Home /News /valsad /Vapi News: વાપીમાં 10 વર્ષની બાળકીનું અપહરણ, પૂર્વ માતા અને તેના પતિ સહિત ત્રણની ધરપકડ
Vapi News: વાપીમાં 10 વર્ષની બાળકીનું અપહરણ, પૂર્વ માતા અને તેના પતિ સહિત ત્રણની ધરપકડ
ત્રણેય આરોપીની તસવીર
Valsad News: વલસાડ જિલ્લાના વાપીમાં એક દસ વર્ષીય વિદ્યાર્થીનીનું સ્કૂલની બહાર અપહરણ થવાની ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે પોલીસે બાળકીની પૂર્વ માતા, તેના પતિ સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
ભરતસિંહ વાઢેર, વાપીઃ વલસાડ જિલ્લાના વાપીમાં એક દસ વર્ષીય વિદ્યાર્થીનીનું સ્કૂલની બહાર અપહરણ થવાની ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે અપહરણની આ ઘટનામાં પારડી પોલીસે તાત્કાલિક પગલાં લઈ એક મહિલા સહિત ત્રણ અપહરણકર્તાની ધરપકડ કરી લીધી છે.
આરોપીઓએ દિલીપ પર હુમલો કર્યો
દિલીપ મિશ્રાને ગઈકાલે બપોરે તેની દીકરીની શાળામાંથી એક ફોન આવ્યો હતો કે બાળકીને કોઈ અજાણ્યા શખસો લઈને ફરાર થઈ ગયા છે. આ ફોન આવતાં જ દિલીપ મિશ્રાએ તાત્કાલિક નેશનલ હાઇવે 48 પર આ અપહરણકર્તાની કારનો પીછો કર્યો હતો. વાપીના બલીઠા વિસ્તારમાં હાઇવે પર આ કારને આંતરીને પોતાની દીકરીને બચાવવાનો પ્રયાસ કરતા દિલીપ મિશ્રા પર આરોપીઓએ હુમલો કર્યો હતો. જો કે, દિલીપ મિશ્રાએ તાત્કાલિક પોલીસને પણ જાણ કરી હતી. જેને લઈને પારડી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અપહરણ કરવા આવેલા ત્રણ અપહરણકર્તાની પોલીસે ધરપકડ કરી લીધી હતી. પારડી પોલીસે પૂજા બારોટ, વિરાજ બારોટ અને જય દરજી નામના ત્રણ અપહરણ કર્તાઓની ધરપકડ કરી લીધી.
મરજીથી છૂટાછેડા લઈ કસ્ટડી પતિને સોંપી
અપહરણની ઘટનાના સીસીટીવી બહાર આવ્યા હતા. જેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે, શાળાની બહાર આવી રહેલા બાળકોમાંથી 10 વર્ષીય સગીર બાળકીને એક મહિલા હાથ પકડી લઇ જાય છે. દસ વર્ષીય વિદ્યાર્થીનીના અપહરણના મામલે ખુલાસા થયા છે કે, આ અપહરણ કરવામાં પૂજા બારોટ મુખ્ય આરોપી છે. જો કે, ચોંકાવનારી બાબતે છે કે, જે બાળકીનું અપહરણ થયું હતું તે બાળકી પૂજા બારોટની હોવાનું જ બહાર આવ્યું છે. થોડાં સમય પહેલાં દિલીપ મિશ્રા અને પૂજાના લગ્ન થયા હતા અને આ લગ્ન બાદ આ મિશ્રા પરિવારમાં એક દીકરી અને એક દીકરાનો જન્મ પણ થયો હતો. જો કે, બંને પતિ પત્ની વચ્ચે મનમેળ ન હતો. તેને કારણે થોડા સમય પહેલાં જ પૂજા અને દિલીપે છુટાછેડા લઈ લીધા હતા અને પૂજાએ પોતાની મરજીથી બંને બાળકોની કસ્ટડી પણ તેના પિતા દિલીપને સોંપી દીધી હતી.
આ પણ વાંચોઃ આ ગુજરાતી છોકરો ‘ઘોડે પે સવાર’નું મેલ વર્ઝન ગાઈને છવાઈ ગયો
પૂર્વપતિને જાણ કર્યા વગર જ દીકરીને લઈ જતી હતી
ત્યારબાદ વાપીની પૂજાએ અમદાવાદમાં વિરાજ બારોટ સાથે ઘર માંડ્યું હતું. જો કે, હવે અચાનક જ પૂજા તેના નવા પતિ વિરાજ સાથે વાપી પહોંચી હતી અને તેના પૂર્વપતિ દિલીપને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર અચાનક જ દસ વર્ષીય દીકરીનું અપહરણ કરી અમદાવાદ તરફ ફરાર થવાની હતી. ત્યારે જ પોલીસે ત્રણેય આરોપીને ઝડપી લીધા છે. પૂજા અને તેના પૂર્વપતિ વિરાજે દિલીપને ઢોરમાર માર્યો હતો અને હાલે દિલીપ વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.
પૂજાનો નિર્દોષ હોવાનો દાવો
વાપી પોલીસ સ્ટેશનની બહાર મીડિયાને આંગળી બતાવતી પૂજા બારોટ મીડિયા સમક્ષ પોતે નિર્દોષ હોવાનું ગાણું ગાઈ રહી હતી. જો કે, પૂજા આજે પણ દિલીપની પત્ની હોવાનો દાવો કરે છે. જો કે, પોતે પણ સ્વીકારે છે કે, તે વિરાજ સાથે લિવ ઇનમાં રહી છે. જો કે, પૂજા અને વિરાટના લગ્ન થઈ ગયા હોવાના ફોટા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે પોલીસ તપાસમાં સંપૂર્ણ બહાર આવશે.
વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દિલીપ મિશ્રાની એક જ માગણી છે કે, પોતાની દીકરીનું અપહરણ કરનારાઓને સખત સજા થાય. ભવિષ્યમાં તેના બાળકો પર કોઈ જોખમ ન આવે અને દીકરીનું અપહરણ કરી કોઈ ખરાબ કૃત્ય ન કરે તેવી આશા પોલીસ પાસે સેવી રહ્યો છે. જો કે, પોલીસે પણ ત્રણેય આરોપી પૂજા બારોટ, વિરાજ બારોટ અને જય દરજીની ધરપકડ કરી લીધી છે.