આર્ચ સંસ્થા આરોગ્ય અને શિક્ષણ ની સાથે સ્કીલ ડેવલપમેન્ટ ના પણ કોર્ષ કરાવી રહી છે
વલસાડમાં આર્ચ સંસ્થાએ આદિવાસી યુવાનોને રોજગારી મળે તે માટે ઇલેક્ટ્રિશિયનનો કોર્ષ શરૂ કર્યો અને પહેલા જ વર્ષે તમામને નોકરી મળી ગઈ.આદિવાસી વિસ્તારમાં રહેતા યુવાનોને તાલીમબદ્ધ બનાવી તેમને રોજગારી આપવાનો એક અનોખો કાર્યક્રમ શરૂ કર્યો છે
Akshay kadam, Valsad: બેરોજગારીએ જ્યારે દેશનો ભરડો લીધો છે ત્યારે કોઇ એવું માની શકે કે, અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં દશ કે બાર ધોરણ નાપાસ વિધ્યાર્થીઓને એક વર્ષની તાલીમ આપ્યા પછી તેમને સો ટકા રોજગારી મળી હોય? હા, આ વાત સાચી છે.વલસાડ જિલ્લાનાં ધરમપુર ખાતે આવેલી આર્ચ સંસ્થા Action Research in Community Health (ARCH)એ આદિવાસી વિસ્તારમાં રહેતા યુવાનોને તાલીમબદ્ધ બનાવી તેમને રોજગારી આપવાનો એક અનોખો કાર્યક્રમ શરૂ કર્યો છે અને તેમાં તેમને સફળતા મળી છે.
આર્ચ સંસ્થા વર્ષોથી આદિવાસી વિસ્તારમાં ગરીબ લોકોનાં શિક્ષણ અને આરોગ્ય માટે સેવાઓ આપે છે.
ગયા વર્ષે વલસાડ જિલ્લાનાં ગામડાઓમાં રહેતા આદિવાસી યુવાનો કે જે કોઇ કારણોસર ઉચ્ચ શિક્ષણ મેળવી શક્યા નથી તેમના માટે ઇલેક્ટ્રિશયનનો કોર્ષ શરૂ કર્યો છે. આ કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે ખૂબ સામાન્ય ફી લેવામાં આવે છે અને વિશેષ પ્રકારની રોજગાર લક્ષી તાલીમ આપવામાં આવે છે.પહેલી બેચમાં 14 યુવાનોએ તાલીમ લીધી હતી અને આ તમામ યુવાનોને સારી પગારની નોકરી મળી ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં આવેલી એક નામાંકિત કંપનીએ આ તમામ યુવાનોને નોકરી પર રાખી લીધા છે. આર્ચ સંસ્થાએ શરૂ કરેલી આ પહેલને કારણે યુવાનોને રોજગારી મળી છે પગભર થઇ રહ્યા છે.
આદિવાસી વિસ્તારમાં આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે.
ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં આવેલા નગયારિયા ખાતે ડો.અનિલભાઈ પટેલ તથા ડો. દક્ષાબેન પટેલ દ્વારા આર્ચ નામની સંસ્થા સ્થાપવામાં આવી હતી. આ સંસ્થા છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે. જેમાં અંતરિયાળ વિસ્તારમાં રહેતા નવ યુવાનોને નોકરી માટે ખાસ તાલિમ આપવામાં આવે છે.સાથે છેલ્લા 20 વર્ષથી આ સસ્થા દ્વારા આદિવાસી વિસ્તારમાં આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે. આ સંસ્થાના ટ્રસ્ટી તરીકે સુદર્શનભાઈ અયંગર કાર્યરત છે. જેઓ ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક છે.સુદર્શન આયંગર ન્યૂઝ18ને જણાવ્યું કે, આ અમારો પહેલો પ્રયોગ હતો અને અમને તેમાં સફળતા મળી છે. સ્થાનિક યુવાનોને તાલીમબદ્ધ કરી તેમને પગભર કરવાનો અમારો આ પ્રયાસ છે. એક વર્ષનાં આ કોર્ષ દરમિયાન યુવાનોને આ વિષયને લગતી તમામ પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવે છે જેથી જ્યારે તેઓ ભણીને માર્કેટમાં જશે ત્યારે તેમને તેમની પાસે કાબેલિયત હશે,”.
આર્ચ સંસ્થા દ્વારા ગત વર્ષથી વિદ્યાર્થીઓ માટે ઈલેક્ટ્રિશિયનની તાલીમ આપવાની આવી હતી. જેની પ્રથમ બેચમાં ટ્રેનિંગ મેળવતા 14 યુવાનોમાંથી 12 યુવાનોને દાદરામાં આવેલી ઈપાવ ઇલેક્ટ્રિકલ નામની કંપનીમાં નોકરી મળી છે. અન્ય એક વિદ્યાર્થીને ગુંદલાવ ખાતે આવેલી જી.આઈ.ડી.સી.માં પણ નોકરી મળી છે.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બાળકોમાં શિક્ષણનું સ્તર ઓછું છે
વલસાડ જિલ્લાના ધરમપુર,કારપડા,નાનાપોંઢા આદિવાસી વિસ્તાર છે જ્યાં શિક્ષણનું સ્તર ઓછું છે અને ત્યાંના બાળકો ઓછું ભણતા હોઈ છે જેને કારણે શિક્ષણ નું સ્તર ઉંચુ લાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે ધરમપુર ખાતે આવેલી આર્ચ નામની સંસ્થા છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે અને આદિવાસી વિસ્તારોમાં આરોગ્યલક્ષી કામ કરી રહી છે.અંતરિયાળ વિસ્તારમાં રહેતા યુવાનો ભણતરના અભાવે ખેત મજૂરી કરવા મજબૂર બની જાય છે જેઓને આર્ચ સંસ્થાએ ઈલેક્ટ્રિકલ ટેક્નિકલ તાલીમ આપી હતી. ત્યારે આ વર્ષે પણ નવી બેચ શરૂ કરવામાં આવી છે.જેમાં નવા 14 વિદ્યાર્થીઓ હાલ ઇલેક્ટ્રોનિક ટેકનિકલની તાલીમ મેળવી રહ્યા છે.