Home /News /valsad /ગ્રીન હીરો ઓફ ઇન્ડિયાએ ગુજરાતના આ દરિયા કિનારે એક જ વર્ષમાં બનાવી નાંખ્યું 'જાપાની મિયાવાકી જંગલ'
ગ્રીન હીરો ઓફ ઇન્ડિયાએ ગુજરાતના આ દરિયા કિનારે એક જ વર્ષમાં બનાવી નાંખ્યું 'જાપાની મિયાવાકી જંગલ'
નારગોલ ગામના દરિયા કિનારે 1 વર્ષ પહેલાં વિશ્વના સૌથી મોટા દરિયાકિનારે આવેલા જાપાની મિયાવાકી જંગલ નું નિર્માણ કરવામાં આવ્યું છે.
અહીં 7 એકર જમીનમાં 1 લાખ 20 હજારથી વધુ વૃક્ષો વાવવાની સાથે આ વિસ્તારમાં કૃત્રિમ તળાવો પણ બનાવવામાં આવ્યા છે. જેમાં પાણીનો સંગ્રહ થશે અને કુત્રિમ જંગલના ત્રણ વર્ષ સુધી નિભાવ અને સંભાળ અને વૃક્ષોને ફુવારા પદ્ધતિથી વૈજ્ઞાનિક ઢબે પાણી પૂરું પાડવા માટેની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.
ભરતસિંહ વાઢેર, વલસાડ: આજે વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) છે ત્યારે વિશ્વભરમાં આજના દિવસે પર્યાવરણના જતન અને સંરક્ષણ માટે અનેક જનજાગૃતિ કાર્યક્રમો અને વૃક્ષારોપણ (Plantation)ના કાર્યક્રમો યોજાય છે. જોકે વલસાડ (Valsad) જિલ્લાના ઉમરગામ (Umargam) તાલુકાના નારગોલ ગામ (Nargol Village)ના દરિયા કિનારે 1 વર્ષ પહેલાં વિશ્વના સૌથી મોટા દરિયાકિનારે આવેલા જાપાની મિયાવાકી જંગલ (Japanese Miyawaki Forest) નું નિર્માણ કરવામાં આવ્યું છે. દરિયાકિનારાની બંજર જમીનમાં ગણતરીના દિવસોમાં જ લાખો વૃક્ષો વાવવામાં આવ્યા હતાં અને આજે બરાબર એક વર્ષ પછી હવે આ નાનકડા ગામના દરિયા કિનારે બનેલુ આ કૃત્રિમ જંગલ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલના માલવણના દરિયા કિનારે ગયા વર્ષે એટલે 2021 ની 5 જૂનના દિવસે વિશ્વના સૌથી મોટા દરિયાકિનારે આવેલા મિયાવાકી જંગલ ઊભું કરવામાં આવ્યું હતું. દરિયા કિનારે બંજર પડી રહેતી આ જમીનમાં એન્વાયરો એન્ડ ફોરેસ્ટ ક્રિકેટર્સ ફાઉન્ડેશન નામની સામાજીક સંસ્થા, સામાજીક વનીકરણ વિભાગ અને નારગોલ ગ્રામ પંચાયતના સહયોગથી ગોદરેજ કંપનીના યોગદાનથી આ જગ્યા પર જંગલ બનાવવાની શરૂઆત થઇ હતી. અને માત્ર 27 દિવસના ગણતરીના દિવસોમાં જ 7 એકર વિસ્તારમાં 1 લાખ 20 હજાર વૃક્ષો વાવવામાં આવ્યા હતાં. આ વૃક્ષોમાં ફળ, ઇમારતી અને ઔષધીય સહિતની વનસ્પતિની 90 જાતોના વૃક્ષ રોપવામાં આવ્યા હતા. આથી ઉમરગામ તાલુકાના નાનકડા ગામે દરિયા કિનારાને અડીને બનાવવામાં આવેલું આ મિયાવાકી જંગલ જાપાનીસ મિયાવાંકી પદ્ધતિથી તૈયાર કરવામાં આવ્યું હતું.
આ પદ્ધતિમાં નજીક નજીક વૃક્ષો રોપવામાં આવે છે. વિશેષ રીતે રોપવામાં આવતા હોવાથી તીવ્ર ગતિથી વૃક્ષોનો વિકાસ અને વૃદ્ધિ થાય છે. આથી ગણતરીના વર્ષોમાં જ જગ્યા પર ગાઢ જંગલ તૈયાર થઈ જાય છે. આજે આ મિયાવાંકી વનને એક વર્ષ પૂર્ણ થતાં આજે સમગ્ર વિસ્તારમાં હરિયાળી છવાયેલી જોવા મળે છે. એક વર્ષ પહેલાં વાવેલા નાના છોડવા આજે 12 થી 15 ફૂટ ઊંચા વૃક્ષ સમાન લાગી રહ્યા છે. ગ્રીન હીરો ઓફ ઇન્ડિયાના નામથી જાણીતા ડોક્ટર આર.કે નાયર મૂળ કેરલ ના છે. પરંતુ પરંતુ વર્ષોથી ઉમરગામને કર્મભૂમિ બનાવનવાર આર કે નાયર ફોરેસ્ટ મેન તરીકે જાણીતા થયા છે. તેમના પર્યાવરણ પ્રત્યેના પ્રેમને કારણે તેઓ 10 દસ વર્ષથી વધુ સમયથી સમગ્ર દેશમાં જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી કુત્રિમ જંગલો ઉભા કરી રહ્યા છે.
નારગોલ દરિયા કિનારે વિશ્વનું સૌથી મોટું જાપાનીસ પદ્ધતિ થી બનાવેલ આ કૃત્રિમ જંગલથી આગામી સમયમાં આ વિસ્તારમાં ભુગર્ભ જળના સ્તરને ઉપર લાવવા સહિત ખેતી, પર્યાવરણ અને પર્યટનની દ્રષ્ટિએ પણ ફાયદાકારક પુરવાર થશે. તેવો ડૉ આર.કે. નાયરે આત્મવિશ્વાસ વ્યકત કરી રહ્યા છે. અને આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે આ કુત્રિમ વન જંગલ, તળાવ અને દરિયા કિનારાના ત્રિવેણી સંગમ સમાન અલગ ઓળખ ઉભુ કરી રહ્યું છે.
દરિયાકિનારા ની ખારાપાટ વાળા આ વિસ્તારમાં જ્યાં જંગલ ઊભુ કર્યું છે. તે જગ્યા વેરાન પડી રહેતી હતી. જેનો કોઈ જ ઉપયોગ થતો ન હતો પરંતુ પર્યાવરણવાદી અને ગ્રીન હીરો ઓફ ઇન્ડિયાના નામથી જાણીતા ડોક્ટર આર.કે. નાયર અને તેમની એન્વાયરો એન્ડ ફોરેસ્ટ ક્રિકેટર્સ ફાઉન્ડેશન નામની સંસ્થાએ એક વર્ષ અગાઉ આ વિસ્તારની કાયાપલટ કરવાનું એક અભિયાનનો આરંભ કર્યો હતો. અને આજે એક વર્ષ બાદ તેમાં સફળતા મળી છે અને તેના પરિણામ પણ દેખાઈ રહ્યા છે.
અહીં 7 એકર જમીનમાં 1 લાખ 20 હજારથી વધુ વૃક્ષો વાવવાની સાથે આ વિસ્તારમાં કૃત્રિમ તળાવો પણ બનાવવામાં આવ્યા છે. જેમાં પાણીનો સંગ્રહ થશે અને કુત્રિમ જંગલના ત્રણ વર્ષ સુધી નિભાવ અને સંભાળ અને વૃક્ષોને ફુવારા પદ્ધતિથી વૈજ્ઞાનિક ઢબે પાણી પૂરું પાડવા માટેની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. આથી આગામી દિવસોમાં જંગલથી આ વિસ્તારમાં પર્યટન સ્થળની સાથે સ્થાનિક લોકોની રોજગારી માટેનું પણ એક મોટું સાધન પુરવાર થશે તેવું ગામ લોકો માની રહ્યા છે. તો રાજ્યના પૂર્વ વન અને આદિજાતિ મંત્રી અને ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકર પણ દરિયા કિનારે ઊભું થયેલું આ વન અનેક રીતે ફાયદાકારક અને ઉપયોગી પુરવાર થશે તેવું માની રહ્યા છે.