ભરતસિંહ વાઢેર, વલસાડ: આજે દેશભરમાં હનુમાન જયંતી (Hanuman Jayanti)ની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે. તેના અનુસંધાને વલસાડ જિલ્લા (Valsad district)માં પણ હનુમાન જયંતીની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધાર્મિક સોહાર્દ અને શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. આ દરમિયાન રાજ્યના છેવાડે આવેલા ઉમરગામમાં હનુમાનજી મંદિર (Umargam Hanumanji Temple)ના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના કોમી એકતાના દર્શન થયા હતા. ઉમરગામની મુખ્ય મસ્જિદના મૌલવી અને મુસ્લિમ અગ્રણી (Muslim Leaders)ઓએ હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 21 હજારનું યોગદાન આપી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પીવાના પાણીનો તમામ ખર્ચો પણ ઉપાડવાની જાહેરાત કરી હતી.
રાજ્ય સરકારના મંત્રી રહ્યા હાજર
રાજ્યના નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ પણ હનુમાનજી મંદિરના ત્રણ દિવસિય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રામ નવમીના તહેવાર વખતે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં મુસ્લિમ સમાજ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી.
મુસ્લિમ સમાજે આપ્યું 21 હજારનું દાન
ઉમરગામમાં માછી સમાજ સંચાલિત નવનિર્મિત હનુમાનજી મંદિરની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં ઉમરગામની સૌથી મોટી મસ્જિદના મૌલાના સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચ્યા હતા. એટલું જ નહીં, હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં મુસ્લિમ સમાજના યોગદાન તરીકે 21 હજાર રૂપિયાનું યોગદાન પણ આપ્યું હતું.
મુસ્લિમ સમાજે ત્રણ દિવસ પાણી પૂરું પાડવાની જવાબદારી ઉપાડી
આ સાથે જ ત્રણ દિવસ ચાલનારા આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તો માટે ત્રણ દિવસ પાણી પૂરું પાડવાની જવાબદારી પણ મુસ્લિમ સમાજે ઉપાડી હતી. આમ ઉમરગામ અને આસપાસના વિસ્તારના લોકોના આસ્થાના પ્રતિક સમા હનુમાનજી મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્યના નાણા મંત્રી કનુભાઇ દેસાઇ સહિત અનેક રાજકીય અગ્રણીઓએ પણ હાજર રહી ધન્યતા અનુભવી હતી.
કોમી એકતાનું અનોખું ઉદાહરણ
રાજ્યના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇએ શ્રદ્ધાપૂર્વક ભગવાનના દર્શન કર્યા હતા અને સમાજના કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહી અને કોમી એકતા અને ભાઇચારાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ રીતે ઉમરગામનું હનુમાનજી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કોમી એકતાનું પ્રતિક બન્યો હતો. આ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હજારો ભક્તોએ હાજર રહી અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.