નવી દિલ્હી: તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે વનપ્લસ નોર્ડ 2 (OnePlus Nord 2) સ્માર્ટફોનની બેટરીમાં બ્લાસ્ટ (Smartphone blast) થયો હતો. બ્લાસ્ટથી યૂઝર્સને ઈજા પહોંચી હતી. સ્માર્ટફોનની બેટરીમાં બ્લાસ્ટ (Battery blast) થવાની વાત કંઈ નવી નથી. પહેલા પણ આવા અનેક કિસ્સા સામે આવ્યા છે. સ્માર્ટફોન બનાવતી કંપની (Smartphone Manufacturers) હંમેશા એવી દલીલ કરી છે કે ગ્રાહકની જ કોઈ ભૂલને પગલે બેટરીમાં બ્લાસ્ટ થાય છે. તેઓ પોતાની પ્રોડક્ટ એકદમ સુરક્ષિત હોવાનો હંમેશા દાવો કરે છે. આ મામલે નિષ્ણાતો પણ એવું કહી રહ્યા છે કે મોટાભાગના કેસમાં યૂઝરની બેદરકારીને પગલે જ બેટરીમાં બ્લાસ્ટ થાય છે. તો જાણીએ એવી ભૂલો વિશે જેના પગલે તમારા સ્માર્ટફોનની બેટરીમાં બ્લાસ્ટ થવાની સંભાવના વધી જાય છે.
ડિવાઇસ અથવા બેટરીમાં કોઈ નુકસાન હોવું
અનેક વખત આપણો સ્માર્ટફોન હાથમાંથી પડી જતો હોય છે. આ સમયે ફોનની અંદર રહેલી બેટરમાં નુકસાન થતું હોય છે. જો આ દરમિયાન બેટરીને નુકસાન થયું હોય તો તેમાં ગમે ત્યારે શોર્ટ સર્કિટ કે પછી ઓવરહીટિંગ જેવી સમસ્યા આવી શકે છે. જો આવું થવાનું હોય તો સૌથી પહેલું લક્ષણ એ જોવા મળે છે કે બેટરી ફૂલવા લાગે છે. સ્માર્ટફોનને જોઈને જ અંદાજ લગાવી શકાય છે કે બેટરી ફૂલાઈ ગઈ છે. જો તમારા સ્માર્ટફોન સાથે પણ આવું થયું હોય તો તાત્કાલિક સર્વિસ સેન્ટરની મુલાકાત લો.
ઓરિજિનલ ચાર્જર ન વાપરવું
અનેક લોકો સ્માર્ટફોનની ચાર્જર ખોવાઈ જવાના કેસમાં અથવા ખરાબ થઈ જવાને કેસમાં નકલી ચાર્જરનો ઉપયોગ કરે છે. જોકે, લોકો એવું નથી જાણતા કે સસ્તા અને નકલી ચાર્જર તમારા ફોનને નુકસાન પહોંચાડી શકે છે. કંપની ફોન સાથે ચાર્જર એ માટે જ આપે છે કે તમારો ફોન વધારે ચાલે અને તેની બેટરીને કોઈ નુકસાન ન થાય. માટે યાદ રાખો કે ફોનને ચાર્જ કરવા માટે હંમેશા અસલી ચાર્જરનો જ ઉપયોગ કરો.
ખોટી રીતે ફોનને ચાર્જ કરવો
રાત્રે ફોનને ચાર્જિંગમાં મૂકીને ઊંઘી જવાની વાત સામાન્ય છે પરંતુ આવું કરવું ખતરાથી ખાલી નથી. ફૂલ ચાર્જ થયા બાદ પણ ચાર્જિંગ ચાલું હોવાના કેસમાં બેટરી અને ચાર્જર બંને ઓવરહીટિંગ થવા લાગે છે. આના પગલે શોર્ટ સર્કિટ કે પછી બ્લાસ્ટ પણ થઈ શકે છે. જોકે, આજકાલ કંપનીઓ એવી સુવિધા પણ આપી રહી છે, જેમાં ફોન ચાર્જ થયા બાદ ચાર્જરનો કરંટ આપમેળે કટ થઈ જાય છે. જોકે, આ ફીચર મોંઘા સ્માર્ટફોનમાં જ આવે છે. આ ઉપરાંત જો તમારો ફોન કોઈ પોકેટ કે બેગમાં હોય તો તેને ચાર્જ ન કરવો જોઈએ. એવું યોગ્ય રહેશે કે તમે ફોનનું કવર હટાવીને તેને ચાર્જ કરો. ફોનને ક્યારેય પણ તડકમાં ઊભેલા કારમાં પણ છોડવો જોઈએ નહીં.
જો ફોનની બેટરી પાણીમાં પડી જાય અને તેને સીધી જ સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે તો તેમાં બ્લાસ્ટ થવાની શક્યતા વધી જાય છે. વધારે ગરમ થવાથી બેટરીના સેલ જે તે સ્થિતિમાં નથી રહેતા. બેટરીની અંદર ઑક્સીજન અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ ઉત્પન્ન થવા લાગે છે. આ કારણે બેટરી ફૂલાઈ જાય છે. આ કારણે જ ફોનને સીધો તડકામાં ન રાખો.
અનેક લોકો સ્માર્ટફોન પ્રોસેસરને ઓવરલોડ કરી દે છે. મતલબ કે તેઓ ક્ષમતા કરતા વધારે જ ફોનનો ઉપયોગ કરે છે. અમુક ગેમ્સ પણ એવી હોય છે જે દરેક સ્માર્ટફોનમાં નથી ચાલતી. નાના પ્રોસેસર પર ક્ષમતા બહારનું કામ કરાવવા પર તે ગરમ થવા લાગે છે. જેની અસર બેટરી પર પણ પડે છે. આ કેસમાં બેટરી ગરમ થઈને ફાટી જાય છે. આનો ઉપાય એવો છે કે જો તમારો ફોન હેંગ થવા લાગે અથવા વધારે ગરમી પકડી લે તો તેને થોડા સમય માટે બંધ કરો દો. ફોનમાંથી મોટી એપ્સ હટાવી દો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર