55 મિનિટની બનેલી ફિલ્મને ઘણો સારો આવકાર મળી રહ્યો છે.
વલસાડના યુવાને 'શ્રદ્ધા' નામની ફિલ્મ બનાવી છે. ફિલ્મમાં દરેક કાલાકાર અને ગાયક કલાકારો વલસાડ જિલ્લાના જ લીધા છે. ફિલ્મ દક્ષિણ ગુજરાતની સ્ત્રીઓની છબી અને વ્યક્તિત્વને ઉજાગર કરતી વાર્તા પર આધારિત છે.
Akshay kadam, valsad: દક્ષિણ ગુજરાતમાં ગુજરાતી ફિલ્મ થિયેટરમાં લોકો જોવાનું ટાળે છે અને ઘણી એવી ફિલ્મોમાં ડાયરેક્ટરો અમદાવાદ તથા ગુજરાતના મોટા શહેરોને જ ફિલ્મમાં દર્શાવતા હોઈ છે. ત્યારે વલસાડના જીગ્નેશ પટેલ નામના ફિલ્મ મેકરે વલસાડ જિલ્લામાં જ \"શ્રદ્ધા\" નામની ગુજરાતી ફિલ્મ બનાવી છે અને તમામ કલાકાર પણ દક્ષિણ ગુજરાતના જ લીધા છે.
શ્રદ્ધાનું પ્રોડક્શન કેવી રીતે શરૂ થયું ?
દક્ષિણ ગુજરાતના વલસાડમાં સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલા લોકો સાથે સાહિત્યને વધુ પ્રબળ બનાવવા તેમણે \"કથાયન\" નામ સાથે કેટલીક ન વંચાયેલી વાર્તાઓ લોકો સમક્ષ મૂકવા માટેનો એક પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો.જેમાં અનેક વાર્તાઓ તેમની સમક્ષ આવી હતી. બાદ તેમના મનમાં એક વિચાર આવ્યો કે શું ઓછા ખર્ચે ફીચર ફિલ્મ ન બનાવી શકાય? ત્યારબાદ શરૂ થયું શ્રદ્ધાનું પ્રોડક્શન.
સ્થાનિક કલાકારોને તક,55 મિનિટની ફિલ્મ
દર્પણ એકેડમી અમદાવાદમાં મલ્લિકા સારાભાઈ સાથે કામ કરી ચૂકેલા જીગ્નેશ પટેલ મૂળ વલસાડના રહેવાસી છે. વલસાડના જ સ્થાનિક કેટલાક કલાકારોને તક આપીને 55 મિનિટની ફીચર ફિલ્મ તૈયાર કરી છે. મૂળ વલસાડના ખડકી ભાગડા ગામના રહીશ જીજ્ઞેશ પટેલે ફિલ્મ બનાવી છે. હાલ ફિલ્મનું સ્ક્રીનીંગ નિ:શુલ્ક દરે અનેક સ્થળે કરવામાં આવી રહ્યું છે.
ભારત - પાકિસ્તાનનાં ભાગલા સમયની વાર્તા
જીગ્નેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર ફિલ્મ દક્ષિણ ગુજરાતની સ્ત્રીઓની છબી અને વ્યક્તિત્વને ઉજાગર કરતી વાર્તા પર આધારિત છે.જેમાં બાદ ભારત - પાકિસ્તાનના થયેલા ભાગલા દરમિયાનની વાર્તા છે. જેમાં એક માતાની મમતા, એક શિક્ષકનો પ્રેમ અને નવા નવા નક્કી થયેલા યુગલોના લગ્નની આંટી ઘૂંટી વચ્ચે મહિલાઓની નિર્ણય શક્તિ તેમજ એક અલગ ઓળખ ઉભી કરવા માટેની આખી કથા આ ફિલ્મમાં વણી લેવામાં આવી છે.
ગીતમાં વલસાડી લહેકો
જીગ્નેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, તેમણે બનાવેલી આ શ્રદ્ધા ફિલ્મમાં ચાર જેટલા સોંગ છે. આ દરેક સોંગમાં વલસાડનો એક અલગ ઢાળ અને વલસાડી લહેકો જે દરેકને વલસાડનો અહેસાસ કરાવી શકે તેમ છે અને આ ચાર સોંગ પૈકી એક સોંગ હાલમાં ખૂબ હીટ થયું છે. આ ચારે સોંગના રાઈટ્સ સાગા મ્યુઝિક કંપની દ્વારા ખરીદવામાં આવ્યા છે એટલે કે આગામી દિવસમાં આ સંગીત લોકોને વિવિધ સ્થળો ઉપર સાંભળવા મળી શકે તેમ છે. હાલ આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રજુ કરવા વાત ચાલી રહી છે.