Valsad Heavy Rain: સોમવારે બપોરે વલસાડની સ્થિતિ ગંભીર બની ગઈ છે. કારણ કે વલસાડ જિલ્લાની ઔરંગા નદીએ કિનારો વટાવ્યો છે. નદીના પાણી આસપાસના ગામમાં પણ ફરી વળ્યા છે.
વલસાડ: વલસાડ શહેરમાં વરસાદ (Valsad city heavy rain) તારાજી સર્જી છે. ભારે વરસાદથી વલસાડની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. બીજી તરફ વલસાડ શહેરમાં વરસાદની તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ દ્રશ્યો ખરેખર ડરામણા છે. ડ્રોન વિઝ્યુલમાં જોઈ શકાય છે કે વલસાડ શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વલસાડની ઔરંગા નદી (Valsad Auranga river)ના પાણી કાંઠા વિસ્તારમાં ઘૂસી ગયા છે.
વલસાડની સ્થિતિ
સોમવારે બપોરે વલસાડની સ્થિતિ ગંભીર બની ગઈ છે. કારણ કે વલસાડ જિલ્લાની ઔરંગા નદીએ કિનારો વટાવ્યો છે. નદીના પાણી આસપાસના ગામમાં પણ ફરી વળ્યા છે. બીજી તરફ પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી છે.
ધરમપુરની પાર નદીમાં ઘોડાપૂર
ધરમપુર તાલુકાના નાની વહિયાલ ગામ નજીકથી પસાર થતી પાર નદીનું પાણી નદી કિનારે આવેલા નીચલી નવી નગરીમાં પ્રવેશતા બેટ જેવી પરિસ્થિતિ સર્જાતા ફળિયાની ચારે તરફ પાણી ફરી વળ્યું છે. આ મામલે મામલતદાર અને ટીડીઓ ધરમપુરને જાણ કરતા અધિકારીઓ ફાયર બ્રિગેડ અને રેસ્ક્યૂ ટીમ સાથે આવી પહોંચી હતી અને 50થી વધુ લોકોને સલામત બહાર કાઢ્યા હતા.
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઔરંગા નદી ગાંડીતુર બની છે. નદીનો પ્રવાહ વધતા છીપવાડ વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે. મુખ્ય બજારમાં નદીના પાણીન પ્રવાહ વહી રહ્યો છે. નદીનું સ્તર વધતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. બીજી તરફ સોસાયટીમાં રહેતા લોકો ધાબા પર રહેવા માટે મજબૂર બન્યા છે. કશ્મીરનગર, બરૂડિયા વાડ, લીલાપોર વિસ્તારમાં પાણી ભરાયા છે. બીજી તરફ મુખ્ય બજારમાં પાણી ફરી વળતા વેપારીઓને કરોડનું નુકસાન થયું છે. એક અંદાજ પ્રમાણે અમુક વિસ્તારોમાં 10 ફૂટ સુધી પાણી ઘૂસી ગયા છે.
વલસાડ જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
ભારે વરસાદને પગલે શિક્ષણ વિભાગ દ્વારા આજે (11 જુલાઈ)ના રોજ જિલ્લાની તમામ શાળાઓમાં બાળકોને રજા આપવા આદેશ કર્યો છે. જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને રજા જાહેર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી અને ઠેર ઠેર ભરાયેલા પાણીને કારણે બાળકોની સુરક્ષાને લઈને શિક્ષણ વિભાગે આ નિર્ણય કર્યો છે.
ઔરંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા નદી હનુમાન ભાગડા વિસ્તારમાંથી વહેવા લાગી છે. જેના પગલે કાંઠા વિસ્તારના લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. અહીં ઘરોમાં ત્રણ ફૂટ સુધી પાણી ભરાયું છે.
વેપારીઓને કરોડોનું નુકસાન
છીપવાડ વિસ્તારની સ્થિતિ વધુ ગંભીર બની છે. દાણા બજારના વેપારીઓને અચાનક પાણી આવતા પોતાનો સામાન બહાર કાઢવાની પણ તક મળી નથી. અનાજના હોલસેલ વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે. હાલ કુદરતના કહેર સામે તેઓ સરેન્ડર છે. માત્ર પાણી ઉતરે તેની રાહ જોઈ રહ્યા છે.
ઔરંગા નદીમાં આવેલા પૂરને લઈને પૂરના પાણી વલસાડ શહેરની ગ્રીનપાર્ક સોસાયટીમાં પ્રવેશ્યા છે. પૂરના પાણીને લઈને સ્થાનિકોએ પોતાની માલ સામાન ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના કપરાડામાં બારે મેઘ ખાંગા થયો છે. અહીં સતત ભારે વરસાદને કારણે તમામ નદી નાળાઓમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી છે. કોલક અને પાર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. નદી કિનારાના કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે. કપરાડા વિસ્તારમાં નદી નાળાઓ ઉપર આવેલા લો લેવલ કોઝવે અને નાના પુલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ ઉપરાંત અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર