Lavachna Fair in Vapi: વાપી નજીક લવાછાના મેળામાં દારૂની હેરાફેરી કરતો એક હોમગાર્ડ ઝડપાતા ચકચાર મચી ગઈ છે. પોલીસે મેળામાંથી દારૂના જથ્થા સાથે એક હોમગાર્ડ અને તેના એક સાગ્રિતને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધો છે.
ભરતસિંહ વાઢેર, વાપી: વાપી નજીક લવાછાના મેળામાં દારૂની હેરાફેરી કરતો એક હોમગાર્ડ ઝડપાતા ચકચાર મચી ગઈ છે .પોલીસે મેળામાંથી દારૂના જથ્થા સાથે એક હોમગાર્ડ અને તેના એક સાગ્રિતને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધો છે. બનાવની વિગત મુજબ વાપી નજીક લવાછામાં લોકમેળો ભરાયો છે. અઠવાડિયા સુધી ચાલતા આ લોકમેળામાં વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લો અને સઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી સહિત મહારાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં લોકો મેળા માણવા પહોંચે છે.
39,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
વર્ષોથી ભરાતા આ મોટા મેળાની સુરક્ષાને ધ્યાનમાં લઇ પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આ સાથે સંઘ પ્રદેશ દમણ અને ગુજરાતની હદ પર ચેકપોસ્ટ પણ બનાવેલી છે. આ દરમિયાન મેળામાં ચેકિંગ દરમિયાન એક મોપેડ પર આવી રહેલા બે વ્યક્તિઓ શંકાસ્પદ જણાતા પોલીસે તેમને રોકી તપાસ કરતા તેમની પાસેથી રૂપિયા 39,000 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે બન્નેની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, પોલીસે બંનેની અટકાયત કરી પૂછપરછ કરતા દારૂ સાથે ઝડપાયેલા આરોપીઓમાંથી એક આરોપી વિરલ નટુ ગુલાબ પટેલ પોતે વાપીમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાનું પણ બહાર આવ્યું હતું. સાથે જ તેમના અન્ય સાગરીત દિવ્યેશ પટેલ નામના આરોપીને પણ ઝડપી પોલીસે સળિયા પાછળ ધકેલી દીધો છે. આમ વાપીના લવાછાના મેળામાં દારૂની હેરાફેરી કરતા હોમગાર્ડ અને તેના સાગરીતની ધરપકડ કરી પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો આરોપી વિરલ પટેલ ખાખી વર્દીની આડમાં બુટલેગિંગનો ધંધો કરતો હોવાથી પોલીસે તેના વિરુધ કડક કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીના ગુજરાતમાં જ્યા દારુના વેચાણ અને પીવા પર પાબંદી છે, છતા પણ મોટા પ્રમાણમાં દારૂ ઝડપાતો હોય છે. અને વાપીમાં તો ખુદ ખાખી જ દારૂની હેરાફેરી કરતી ઝડપાઈ છે. પોલીસે બન્ને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.