વલસાડના ભાગડા વાડા ગામમાં વીજ વિભાગની બેદરકારીને કારણે 7 ભેંસોના મોત થયા છે. વીજળીના થાંભલા પર લટકી રહેલો જીવંત વીજતાર સંપર્કમાં આવતા જ એકસાથે 7 ભેંસોના કરંટ લાગતા કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
ભરતસિંહ વાઢેર, વલસાડઃ જિલ્લાના ભાગડા વાડા ગામમાં વીજ વિભાગની બેદરકારીને કારણે 7 ભેંસોના મોત થયા છે. વીજળીના થાંભલા પરથી જીવંત વિસ્તારમાં તાર લટકી રહ્યો હતો. જેને લઈને મેદાનમાં ચરી રહેલી ભેંસો જીવંત વીજ તારના સંપર્કમાં આવતા જ એકસાથે 7 ભેંસોના વીજ કરંટ લાગતા કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
ઘણાં સમયથી વીજવાયર લટકી રહ્યો હતો
આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. એકસાથે ચાર પશુપાલકોની 7 ભેંસોના મોત નીપજતા પશુપાલકોને પણ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. વલસાડ રૂરલ વીજ વિભાગની બેદરકારીને કારણે મૂંગા પશુઓ પણ મોતના મુખમાં ધકેલાયા હતા. બનાવની વિગત મુજબ, વલસાડના ભાગડા વાડા ગામના પાલીહિલ વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં લાંબા સમયથી વીજળીના થાંભલા પરથી જીવંત વીજ તાર લટકી રહ્યો હતો.
વલસાડ રૂરલ વિભાગના અધિકારીઓની બેદરકારીને કારણે વીજ તાર હટાવવામાં આવ્યા નહોતા. અહીં મેદાનમાં પશુઓ ચારો ચરતા હોય છે. ત્યારે મેદાનમાં ઘાસ ચરી રહેલી ભેંસો પણ લટકી રહેલા વીજ તારના સંપર્કમાં આવી હતી. આથી જીવંત વીજ વાયરના સંપર્કમાં આવતા જ કરંટ લાગતા એકપછી એક સાત ભેંસોના ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.
વીજ વિભાગની ઘોર બેદરકારી સામે આવી
આ ઘટનાની જાણ થતા જ પશુપાલકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ, આ સાત ભેંસો ચાર અલગ અલગ પશુપાલકની હોવાનું બહાર આવ્યું છે. આમ પોતાની મહામૂલી ભેસોના મોત થતા પશુપાલકોને મોટું નુકસાન સહન કરવાનો પણ વારો આવ્યો છે. આમ વલસાડ રૂરલ વીજ વિભાગની બેદરકારીને કારણે આ ઘટના બની હતી અને પશુપાલક પરિવારો માટે મોટી આફત આવી છે. બનાવની જાણ થતાં જ પોલીસ અને સંબંધિત વિભાગના અધિકારીઓ પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.