ભરતસિંહ વાઢેર, વલસાડઃ જિલ્લા ACBએ સપાટો બોલાવી ચીભડ કચ્છ ગામના સરપંચને લાંચના છટકામાં ઝડપી પાડ્યો છે. સરપંચ કલ્પેશ પટેલ ફરિયાદી પાસેથી રૂપિયા 10,000ની લાંચ લેતા ACBના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આથી વલસાડ ACBએ આરોપી સરપંચની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કેમ માંગી હતી લાંચ?
મળતી માહિતી પ્રમાણે, વલસાડ ACBને મળેલી ફરિયાદને આધારે ACBએ આજે વાપી તાલુકાના ચીભડ કચ્છ ગામમાં લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં ચીભડ કચ્છ ગ્રામ પંચાયતના સરપંચ કલ્પેશ પટેલને ફરિયાદી પાસેથી રૂપિયા 10,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો છે. ફરિયાદી સિમેન્ટ કોંક્રિટ અને કપચીનો વ્યવસાય કરે છે. આથી તેમના આ બાંધકામ મટીરીયલ ભરેલા વાહનોની ચીભડ કચ્છ ગામના હદમાંથી પસાર થતા રોડ પરથી પસાર થતા હતા. આથી ગામના સરપંચ કલ્પેશ પટેલે ફરિયાદી પાસેથી તેમના વાહનો ગ્રામ પંચાયતની હદના રોડ પરથી પસાર થવાના થવા દેવાની પરવાનગીના બદલે રૂપિયા 15,000ની માંગ કરી હતી.
ત્યારબાદ રૂપિયા 10,000માં નક્કી થયું હતું. જો કે, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. આથી ACBએ આ લાંચિયા સરપંચ કલ્પેશ પટેલને ફરિયાદી પાસેથી રૂપિયા 10,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ લાંચિયો સરપંચ લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતા જિલ્લાના અન્ય સરપંચોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.