Home /News /valsad /વલસાડઃ પૂર્વ સરપંચ સહિતના લોકો રાત્રે વાડીમાં મહેફિલમાં ડૂબેલા હતા અને દાવ થઈ ગયો
વલસાડઃ પૂર્વ સરપંચ સહિતના લોકો રાત્રે વાડીમાં મહેફિલમાં ડૂબેલા હતા અને દાવ થઈ ગયો
વલસાડમાં વાડીમાં મહેફિલના રંગમાં પડ્યો ભંગ
Valsad Police: વલસાડના પારડીમાં રાતના સમયે વાડીમાં જમાવટ કરીને મહેફિલ જમાવવામાં આવી હતી. પરંતુ પોલીસને બાતમી મળતી જતા રંગમાં ભંગ પડ્યો હતો. દરોડા પાડીને પોલીસે દારૂ સહિત 9 લોકો અને વાહનો કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડઃ જિલ્લામાં ફરી એકવાર દારૂની મહેફિલના રંગમાં ભંગ પડ્યાની ઘટના બની છે. આ વખતે પારડીમાં વાડી વિસ્તારમાં તાડી અને વિદેશી દારૂની મહેફિલ જમાવીને બેઠેલા લોકો પર દરોડા પાડવામાં આવ્યા છે. રાત્રે કોઈને ખબર નહીં પડે તે રીતે પાર્ટીની વાડીમાં વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ પોલીસને આ અંગેની માહિતી મળી જતા દરોડા પાડીને નવ લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. હવે આ મામલે પારડી પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વાડીમાં જામેલી મહેફિલના રંગમાં પડ્યો ભંગ
પારડી તાલુકાના ખડકી ગામના વાડી વિસ્તારમાં રાત્રીના સમયે દારૂની મહેફિલ માટે જમાવટ કરવામાં આવી હતી અને પોલીસે તમામને પકડી પાડ્યા હતા. આ દરોડામાં માજી સરપંચ સહિત નવ લોકો પકડાયા છે. પોલીસને સ્થળ પરથી દારૂની બોટલો અને તાડી પણ મળી આવ્યા છે.
મૂડ બનાવીને બેઠેલાને લાગતું હતું કે આટલે સુધી તો પોલીસ પહોંચશે નહીં પરંતુ દારૂની વાડીમાં મહેફિલ જામી હોવાની વિગતો મળતા સ્થળ પર પહોંચીને દરોડા પાડ્યા તો મજામાં ડૂબેલા માજી સરપંચ સહિતના લોકોનો નશો એક જ ઝાટકામાં ઉતરી ગયો હતો. પોલીસે પૂર્વ તૈયારી સાથે દરોડા પાડ્યા હતા અને જેથી અહીં મહેફિલ માણી રહેલી લોકોની સાથે દારૂની બોટલો અને વાહનો પણ કબજે કર્યા છે.
વાહનો સહિતનો મુદ્દામાલ કરાયો જપ્ત
પોલીસે દારૂની બોટલો, મોબાઈલ ફોન, કાર અને બાઈક મળીને કુલ 7,62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પારડી પોલીસે તમામની ધરપકડ કરીને આગળની જરુરી કાર્યવાહી હાથ ધરી છે.
દમણ વલસાડની એકદમ નજીકમાં આવેલું હોવાથી અહીં વારંવાર દારૂની હેરાફેરી અને દારૂના નશામાં રહેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. તહેવારો દરમિયાન અહીં સ્પેશિયલ વોચ પણ ગોઠવવામાં આવતી હોય છે કે જેથી કરીને દમણમાંથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવા માટેના પ્રયાસોને અટકાવી શકાય.