Home /News /valsad /ચૂંટણીની જાહેરાત સાથે જ ACBની કાર્યવાહી, વાપીના મોરાઈ ગામના સરપંચ અને વચેટિયો લાંચ લેતા ઝડપાયા
ચૂંટણીની જાહેરાત સાથે જ ACBની કાર્યવાહી, વાપીના મોરાઈ ગામના સરપંચ અને વચેટિયો લાંચ લેતા ઝડપાયા
મોરાઈ ગામના સરપંચ હજુ પણ ફરાર
Morai village: એસીબી દ્વારા વાપી નજીક આવેલા મોરાઈ ગ્રામ પંચાયતના સરપંચના મળતીયાને લાખો રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીને તો એસીબીએ ઝડપી પાડ્યો છે પરંતુ મોરાઈ ગામના સરપંચ હજુ પણ ફરાર છે.
ભરત પટેલ, વાપી: રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થતા જ એસીબી પોતાની કામગીરીમાં લાગી ગયું છે. એસીબી દ્વારા વાપી નજીક આવેલા મોરાઈ ગ્રામ પંચાયતના સરપંચના મળતીયાને લાખો રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીને તો એસીબીએ ઝડપી પાડ્યો છે પરંતુ મોરાઈ ગામના સરપંચ હજુ પણ ફરાર છે. જેને ઝડપી પાડવા માટે એસીબીએ કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો પ્રણામે સરપંચ અને વચેટિયો બંને લાંચના ગુનામાં હોવાનુ સામે આવ્યુ છે.
ACB દ્વારા મોરાઈ ગ્રામ પંચાયતમાં છટકું ગોઠવાયું હતુ
બનાવની વિગત મુજબ સુરત એસીબીની ટીમે વલસાડ જિલ્લાના વાપી તાલુકાના મોરાઈ ગ્રામ પંચાયતમાં એક છટકું ગોઠવ્યું હતું. આ છટકામાં મોરાઈ ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિક પટેલના વચેટીયા બલ્લુ ઉર્ફે જગદીશ પટેલને ફરિયાદી પાસેથી રૂપિયા 2 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. એસીબીએ ફરિયાદી પાસેથી લાંચ લેનાર સરપંચના વચેટીયાની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે સરપંચ પ્રતિક પટેલ અત્યારે ફરાર છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ફરિયાદી એક કોન્ટ્રાક્ટર છે અને મોરાઈ ગ્રામ પંચાયતનું તળાવ ઊંડું કરવાનો કોન્ટ્રાક્ટ તેણે લીધેલો છે. ગ્રામ પંચાયતમાં ઠરાવ કરાવવાની અવેજીમાં સરપંચ પ્રતીક પટેલ ફરિયાદી કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા દસ લાખની માંગ કરી હતી. જોકે ત્યારબાદ રકઝકના અંતે સાત લાખ રૂપિયામાં ઠરાવ પાસ કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સાત લાખ રૂપિયા આપતા પહેલા પ્રથમ બાના પેટે રૂપિયા 2 લાખ સરપંચ વતી લેવા આવેલો વચેટીઓ બલ્લુ એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો.
મોરાઈનો સરપંચ પ્રતીક પટેલ હજુ પણ ફરાર
ઉલ્લેખનીય છે કે, પોલીસે આરોપીની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે સરપંચ પ્રતીક પટેલ અત્યારે ફરાર છે. જેના ઝડપી પાડવા માટે એસીબીએ કાર્યવાહી હાથ ધરી છે. આમ, ચૂંટણી જાહેર થતાની સાથે જ જિલ્લામાં લાંચિયો સરપંચ અને તેનો મળતીયો એસીબીના છટકામાં સપડાતા જિલ્લાના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. ચૂંટણી માહોલ વચ્ચે લાંચ લેવાનો બનાવ બનતા તંત્ર પણ સફાળું જાગ્યું છે.