વલસાડ ના ખેડૂતો છેલ્લા 5 વર્ષથી રજુઆત કરી રહ્યા છે
વલસાડની પ્રખ્યાત હાફુસ કેરીને વૈશ્વિક બજારમાં સારા ભાવ મળતા નથી. કારણ કે GI ટેગ ન હોવાથી મુશ્કેલી ઉભી થઇ છે. વલસાડનાં ખેડૂતો પાંચ વર્ષથી રજુઆત કરી રહ્યાં છે. પરંતુ હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી.
Akshay Kadam, Valsad: વલસાડ જિલ્લાની હાફુસ કેરી જગવિખ્યાત છે. પરંતુ વર્ષ 2017માં મહારાષ્ટ્રના કોંકણ, દેવગઢ, રત્નાગીરીની હાફુસને GI ટેગ મળતા છેલ્લા 5 વર્ષથી વલસાડી આફૂસનું ઉત્પાદન લેતા ખેડૂતોને વલસાડી હાફુસ કેરીનો યોગ્ય ભાવ ન મળતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે અને તેઓ છેલ્લા 5 વર્ષથીલડત ચલાવી વલસાડી આફૂસની પેટન્ટ રજીસ્ટર્ડ કરાવવાની માગ કરી રહ્યા છે.
કેરીને ફળોનો રાજા માનવામાં આવે છે. વલસાડની વલસાડી હાફુસ કેરી તેના સ્વાદ માટે જગ વિખ્યાત છે. વિશ્વભરમાં વલસાડી હાફુસનો સ્વાદ જાણીતો છે. જોકે, દુઃખની વાત એ છે કે હાફુસ કેરીનું જીઆઇ ટેગ એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ (Geographical Indication (GI) tag) પેટર્ન રજીસ્ટ્રેશન મહારાષ્ટ્રના રત્નાગીરી અને દેવગઢના ખેડૂતો પાસે છે. આ કારણે GI ટેગના અભાવે વલસાડ જિલ્લાની જગવિખ્યાત જાણીતી વલસાડી હાફુસ કેરીને વૈશ્વિકમાં વેચવા અને પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં મુશ્કેલી પડી રહી છે.
આ કારણે હાફુસ કેરીનો વિસ્તાર ગણાતા વલસાડ જિલ્લાના ખેડૂતોની સાથે અન્યાય થઇ રહ્યો હોય તેવી લાગણી વ્યાપી રહી છે. હવે વલસાડ જિલ્લાના ખેડૂતો પણ વલસાડી હાફુસ કેરીને જીઆઇ ટેગ મળે તે માટે અભિયાન શરૂ કર્યું છે. જીઆઇ ટેગ પેટર્ન શું છે? તેનાથી શું ફાયદા થાય છે? વલસાડી હાફુસ કેરીને જીઆઇ ટેગ ન હોવાથી શું નુકસાન થઈ રહ્યું છે?
હાફુસની કલમો રત્નાગીરી અને દેવગઢ પહોંચી હતી
રાજ્યના છેવાડે આવેલો વલસાડ જિલ્લો વાડીઓનો પ્રદેશ છે. વલસાડ જિલ્લામાં 30 હજાર હેક્ટર જમીનથી પણ વધુ વિસ્તારમાં કેરીની વાડીઓ આવેલી છે. દર વર્ષે વલસાડ જિલ્લામાંથી હજારો મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થાય છે. વલસાડી હાફુસ કેરી માટે સમગ્ર દેશ અને દુનિયામાં વલસાડ જિલ્લો જાણીતો છે. વલસાડી હાફુસ કેરી સમગ્ર દુનિયાના સ્વાદ રસિકોમાં ઘેલું લગાડયું છે. વર્ષો અગાઉ વલસાડ જિલ્લાના ખેડૂતોએ કલમ બનાવીને વલસાડી હાફુસ કેરી વિકસાવી હતી. ત્યારબાદ વલસાડી હાફુસની કલમો પડોશી રાજ્ય મહારાષ્ટ્રના રત્નાગીરી અને દેવગઢ સહિત દેશ અને દુનિયાના અન્ય વિસ્તારોમાં પણ અહીંથી જ મોકલવામાં આવી હતી.
કેરીના એક્સપોર્ટ માટે GI ટેગ મહત્વનો રોલ
સ્વાદના રસીકોમાં જાણીતી વલસાડી હાફુસ કેરીની હજુ સુધી વૈશ્વિક બજારમાં આગવી ઓળખ નથી મળી રહી. આનું કારણ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના રત્નાગીરી અને દેવગઢના ખેડૂતોએ હાફુસ કેરીનું GI ટેગ પોતાના નામે રજિસ્ટર કરાવી લીધું છે. GI ટેગ એટલે કે જીયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ જે ફળોમાં જે તે વિસ્તારની આગવી ઓળખ અને ફળની ગુણવત્તાની ખાતરી આપે છે. આથી વૈશ્વિક બજારમાં GI ટેગવાળા ફળો અને કેરીની ખૂબ માંગ રહે છે. GI ટેગ ધરાવતી કેરીને વિશ્વમાં ઊંચા દામે વેચવામાં આવે છે. કેરીના એક્સપોર્ટ માટે GI ટેગ મહત્વનો રોલ ભજવે છે.
વૈશ્વિક બજારમાં ઉંચા ભાવ નથી મળતા
GI ટેગના અભાવે વલસાડના ખેડૂતોને વૈશ્વિક બજારમાં ઊંચા ભાવ મળતાં નથી. રત્નાગીરી અને દેવગઢની આફૂસ કેરીને GI ટેગ હોવાથી વેપારીઓ અને એજન્ટો એક્સપોર્ટ માટે વલસાડી આફૂસને બદલે મહારાષ્ટ્ર રત્નાગીરી અને દેવગઢ હાફુસને પસંદ કરે છે. સાથે જ વલસાડી હાફુસ કેરી પ્રત્યે અણગમો વ્યક્ત કરવામાં આવે છે.
અનેક રજુઆતો કરાઇ પરંતુ પરિણામ ન મળ્યું
વિશ્વના બજારમાં વલસાડી હાફુસ કેરીને થતા અન્યાયને કારણે અગાઉ પણ વલસાડ જિલ્લાના ખેડૂતોએ વલસાડી આફૂસ કેરીને GI ટેગ મળે તે માટે રજૂઆત કરી હતી. પરંતુ હજુ સુધી કોઇ કાર્યવાહી ન થતા વલસાડ જિલ્લામાં વલસાડી હાફુસ કેરીની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સરકાર દ્વારા પણ વલસાડી હાફુસ કેરીને એક આગવી ઓળખ મળે તે માટે વલસાડના ખેડૂતોને જરૂરી સહયોગ અને મદદ કરવામાં એવી માંગ કરી હતી.
હાફુસનાં નામે બજારમાં વેંચી શકતા નથી
વલસાડનાં ખેડૂત જતીનભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વલસાડની હાફુસ અને મહારાષ્ટ્રની રત્નાગીરી હાફુસ એ સરખી જ છે. પરંતુ રત્નાગીરીના ખેડૂતો અને મહારાષ્ટ્રની સરકાર દ્વારા રત્નાગીરી હાફુસ કેરીની GI ટેગ રજીસ્ટર કરાવી દીધો, જેને કારણે વલસાડની હાફુસ કેરીને ટેગ મળ્યો નથી અને જો વલસાડની હાફુસ કેરીને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જો એક્સપોર્ટ કરવી હોઈ તથા તેને મુંબઈના બજારમાં વેચવી હોઈ તો તે હાફુસ કેરીના ભાવ મળતા નથી અને તેને હાફુસ કેરીના નામે પણ વેચી સકતા નથી. જેને કારણે વલસાડ જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા 5 વર્ષથી સરકાર પાસે વલસાડી હાફુસ કેરી માટે GI ટેગ માટે અપીલ કરી રહ્યા છે અને સરકાર દ્વારા પણ ઘણા એવા ખેડૂતો પાસેથી ડેટા માંગવામાં આવ્યા છે. સરકાર વલસાડી હાફુસ કેરીને GI ટેગ આપે તો વલસાડ જિલ્લાના ખેડૂતોને પણ વલસાડી હાફુસ કેરીના સારા એવા ભાવ મળી શકે એમ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર