાદ તેમાં તળેલાં મૂઠિયાં ઉમેરો અને 5 મિનિટ માટે ગેસ બંધ કરવાના 5 મિનિટ પહેલાં પાકેલાં કેળા ઉમેરો અને ચમચીની મદદથી શાકને પેનની બાજુથી હળવા હાથે હલાવો અને ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે ગેસ બંધ કરો, ઊંધિયુંની અંદર 50 ગ્રામ લીલા ધાણા, 50 ગ્રામ લીલું લસણ અને સુકા નાળિયેરની છીણ મિક્સ કરો.
First published:

Tags: Healthy Food, Local 18, Valsad

विज्ञापन