Home /News /valsad /Valsad: અહીં ચાલે છે હિન્દી માધ્યમની શાળા, જાણો કોણે શરૂ કરી હતી આ શાળા
Valsad: અહીં ચાલે છે હિન્દી માધ્યમની શાળા, જાણો કોણે શરૂ કરી હતી આ શાળા
1969માં પ્રગટાવેલી જ્યોતિ આજે વલસાડમાં મિશાલ બની ને પ્રજવળી શિક્ષણની સુવાસ ફેલાવ
ગુજરાતમાં અંગ્રેજી માધ્યમની અનેક શાળા છે. પરંતુ ગુજરાતનાં વલસાડમાં હિન્દી માધ્યમની શાળા આવેલી છે. એક ઓરડામાં શરૂ થયેલા આ શાળા આજે વટવૃક્ષ બની ગઈ છે. આજે અહીં 650 જેટલા છાત્રો અભ્યાસ કરી રહ્યાં છે.
Valsad: Akshay Kadam: ઈચ્છાશકિત અને પરિશ્રમથી કોઇ પણ સંકલ્પ પૂર્ણ કરી શકાય છે. બાળકોની શૈક્ષણિક કારકિર્દી ઘડવા માટેનાં વિદ્યાલક્ષી અને સામાજીક હિતને નજર સમક્ષ રાખી તેમના માટે કંઇ કરી છૂટવાનો દઢ નિર્ધાર સફળતામાં પરિણમે છે તેવી પ્રેરણા વલસાડ મોગરાવાડીનાં વરિષ્ઠ નાગરિક માતાપ્રસાદ અને સ્થાનિક અગ્રણીઓનાં સંઘર્ષે ઉજાગર કરી બતાવી છે.
વલસાડમાં હિન્દી માધ્યમમાં ભણવુ હોય તો જેતે સમયે સુરત સુધી લંબાવું પડતું હતું, જે આર્થિક નબળા પરિવારો માટે અશક્ય હતું. મોગરાવાડીમાં હિન્દી ભાષીઓની વસતી છે.પરંતુ માનવીમાં સ્વપ્ન સાકાર કરવા માટેનો દઢ નિર્ધાર હોય તો તેમાં સફળતા મળે તે દષ્ટાંત પુરૂં પાડતા નાગરિકોની મહેનતથી નાના પાયે શરૂ કરાયેલી રાષ્ટ્રિય હિન્દી શાળા આજે વટવૃક્ષ બની છે. જેમાં હિન્દી ભાષી 650 વિદ્યાર્થીઓને હિન્દી માધ્યમમાં અભ્યાસ કરવાનો મોકો મળ્યો છે. હિન્દી શાળાની 1969માં પ્રગટાવેલી જ્યોતિ આજે વલસાડમાં પ્રગટી રહી છે.
વલસાડમાં 1969નાં ગાળા દરમિયાન હિન્દી માધ્યમની શાળા સ્થાપવા માટે મોગરાવાડીનાં વરિષ્ઠ નાગરિક માતાપ્રસાદે સ્વપ્ન સેવ્યું હતું.મોગરાવાડીમાં વધુ વસતી ઉત્તર ભારતનાં રાજ્યોમાંથી આવેલા હિન્દી ભાષીઓની છે. હિન્દી માધ્યમની શાળા ન હતી.
કામધંધા અને રોજગાર માટે વર્ષોથી વલસાડમાં આ પ્રદેશોમાંથી લોકો પરિવાર સાથે વલસાડનાં મોગરાવાડીમાં સ્થાયી થઇને અહિનાં જ વતની બની ગયા છે. તે સમયે મોગરાવાડી સહિત રેલવે યાર્ડમાં હજારો કર્મચારીઓ હિન્દી ભાષી હોવાથી તેમને પણ સંતાનોને ભણાવવા માટે હિન્દી માધ્યમની શાળા ન હતી. ગુજરાતી માધ્યમની શાળાઓમાં અભ્યાસ કરવા મૂકવા પડતા તેમને ભાષાની મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ગરીબ અને મધ્યમ વર્ગના રોજીંદી મહેનત કરીને નભતા આ પરિવારોનાં બાળકો ભણી શકતા ન હતા.
માતાપ્રસાદે એક ઓરડાની શાળા શરૂ કરી
મોગરાવાડીમાં રહેતા માતાપ્રસાદ નામના વરિષ્ઠ નાગરિકે રેલવે તંત્ર પાસે હિન્દી માધ્યમની શાળા શરૂ કરવા માટે જગ્યાની માગણી કરતાં વેસ્ટ રેલવે યાર્ડમાં જીમખાના પાસે એક નાની સરખી અને એક ઓરડાની શાળા શરૂ કરી હતી. ત્યારબાદ માતાપ્રસાદે ઘણા વર્ષો સુધી શાળાનું સંચાલન કર્યા બાદ શાળાનો વ્યાપ વધારવા વિચાર કર્યો હતો. ધીમે ધીમે આ દિશામાં આગળ વધતાં દરમિયાન તેઓ મોગરાવાડીનાં તે સમયના સરપંચ ગીરીશભાઇ દેસાઇને મળ્યા હતાં.જ્યાં તેમણે શાળા માટે જગ્યા ફાળવવા માગ કરતાં પંચાયતે ઠરાવ કરી કલેકટરને રજૂઆત કરી અને હિન્દી માધ્યમની શાળા માટે જમીનની ફાળવણી થઇ.
શાળા પાછળ લગભગ રૂપિયા 70 લાખ સુધીનો ખર્ચ
એક ઓરડા સાથે શાળા શરૂ કરી દેવાઇ પરંતુ વધુ આગળ વધવા માટે અમુક વર્ષો સુધી નાણાંની વ્યવસ્થાનાં અભાવે રૂકાવટ આવ્યા બાદ ગીરીશભાઇ દેસાઇને શાળાનું સંચાલન સોંપી દેવાયું અને તેમને સંચાલક મંડળનાં પ્રમુખ બનાવાયા. ત્યારબાદ હિન્દી ભાષી નાગરિકોનાં વિશાળ હિત અને વલસાડમાં હિન્દી માધ્યમની શાળાનું કદ વધારવા ગીરીશભાઇ પ્રયાસો શરૂ કર્યા.
વલસાડનાં જ દાતાઓ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો, જે સ્વીકારવામાં આવ્યો. આજે આ શાળા પાછળ લગભગ રૂપિયા 70 લાખ સુધીનો ખર્ચ કર્યા બાદ 1969માં શાળા માટે પ્રગટાવલી જ્યોતિ આજે 650 વિદ્યાર્થીઓ સાથે મશાલ બની ગઇ છે. તાજેતરમાં જ શાળાનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગુજરાતનાં રાજ્યપાલે આ હિન્દી શાળા અને સંચાલકોને બિરદાવ્યા હતાં.
હિન્દી ભાષાનાં બાળકો માટેની શાળામા સુવિધા 10 વર્ષ અગાઉ મોગરાવાડીનાં અગ્રણી નાગરિક ગીરીશભાઇ દેસાઇએ શાળાનો વ્યાપવધારવા માટે દાન મેળવવાનાં અવિરત પ્રયાસો કર્યા હતા. જે દરમિયાન કેટલાક વડીલ દાતાઓ સહિત તેમણે તત્કાલિન ધારાસભ્ય દોલતભાઇ દેસાઇનો સંપર્ક પણ કર્યો હતો. જેમાં વલસાડમાં હિન્દી ભાષાનાં બાળકો માટેની શાળામા વધુ વર્ગોની જરૂર હોવાથી ઓરડા વધારવા માટે દાનની ટહેલ નાંખી હતી. સંજોગવસાત દોલતભાઇ દેસાઇનાં પૂત્ર સમીરભાઇનું નિધન થતાં તેમણે પૂત્રની સ્મૃતિમાં માતબર દાન આપ્યા બાદ આ શાળાનું સ્વ.સમીર દોલતભાઇ દેસાઇ રાષ્ટ્રિય હિન્દી શાળાનું નામકરણ કરાયું હતું.
નિભાવ માટે કેન્ટીન અને સ્ટેશનરી માટે જગ્યા ફાળવી
રાષ્ટ્રિય હિન્દી શાળાનાં નિભાવ માટે સંચાલક મંડળને સતત નાણાંની જરૂરિયાત રહે છે. તે માટે જે પણ પ્રયાસો કરવા પડે તે કરી રહ્યાં છે. મંડળે શાળામાં ભણતા 650 વિદ્યાર્થીઓને આરોગ્યપ્રદ નાસ્તો વ્યાજબી રીતે મળે તે માટે કેન્ટીનની શરૂઆત કરી છે. જ્યારે બાળકોને નોટબુક,પુસ્તકો અને અન્ય ચીજવસ્તુઓ માટે અલગ જગ્યા ફાળવી છે.જ્યાંથી હિન્દી માધ્યમનાં પુસ્તકો શાળાની સ્ટેશનરી દૂકાનમાંથી જ મળી રહે તેવી વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવાઇ છે.