વલસાડમાં સસ્તા ભાવે સોનું વેચવાની ગેંગ સક્રિય થઈ હતી. તેણે એક વેપારી સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરીને ફરાર થઈ ગયા હતા. જો કે, વલસાડ એલસીબીની ટીમે અંતે ગેંગનો પર્દાફાશ કર્યો હતો.
ભરતસિંહ વાઢેર, વલસાડઃ શહેરમાં સસ્તા ભાવે સોનું વેચવાની ગેંગ સક્રિય થઈ હતી. તેણે એક વેપારી સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરીને ફરાર થઈ ગયા હતા. જો કે, વલસાડ એલસીબીની ટીમે અંતે ગેંગનો પર્દાફાશ કર્યો હતો. આ સાથે જ ગેંગના માસ્ટર માઇન્ડની ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર દક્ષિત ગુજરાતમાં આતંક મચાવતો યુનુસ ઉર્ફે ચાચા તરીકે ઓળખાતો 54 વર્ષીય શખસ લોકો સાથે લાખોની છેતરપિંડી કરતો હતો.
સોનાનું બિસ્કિટ બતાવ્યું હતું
મળતી માહિતી પ્રમાણે, ધરમપુર પંથકમાં લાખો રૂપિયાની ઠગાઈ કરવાનો કિસ્સો સામે આવ્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે ફરિયાદી અમીન અકબર લાખાણીએ પોલીસને સમગ્ર ઘટના વિશે જણાવી હતી. જેમાં જણાવ્યુ હતુ કે, યુનુસભાઈ ઉર્ફે યુસુફ ચાચાએ અસલ સોનાનું બિસ્કિટ બતાવ્યું હતું. ત્યારે સોનીને બતાવ્યું તો તેણે પણ ખરાઈ કરી હતી. ત્યારે ઠગ ટોળકીએ આગળ જણાવ્યુ હતુ કે, સસ્તા ભાવે સોનું ખરીદવું હોય તો એક કિલો લેવું પડશે. તેથી લાલચમાં આવીને ધરમપુર સોનું ખરીદવા ગયા હતા.
ધરમપુરના બારસોલમાં આવેલા ઇન્ડિયન નોન-જ્યુડિશિયલ લખેલા બંગલામાં ફરિયાદી અમીન લાખાણી તથા તેમના ઓળખીતાઓને લઈ જઈ ત્યાં આરોપીઓએ ઇશ્વરભાઈ નામના વ્યક્તિ સાથે મુલાકાત કરાવી હતી. અમીન લાખાણીના 37 લાખની સામે સોનાના બિસ્કિટ બતાવ્યા હતા અને થોડીવારમાં પાંચ વ્યક્તિ સાથે એક સ્ત્રી ત્યાં પહોંચી ગયા હતા અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. ગાંધીનગર પોલીસ હોવાનું જણાવી તમામને ડરાવીને ઇનોવા કાર તથા ફરિયાદીને ઇકો કારમાં બેસાડી ગાંધીનગર બાજુ લઈ ગયા હતા. ત્યારે નેશનલ હાઇવે 48 ઉપર ચીખલી તરફ લઈ જઈ તેમણે પતાવટ માટે 10 લાખની માગ કરી હતી. ત્યારે ફરિયાદીએ 2 લાખ આપીને પતાવટ કરી હતી અને ફરાર થઈ ગયા હતા.
આ મામલે વલસાડ જિલ્લા પોલીસે આરોપી યુનુસ ઉર્ફે સતારભાઈ મેમણની ધરપકડ કરી લીધી છે. ત્યારે આરોપી પાસેથી 38.50 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. ત્યારે તપાસમાં આરોપીઓની મોડસ ઓપરેન્ડી સામે આવી હતી. તેઓ સૌથી પહેલાં ગ્રાહકો શોધે છે. ત્યારબાદ અવારનવાર તેમની સાથે મિટિંગ કરે છે. ગ્રાહકને અસલ સોનું બતાવે છે અને સોની મારફતે ગ્રાહકો પાસે જ ચેક કરાવી વિશ્વાસમાં લે છે. ત્યારબાદ સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી નક્કી કરેલી જગ્યાએ બોલાવી સોનાના બિસ્કિટ આપવાની વાત કરે છે. ત્યારે નકલી પોલીસ બનીને ગેંગના મેમ્બર જ રેઇડ પાડે છે અને પૈસા પડાવે છે.
આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપીમાં ચાચા યુનુસ પર ધરમપુર, મહારાષ્ટ્રના નાસિક અને વલસાડમાં 6 કેસ નોંધાયેલા છે.આ મામલે વલસાડ પોલીસે મહિલા સહિત 6 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. આમ, લોકોની લાલચને પારખી લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી.