Home /News /valsad /Cyber Fraud: બેંક ખાતા સાથે લિંક મોબાઇલ નંબર બંધ થઈ ગયો હોય તો ચેતી જજો, વાંચો વલસાડના ચકચારી બનાવ વિશે
Cyber Fraud: બેંક ખાતા સાથે લિંક મોબાઇલ નંબર બંધ થઈ ગયો હોય તો ચેતી જજો, વાંચો વલસાડના ચકચારી બનાવ વિશે
સાઇબર ફ્રોડનો કિસ્સો
Valsad cyber crime: પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ ફરિયાદીના બેંકના એકાઉન્ટ (Bank account) સાથે નોંધાવેલો જૂના મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ઓનલાઇન બેન્કિંગના માધ્યમથી ફરિયાદીના ખાતામાંથી રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધી હતી.
ભરતસિંહ વાઢેર, વલસાડ: આપના બેન્ક એકાઉન્ટ (Bank account) સાથે જોડાયેલો નંબર આપે જો બંધ કરી દીધો હોય પરંતુ તેને બેન્કમાંથી કેન્સલ કરાવવાનું રહી ગયું હોય તો ચેતી જજો. તમારી આ નાનકડી ભૂલ તમને ખૂબ ભારે પડી શકે છે. આપની આ બેદરકારીને કારણે આપનું બેન્કનું એકાઉન્ટ પણ સાફ થઈ શકે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો વલસાડ જિલ્લા (Valsad District)માં બહાર આવ્યો છે. વલસાડ જિલ્લાની સાઇબર ક્રાઇમ પોલીસે (Valsad cyber crime police) એક નિવૃત કર્મચારીના બેંક એકાઉન્ટમાંથી ઓનલાઇન ઠગાઈ કરી એકાઉન્ટમાંથી 5 લાખ 30 હજારથી વધુની રકમની ઉઠાંતરી કરનાર એક સાઇબર ઠગ ટોળકીને ઝડપી પાડી છે.
છ આરોપીની ધરપકડ
વલસાડ સાઇબર ક્રાઇમ પોલીસે સુરત, ભાવનગર અને બોટાદથી આ કેસમાં છ આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ ફરિયાદીના બેંકના એકાઉન્ટ (Bank account) સાથે નોંધાવેલો જૂના મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ઓનલાઇન બેન્કિંગના માધ્યમથી ફરિયાદીના ખાતામાંથી રકમ ઓનલાઇન ટ્રાન્સફર (Online money transfer) કરી લીધી હતી. પોલીસના હાથે ઝડપાયેલા મોટાભાગના આરોપીઓ એક બીજાના સંબંધી છે. આરોપીઓએ કેવી રીતે ગુનાને અંજામ આપ્યો હતો તે મામલે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
ફરિયાદીની જાણ બહાર 5.30 લાખ રૂપિયા ઉપડી ગયા
બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લા ક્રાઈમ બ્રાંચ પોલીસને એક ફરિયાદ મળી હતી. જેમાં વલસાડના એક નિવૃત્ત કર્મચારીએ તેમની જાણ બહાર કોઈ ભેજાબાજે તેમના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી રૂપિયા પાંચ લાખ 30 હજારથી વધુ રકમની ઉઠાંતરી કરી લીધી હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી નિવૃત કર્મચારી હોવાથી પોલીસે પણ આ બાબતને ગંભીરતાથી લઇ આરોપીઓ સુધી પહોંચવા તપાસ તેજ કરી હતી.
આ દરમિયાન વલસાડ સાઇબર ક્રાઇમ પોલીસે આરોપીઓ સુધી પહોંચવા સાઈબર એક્સપર્ટ અને ટેક્નિકલ એનાલિસિસ કરી અને ઉંડાણપૂર્વક તપાસ કરી હતી. આથી પોલીસને ગણતરીના સમયમાં જ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. આ મામલે વલસાડ સાઇબર ક્રાઇમ પોલીસની ટીમ સુરત, બોટાદ અને ભાવનગર પહોંચી હતી. આ મામલામાં સુરતમાં હીરા ઘસવાનું કામ કરતા મુખ્ય ભેજાબાજ એવા રાહુલ ચૌહાણ નામના આરોપીની ધરપકડ કરી હતી. રાહુલની આગવી ઢબે પૂછપરછ કરતા અન્ય આરોપીઓ પોલીસના હાથે લાગી ગયા હતા. પોલીસે નિવૃત કર્મચારીના ખાતામાંથી ઓનલાઇન ટ્રાન્સફર કરી ઠગાઈ કરનાર મુખ્ય આરોપી રાહુલ ચૌહાણ તેમજ અન્ય પાંચ આરોપીઓ મળીને કુલ 6 લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ફરિયાદીએ પોતાના બેંક એકાઉન્ટમાં નોંધાવેલો પોતાનો જૂનો મોબાઈલ નંબર વર્ષ 2013માં બંધ કરી દીધો હતો, પરંતુ બેંક ખાતામાં આ જ નંબર ચાલુ હતો. આ દરમિયાન લાંબા સમય સુધી તેમનો મોબાઈલ નંબર બંધ રહેતા મોબાઈલ કંપનીએ જૂનો નંબર આ કેસના મુખ્ય આરોપી રાહુલ ચૌહાણના નામે કર્યો હતો.
નંબર ફરીથી એક્ટિવ થયા બાદ ફરિયાદી જ્યારે પણ પોતાના બેંક એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરતા હતા તેની વિગત મોબાઇ નંબર પર આવતી હતી. અવારનવાર બેંકના ટ્રાન્ઝેક્શનના મેસેજ આવતા આરોપીએ તેના પરિચિતોના માધ્યમથી બેંક ઓફ બરોડાના મેનેજર અને કર્મચારી સાથે મળીને ફરિયાદીના બેંકના એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ચાંઉ કરવા માટે પ્લાન બનાવ્યો હતો.
સગા-સંબંધીઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી લીધા
જે મુજબ ફરિયાદીનો જૂનો મોબાઈલ નંબર જે આરોપી નામે થયો હતો તેના આધારે આરોપીએ બેન્કના કર્મચારી અને મેનેજર સાથે મળીને ઓનલાઇન બેન્કિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. ઓનલાઈન બેન્કિંગની સુવિધા શરૂ કરી ફરિયાદીના એકાઉન્ટ નંબરમાંથી 5 લાખ 30 હજાર રૂપિયાથી વધુની રકમ સગા સંબંધીઓના એકાઉન્ટ નંબરમાં ટ્રાન્સફર કર્યા હતા.
મુખ્ય આરોપીએ ખાતામાં નાણાં જમા કરાવવા બદલે કમિશન આપવાની લાલચ આપી સંબંધીઓના બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરી લીધા હતા. બાદમાં એટીએમ અને અન્ય માધ્યમોથી સહ-આરોપીઓને કમિશન આપી બાકીના નાણાં રોકડ લઇ લીધા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ હવે ઉઠાંતરી કરેલા નાણાની રકમ પરત મેળવવા આરોપીઓની આગવી ઢબે સરભરા શરૂ કરી છે.
જો તમે બેંક એકાઉન્ટમાં નોંધાવેલો મોબાઈલ નંબર બંધ કરી દીધો હોય અથવા બેંક ખાતામાં હજુ સુધી આ નંબર રદ નથી કરાવ્યો તો તમારે પણ ચેતવાની જરૂર છે. નાની એવી ભૂલની તમારે મોટી કિંમત ચૂકવવી પડી શકે છે.