Home /News /valsad /Gujarat election 2022: ધરમપુર વિધાનસભા બેઠક પર ગૂંચવાઇ શકે છે ભાજપનું કોંકળું, મતદારો લાવી શકે છે પરીવર્તન
Gujarat election 2022: ધરમપુર વિધાનસભા બેઠક પર ગૂંચવાઇ શકે છે ભાજપનું કોંકળું, મતદારો લાવી શકે છે પરીવર્તન
વલસાડ જિલ્લામાં કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી ધરમપુર વિધાનસભા બેઠક ઉપર પાછલી ટર્મમાં ભજપે સત્તા મેળવી હતી.
Dharampur assembly constituency : ધરમપુર વિધાનસભા બેઠક પર કુલ મતદારોની સંખ્યા અંદાજે 2,49,135 છે. જેમાં 1,24,742 પુરૂષ મતદારો અને 1,24,392 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. ધરમપુર વિધાનસભા બેઠકમાં વર્ષ 1962માં રામુભાઇ જાદવે પીએસપીમાંથી 4483 મતોના માર્જીન સાથે કોંગ્રેસના ઉમેદવાર બાપુભાઇ રાવતને હરાવ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly election 2022) નજીક આવી રહી છે, તેમ તેમ ભાજપ-કોંગ્રેસ સહિત તમામ પક્ષો તૈયારીના મોરચામાં જોડાઇ ચૂક્યા છે. પ્રચારના પડઘમ વચ્ચે પ્રજાએ પણ ઉમેદવારની પસંદગી કરતા પહેલા દરેક બેઠક પરનું રાજકાણ સમજવું આવશ્યક બની જાય છે. ત્યારે આજે આ લેખમાં અમે તમને વલસાડ જિલ્લાની ધરમપુર (Dharampur assembly constituency) બેઠક વિશે જણાવવા જઇ રહ્યા છીએ.
વલસાડ જિલ્લામાં કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી ધરમપુર વિધાનસભા બેઠક ઉપર પાછલી ટર્મમાં ભજપે સત્તા મેળવી હતી. સંપૂર્ણ આદિવાસી સમાજના મતદારો અહીં વસવાટ કરે છે. વર્ષોથી અહી કોંગ્રેસની પકડ રહી છે. ધરમપુર રાજવી સમયનું રજવાડું ધરાવતી બેઠક છે. અહી આજે પણ રજવાડાના સમયના અવશેષ સમા અનેક મકાનો અને મંદિરો આવેલાં છે. વળી અહીં એકધારું કોંગ્રેસનું શાસન હતું. જેમાં ગત ટર્મમાં ભાજપે કબજો કર્યો છે. વળી આ વિસ્તારમાં નાગલીના રોટલા અને અડદની દાળનું ભુજીયું પ્રખ્યાત છે. વળી દરેક ગામોમાં ભરાતા હાટ બજારમાં ભજીયા ખૂબ જ પ્રખ્યાત છે.
ધરમપુર બેઠકનો રાજકિય ઈતિહાસ (Political history of Dharampur seat)
ધરમપુર વિધાનસભા બેઠકમાં વર્ષ 1962માં રામુભાઇ જાદવે પીએસપીમાંથી 4483 મતોના માર્જીન સાથે કોંગ્રેસના ઉમેદવાર બાપુભાઇ રાવતને હરાવ્યા હતા. વર્ષ 1967માં કોંગ્રેસના ઉમેદવાર બી કે પટેલે 2638 મતોના માર્જીન સાથે SWAના એસ. આર. પટેલને મ્હાત આપી હતી. 1972માં રામુભાઇ જાદવે ફરી સત્તા મેળવી, પરંતુ આ વખતે તે 7063 મતોના માર્જીન સાથે એનસીઓમાંથી વિજેતા બન્યા હતા. વર્ષ 1975માં યોજાયેલી ચૂંટણીમાં એનસીઓના રામાભાઇ જાદવ 9631 મતોના માર્જીન સાથે જીત્યા હતા. જોકે, વર્ષ 1980 અને 1985 એમ બે ટર્મ સુધી કોંગ્રેસના ઉમેદવાર શંકરભાઇ પટેલે વિજય મેળવ્યો હતો.
વર્ષ 1990 અને 1995માં ભાજપે એન્ટ્રી કરી અને આ બેઠક પર ભાજપના ઉમેદવાર મણીભાઇ ચૌધરી સતત બે ટર્મ સુધી રાજ કર્યુ હતું. વર્ષ 1998માં ભાજપના હિરાભાઇ ચૌધરી આ સીટ પરથી ચૂંટાઇ આવ્યા હતા. 2002માં કોંગ્રેસના કિસાનભાઇ પટેલે 23,397ના જંગી માર્જીન સાથે આ બેઠક પોતાના કબ્જે કરી હતી. 2007માં કોંગ્રેસે ફરી બાજી મારી અને ચનાભાઇ ચૌધરી વિજેતા બન્યા હતા. 2012માં પણ આ બેઠક કોંગ્રેસને મળી હતી અને ઇશ્વરભાઇ પટેલ વિજયી બન્યા હતા.
ધરમપુર વિધાનસભા બેઠકમાં વર્ષ 2017માં યોજાયેલી ચૂંટણીમાં કુલ મતદાન 78.01 ટકા થયું હતું. જેમાં કુલ મતદાર 2,26,284, પુરુષ 1,13,673, મહિલા 1,12,611 સાથે કુલ મતદાન 1,76,522. જેમાં પુરુષ 90,882 અને મહિલા 85,660 મત પડ્યાં હતાં. આ ચૂંટણીમાં ભાજપના અરવિંદભાઈ છોટુભાઈ પટેલને 94,944 મતો, કોંગ્રેસના ઈશ્વર ઢેડાભાઈ પટેલને 72,698 મતો, બહુજન સમાજ પાર્ટીના પટેલ લક્ષ્મણ ચુનીલાલને 2572 મતો, બહુજન મુક્તિ પત્રીના ખરપડી ગુલાબ જાનુભાઈને 991 અને ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના મંગુભાઈ સવળુભાઈ પાડવીને 2464 મતો મળ્યાં હતાં. તો, 3711 મત નોટામાં ગયા હતાં. આમ 2012ની સરખામણી એ વર્ષ 2017માં ભાજપને બેઠક મળતાં સીધો ફાયદો મળ્યો હતો અને 22,246 મતો વડે અરવિંદભાઈ વિજેતા થયા હતા.
ધરમપુરના ચાસ માંડવા અને પૈખેડ ખાતે રીવર લિંક પ્રોજેક્ટમાં સૂચિત ડેમ બનાનાર હોઇ આદિવાસી સમાજના વિવિધ સંગઠનો વિરોધ નોંધાવી રહ્યા છે. લોકોનો વિરોધ એ મુદ્દે છે કે ડેમ બનશે તો 4000 લોકોને વિસ્થાપિત થવાનો વારો આવશે. વળી આ ડેમનો મુદ્દો આ વખતે કોંગ્રેસ માટે મહત્વનો બની શકે એમ છે. વળી લોકોની માંગ પ્રાથમિક સુવિધાઓ, પાણી અને રસ્તાઓની કાયમની રહી છે. વરસાદની બાબતમાં ચેરાપુંજી જેવો વિસ્તાર ગણાતો હોવા છતાં ઉનાળામાં પીવાના પાણીની તંગી અહી વર્તાય છે જે પ્રશ્નો ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પણ દરેક પક્ષને પરેશાન કરશે.
બેઠક પર મતદારોનું ગણિત (Counting of voters at the seat)
ધરમપુર વિધાનસભા બેઠક પર કુલ મતદારોની સંખ્યા અંદાજે 2,49,135 છે. જેમાં 1,24,742 પુરૂષ મતદારો અને 1,24,392 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. જ્યારે એક અન્ય મતદાર પણ છે. આ બેઠક પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ વધારે રહેલું હોવાથી તમામ પક્ષો આદિવાસી સંબંધિત પ્રશ્નો પર ધ્યાન આપી વોટબેંક વધારવામાં લાગી ચૂક્યા છે.
ખેતીવાડી છે લોકોનો રોજગાર
આ બેઠકમાં ખેતીવાડી એક માત્ર રોજગાર છે. ધરમપુર બેઠકમાં મોટાભાગે અહીં મતદારો માત્ર ખેતી ઉપર નભે છે. અહી ડાંગર તુવાર અડદ નાગલી, તેમજ મોટાભાગે રોજગારી માટે લોકો શાકભાજીની ખેતી કરે છે. આ વિસ્તાર વારલી, કુંકના અને ધોડિયા પટેલ સમાજની બહુધા વસ્તી ધરાવે છે. તેમજ બેઠક ઉપર ઉમેદવાર પણ એસટી કેટેગરીમાંથી જ ઉમેદવારી કરી શકે છે.
ધરમપુર બેઠક પર સર્જાયેલા વિવાદો (Controversies created on the Dharampur seat)
-સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા વલસાડના ધરમપુર કોંગ્રેસનું રાજકારણ ગરમાયું છે. ધરમપુર યુથ કોંગ્રેસના પ્રમુખ કલ્પેશ પટેલે 5 ગામના આગેવાનો સાથે ચર્ચા કરીને પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા રાજકિય ભૂકંપની સ્થિતિ ઊભી થઇ હતી.
- વલસાડ જિલ્લાના ધરમપુરના કોંગ્રેસી માજી ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલે કોંગ્રેસના સભ્યપદેથી ગત વર્ષે 8 માર્ચે રાજીનામુ ધરી દેતા ચકચાર મચી ગઇ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને સંબોધીને ઈશ્વરભાઈ પટેલે કોંગ્રેસના સભ્ય પદેથી પણ રાજીનામુ ધરી દેતા કોંગ્રેસમાં છૂપો વિખવાદ બહાર આવ્યો હતો.
- કોરોના મહામારી દરમિયાન ધરમપુરના રાજકીય હોદ્દેદારના લગ્ન પ્રસંગે રાત્રીના કુટુંબના સભ્ય દ્વારા આયોજિત ઓરક્રેસ્ટામાં હાજર વ્યકતીઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ નહીં રાખી દાખવેલી બેદરકારીને લઇ પોલીસે ધરમપુર તાલુકા ભાજપ પ્રમુખ સહિત 11 શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. ધરમપુરના કુરગામમાં રહેતા તાલુકા ભાજપ પ્રમુખ કેતન અરવિંદભાઇ પટેલના લગ્ન પ્રસંગ નિમિત્તે શનિવારે રાત્રીએ ઓરકેસ્ટ્રા પાર્ટી બોલાવીને જનમેદની ભેગી થઈ હતી.
-પીએમ મોદીએ ધરમપુરની માલનપડની સભામાં કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ ગુજરાતને બદનામ કરવાનું કામ કરે છે. ગુજરાતને બદનામ કરનારને સજા મળશે. એટલું જ નહીં ઇન્દિરા ગાંધીએ મોરારજીભાઇ દેસાઇને જેલમાં પૂર્યાનો પણ આક્ષેપ કર્યો હતો.
ધરમપુર બેઠક પર યોજાયેલી ચૂંટણીઓ (Elections held on Dharampur seat)