ભરત પટેલ, વલસાડ : લોકસભાની ચૂંટણીની તારીખ આવતા પહેલા તો આખા દેશમાં રાજકારણ દળોમાં મોટો મોટા ફેરફારો થઇ રહ્યાં છે. ત્યારે દાદરાનગર હવેલીની બેઠક ઉપર પણ રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસનાં મોટા નેતા મોહન ડેલકર લોકસભામાં કોંગ્રેસ સાથે છેડો ફાડીને અપક્ષ તરીકે ચૂંટણી લડવાનાં છે તેવી વિધીવત જાહેરાત કરી દીધી છે. તેમણે જણાવ્યું કે, 'હું કોઇ જ પાર્ટીથી નારાજ નથી પરંતુ દેશનાં ઉજ્જવળ ભવિષ્ય માટે આ નિર્ણય લીધો છે.' નોંધનીય છે કે મંગળવારે એટલે આજે સવારે તેમણે એક પત્રકાર પરિષદ બોલાવી છે. તેમાં ઘટસ્ફોટ કરાય તેવું માનવામાં આવી રહ્યું છે.
મોહન ડેલકરે કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાની વાત પર જણાવ્યું કે, '6 મહિનાથી લોકોનો અભિપ્રાય લઇ રહ્યો છું. જે પછી જ કોંગ્રેસ છોડીને અપક્ષ ઉમેદવારી કરવાનો નિર્ણય લીધો છે. આજે મેં કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખનાં હોદ્દા પરથી રાજીનામુ પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજીનામું મોકલી દીધું છે.'
ગઇકાલે સોમવારે દિવસ દરમિયાન આ મુદ્દે પ્રદેશમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની હતી. મોહન ડેલકર અને તેમના સમર્થકો વચ્ચે સેલવાસના ખાનગી ફાર્મ હાઉસમાં બેઠકોનો દૌર ચાલ્યો હતો. આ બેઠકમાં ડેલકરની અપક્ષ ઉમેદવારી અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો તેવી માહિતી મળી રહી છે.
મહત્વનું છે કે ત્રણ મહિના પહેલા વડાપ્રધાન મોદી સેલવાસમાં આવ્યા હતાં. તે સમયે વિપક્ષમાં હોવા છતા મોહન ડેલકર તેમની સાથે સ્ટેજ પર ઉપસ્થિત રહ્યાં હતાં અને વડાપ્રધાનનું સન્માન પણ કર્યું હતું. આ ઘટના પછી કોંગ્રેસ સાથેનો કચવાટ અને ભાજપ તરફ પ્રેમ વધી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. બીજી તરફ બે મહિના પહેલાં રાહુલ ગાંધીની ધરમપુરમાં લાલડુંગરી ખાતેની સભામાં મોહન ડેલકર ગેરહાજર જોવા મળ્યા હતાં.