Valsad News: વાપીના બલીઠા વિસ્તારમાં એક ચાલીમાં પોતાના પરિવાર સાથે રહેતો અને ભંગાર વીણીને ઘર ગુજરાન ચલાવતો એક યુવક મળસ્કે રેલવે ટ્રેક ઉપર શૌચ ક્રિયા માટે ગયો હતો. જ્યા રેલવે ટ્રેક ઉપર માલગાડીના અડફેટે આવતા યુવકનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને યુવકનો મૃતદેહ કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગત મુજબ વાપીના બલીઠામાં રહેતો યુવક મળસ્કે શૌચ ક્રિયા માટે રેલવે ટ્રેક તરફ નીકળ્યો હતો. અને રેલવે ટ્રેક ઉપર માલગાડીના અડફેટે તેનું મોત થયું હતું.
વાપીના બલીઠા દાંડીવાડ વિસ્તારમા એક ચાલીમાં રહેતા અને મૂળ રાજકોટના રહેવાસી અનિતાબેન હિતેશભાઇ સોલંકી એ વાપી ટાઉન પોલીસ મથકમાં જણાવ્યું હતું કે તેમનો પતિ હિતેશભાઇ અને તેઓ ભંગાર વીણીને ઘર ગુજરાન ચલાવે છે. બુધવારે મળસ્કે હિતેશભાઇ પાણીનો ડબ્બો લઇ ઘરની સામે આવેલ રેલવે ટ્રેક ઉપર શૌચ ક્રિયા માટે ગયા હતા. અને ત્યાર બાદ મોડે સુધી તેઓ ઘરે પરત આવ્યા ન હતા.
આ દરમિયાન સવારે 6 વાગ્યા ના સમયે આજુબાજુના લોકો ભેગા થયા હતા. અને અનિતાબેનને તેમના પતિ હિતેશભાઈ નું કોઇ ટ્રેન અડફેટે આવી જવાથી મોત થયું હોવાનું જણાવતા અનિતાબેન તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગયા હતા.ઘટના સ્થળ પર દોડી ગયેલ અનિતાબેન ને તેમના પતિ હિતેશભાઇની લાશ જોવા મળી હતી. સ્થળ પર હાજર રેલવેના પોલીસ કર્મીઓએ જણાવેલ કે શૌચ કરતી વખતે કોઇ માલગાડીથી અડફેટે આવતા તેમનું મોત નિપજ્યું હતું. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.