ભારતમાં ટિક ટોક પર બૅનને કારણે રોજ 3.5 કરોડનું નુકસાન : ડેવલપરનો દાવો

પ્રતિકાત્મક તસવીર

કંપનીનું કહેવું છે કે ભારતમાં એપ્લિકેશન પર પ્રતિબંધને કારણે 250થી વધારે નોકરી પર પણ જોખમ ઉભું થયું છે.

 • Share this:
  નવી દિલ્હી : ભારતે ટિક ટોક પર મૂકેલા પ્રતિબંધને કારણે દરરોજ રૂ. 3.5 કરોડનું નુકસાન થઈ રહ્યાનો દાવો એપ્લિકેશન બનાવનાર Bytedance Technology Co તરફથી કરવામાં આવ્યો છે. એટલું જ નહીં કંપનીનું કહેવું છે કે ભારતમાં એપ્લિકેશન પર પ્રતિબંધને કારણે 250થી વધારે નોકરી પર પણ જોખમ ઉભું થયું છે.

  ટિક ટોક દુનિયાની ખૂબ જ પ્રસિદ્ધ એપ્લિકેશન છે જેના પર યૂઝર્સ સ્પેશિયલ ઇફેક્ટ સાથેના વીડિયો બનાવી શકે છે. સેન્સર ટાવર નામની રિસર્ચ કંપનીના જણાવ્યા પ્રમાણે, ભારતમાં આશરે 300 મિલિયન યૂઝર્સે તેને ડાઉનલોડ કરી છે. દુનિયાભરમાં આશરે એક બિલિયન લોકોએ આ એપને પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરી છે.

  મહિનાની શરૂઆતમાં મદ્રાસ હાઇકોર્ટે પોર્નોગ્રાફીને ઉત્તેજન આપવા બદલ આ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો હતો. જે બાદમાં આઈટી મંત્રાલયે ગૂગલ અને એપલના પ્લે સ્ટોર પરથી એપને હટાવવાના આદેશ કર્યા હતા.

  ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા પ્રમાણે આ મામલે Bytedance તરફથી શનિવારે ભારતની સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કંપનીએ વિનંતી કરી છે કે આઈટી મંત્રાલયને ટિક ટોક પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાનું કહેવામાં આવે, જેનાથી ગૂગલ અને એપલ તેના પ્લેટફોર્મ પર ફરીથી એપને મૂકી શકે.

  અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પ્રતિબંધને કારણે કંપનીની શાખ પર અસર થઈ રહી છે. એટલું જ નહીં પ્રતિબંધને કારણે તેને દરરોજ પાંચ લાખ ડોલર (રૂ. 3.5 કરોડ)નું નુકસાન થઈ રહ્યું છે.

  અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, પ્રતિબંધને કારણે કંપની દરરોજ 10 લાખ યૂઝર્સ ગુમાવી રહી છે, એટલું જ નહીં પ્રતિબંધ મૂક્યા બાદ 60 લાખ જેટલા લોકો પોતાના મોબાઇલમાં આ એપ ડાઉનલોડ કરી શક્યા નથી.
  Published by:Vinod Zankhaliya
  First published: