30 વર્ષ દેશ-વિદેશ માં ફરીને ને આખ્ખું મ્યુઝિયમ બનાવ્યું છે.
પોરબંદર ગાંધીભૂમિમાં તેમના જીવન સાથે જોડાયેલી વસ્તુઓ જોવા મળે. પરંતુ વલસાડમાં એક ગાંધી પ્રેમીએ પોતાના ઘરમાં ગાંધી મ્યુઝિયમ બનાવ્યું છે. દુનિયાભરમાં ફરી ગાંધીજીના જીવન સાથે જોડાયેલી વસ્તુ એકત્ર કરી છે અને મ્યુઝિયમ બનાવ્યું છે.
Akshay kadam, valsad: મોબાઈલ,ઇન્ટરનેટ અને ઈ કોમર્સના યુગમાં લોકો દેશના મહાન લોકોના વિચારો ભૂલી રહ્યા છે. 21મી સદીમાં આંધળી દોટ લોકોએ મૂકી છે. ક્યારેક ગાંધીજી ગાંધી વિચારની યાદ આવે છે. ગાંધી વિચારોની સાચી જરૂરીયાત આવનારા દિવસોમાં લોકોને સમજાશે. ત્યારે વલસાડના ગાંધી પ્રેમીએ પોતાના ઘરમાં જ ગાંધી મ્યુઝિયમ બનાવ્યું છે. વલસાડમાં રહેતા ગાંધી પ્રેમીએ પોતાના ઘરને જ ગાંધીજીના જીવનને લગતું મ્યુઝિયમ બનાવી ખરા અર્થમાં ગાંધી પ્રેમી હોવાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
દુનિયાભરમાં ફરી વસ્તુ એકત્ર કરી
વલસાડનાં ગાંધી પ્રેમી અને વ્યવસાયે ઇન્ટેરીયર ડિઝાઈનર એવા ધનસુખ મિસ્ત્રીએ છેલ્લા 30 વર્ષની જહેમત બાદ દુનિયાભરમાં ફરી લાખો રૂપિયાના ખર્ચે મહાત્મા ગાંધીને લગતી અલભ્ય, અપ્રાપ્ય અને કલાત્મક વસ્તુઓનો સગ્રહ કર્યો છે.
પોતાના ઘરના પ્રથમ માળના બે રૂમના આબેહુબ ગાધીજીના ઓરડાનું સર્જન કર્યું છે. તેમના મ્યુઝિયમને જોતા એકવાર તો એવું લાગે જાણે ગાંધી બાપુના સાચા ઘરમાં આવી ગયા છીએ .
મ્યુઝિયમ પાછળ હજારો રૂપિયાનો ખર્ચ
કદાચીત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મહાત્મા ગાંધીને લગતી ચીજ વસ્તુઓ ધરાવતુ આ એકમાત્ર સગ્રહાલય હશે. આ શોખને પૂર્ણ કરવા અને તેમની પાસેની દુર્લભ વસ્તુઓને સાચવવા, મેન્ટેનન્સ પાછળ વર્ષે હજારો રૂપિયાનો ખર્ચ થાય છે.
વલસાડના આ ગાંધી પ્રેમીની સાચી કદર સરકારે તો કરી નથી, પરંતુ બારડોલીના સ્વરાજ આશ્રમ દ્વારા તેમને ગાંધીજી સાથે સંકળાયેલી ચીજ વસ્તુઓના સંગ્રહના પ્રદર્શન માટે તેમનું સન્માન કરાયું હતું.
મ્યુઝિયમમાં ગાંધીજી સાથે જોડાયેલી વસ્તુઓ
પહેલી નજરે તમામ વસ્તુઓ પ્રતિકૃતિ હોય એવું લાગતું નથી. મહત્વની બાબત એ છે કે,તેમને એકત્ર કરેલી ચીજોમાં વિશ્વના વિવિધ દેશો દ્વારા ગાંધીજી માટે બનાવવામાં આવેલી અનેક ટપાલ ટિકિટ્સ, ગાંધીજી સાથે જોડાયેલી કેટલીક ઘટનાઓની તસવીરો, ચરખો, તક્તિ, રેઝર, ટોપી, લાકડી, ચપ્પલ સહિતની વસ્તુઓ છે. જેને લોકો સ્પર્શ કરીને નિહાળી શકે છે.આમ રાષ્ટ્રપિતા ગાંધીજીને આજની નવી પેઢીએ નજીકથી જાણવા અને નિહાળવા વલસાડના આ ગાંધી મ્યુઝિયમની મુલાકાત અચૂક લેવી જોઈએ.