વલસાડ: અંબાચ ગામે કોલક નદી કિનારે પથ્થરની ક્વોરીઓ બંધ કરાવવા MLA અનંત પટેલ અને આદિવાસી અગ્રણીઓની લડત
વલસાડ: અંબાચ ગામે કોલક નદી કિનારે પથ્થરની ક્વોરીઓ બંધ કરાવવા MLA અનંત પટેલ અને આદિવાસી અગ્રણીઓની લડત
પથ્થરોની ક્વોરીનો વિરોધ
Valsad news: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અંબાચ ગામ નજીકથી પસાર થતી કોલક નદીના કિનારે પથ્થર તોડવાની ક્વોરીઓ આવેલી છે. આ ક્વોરીઓમાં પથ્થર તોડવા સંચાલકો દ્વારા અવારનવાર બ્લાસ્ટ કરવામાં આવે છે.
ભરતસિંહ વાઢેર, વલસાડ: વાંસદાના કૉંગ્રેસી ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી અનંત પટેલ (Anant Patel), કૉંગ્રેસ (Congress) અને આદિવાસી અગ્રણીઓએ વલસાડ જિલ્લા (Valsad district)ના અંબાચ ગામ (Ambach village)માં ધામા નાખ્યા હતા. જ્યાં ગામ નજીકથી પસાર થતી કોલક નદી (Kolak river)ના કિનારે આવેલી પથ્થરની કવોરીઓથી થતા નુકસાનના વિરોધમાં આંદોલનના શ્રીગણેશ કર્યા હતા. અનંત પટેલ, કૉંગ્રેસી અને આદિવાસી અગ્રણીઓએ કોલક નદી કિનારે રાત્રી સભા યોજી હતી, જેમાં કોલક નદીના કિનારે આવેલી કવોરીઓના કારણે અંબાચ ગામ સહિત ત્રણ ગામોને વ્યાપક નુકસાન થતું હોવાથી ક્વોરી બંધ કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ આંદોલનના મંડાણ કર્યા હતા. અનંત પટેલ અને આદિવાસી અગ્રણીઓએ ગામમાં ક્વોરી વિરોધી આંદોલનના મંડાણ કરતા આગામી સમયમાં આ આંદોલન ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.
લોકોના ઘરોને વ્યાપક નુકસાન
બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અંબાચ ગામ નજીકથી પસાર થતી કોલક નદીના કિનારે પથ્થર તોડવાની ક્વોરીઓ આવેલી છે. આ ક્વોરીઓમાં પથ્થર તોડવા સંચાલકો દ્વારા અવારનવાર બ્લાસ્ટ કરવામાં આવે છે. ગામના છેવાડે જ આવેલી ક્વોરીઓમાં થતા અવારનવાર બ્લાસ્ટને કારણે ગામમાં ઘરોમાં પણ નુકસાન થઇ રહ્યું છે. અંબાચ ગામ સહિત આસપાસના ત્રણ ગામોને બ્લાસ્ટને કારણે વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. લોકોના ઘરોમાં તિરાડો પડી રહી છે અને લોકોમાં ભયનો માહોલ છે.
રાત્રી સભાનું આયોજન
લોકોએ આ જોખમી ક્વોરીઓ બંધ કરાવવા માટે અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરી છે, પરંતુ લોકોની રજુઆતો ધ્યાને લેવામાં આવતી નથી. હવે વાંસદાના કૉંગ્રેસી અને આદિવાસી અગ્રણી અનંત પટેલ અને વલસાડ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વસંત પટેલ સહિત આદિવાસી અગ્રણીઓએ અંબાચ ગામમાં ત્રણ ગામોના લોકો સાથે કોલક નદી કિનારે રાત્રી સભાનું આયોજન કર્યું હતુ, જેમાં મોટી સંખ્યામાં ત્રણ ગામના લોકો એકઠા થયા હતા.
જિલ્લાનો રાજકીય માહોલ ગરમાયો
સભાને સંબોધતા અનંત પટેલ અને અન્ય કૉંગ્રેસી અને આદિવાસી અગ્રણીઓએ તંત્ર સમક્ષ ક્વોરીઓ બંધ કરવા માટેની માંગ કરી હતી. જો લોકોની માંગ સ્વીકારવામાં નહીં આવે અને ક્વોરીઓ બંધ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આમ અંબાચ ગામમાં અનંત પટેલની આગેવાનીમાં આદિવાસી અગ્રણીઓએ ક્વોરી વિરોધી શરૂ કરેલા વિરોધ આંદોલનને કારણે જિલ્લાનું રાજકીય માહોલ ગરમાયો છે.
ચૂંટણીના વર્ષમાં અનંત પટેલ અને આદિવાસી અગ્રણીઓવલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકા સહિત આદિવાસી વિસ્તારોમાં નાના સ્થાનિક મુદ્દે પણ આંદોલન કરી અને સરકારના વિરોધમાં વાતાવરણ ઊભું કરી આદિવાસીઓને કૉંગ્રેસ તરફી કરવાના પ્રયાસ કરી રહ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર