ન્યૂઝ 18 ગુજરાતી : આગામી 1 ડિસેમ્બરથી વોડાફોન અને ભારતી એરટેલની ટેરિફ એટલે કે મોબાઇલ સર્વિસના દરમાં વધારો કરવાની જાહેરાતના પગલે રિલાયન્સ જિયોએ કહ્યું છે કે 'કંપની ગ્રાહકોના ડેટા વપરાશને નુકશાન ન પહોંચે તેવી રીતે ટેરિફમાં વધારો કરવાનું આયોજન કરી રહી છે.
ભારતનું સૌથી વિશાળ વાયરલેસ ડેટા ઓપરેટર જિયો પણ ભારતી એરટેલ અને વોડાફોન સાથે ટેરિફ વધારામાં શામેલ થયું છે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું “ જેવી રીતે મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, અમે માનીએ છીએ કે TRAI ટેલિકૉમ ટેરિફ અંગે કન્સલ્ટેશન પ્રક્રિયા શરૂ કરવાનું છે. અન્ય ઑપરેટર્સની જેમ અમે પણ સરકાર સાથે કામ કરૂશું અને ટેલિકૉમ રેગ્યૂલેટરી ક્ષેત્રને મજબૂત બનાવીશું જેથી ભારતીય ગ્રાહકોના ફાયદા માટે સમગ્ર ટેલિકૉમ ક્ષેત્ર મજબૂત થઈ શકે. આગામી કેટલાક અઠવાડિયામાં અમે દરમાં વધારો કરીશું.”
તમામ કંપનીઓએ ટેરિફમાં વધારાની પાછળ સરકાર દ્વારા વસૂલવામાં આવતા AGRનો હવાલો આપ્યો છે. જોકે, વોડાફોન-આઇડિયા અને એરટેલને વધારે પૈસા ચુકવવાના છે.
વોડાફોન આઇડિયા અને એરટેલ શા માટે કોલ દર વધારશે : વોડાફોન-આઇડિયા દ્વારા જણાવાયું છે કે કંપનીએ 1 ડિસેમ્બરથી ટેરિફમાં વધારો કરશે. ટેલિકૉમ ઓપરેટરોએ જણાવ્યું છે કે તેમના દ્વારા વસૂલવામાં આવતા મોબાઇલ ડેટા ચાર્જીસ સમગ્ર વિશ્વના સૌથી સસ્તા ચાર્જ છે. ઝડપથી વધી રહેલી મોબાઇલ ડેટા સર્વિસિસમાં પણ ઓછામાં ઓછા ભાવે સબ્સક્રાઇબર્સને ફાયદો આપવામાં આવી રહ્યો છે. એરટેલે પણ ટ્રાઇના પ્રયાસોને આવશ્યક ગણાવ્યા છે અને પોતાના પ્લાન મોંઘા કરવાની જાહેરાત કરી છે.
ડિસ્ક્લેમર : ન્યૂઝ 18 ગુજરાતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટનો ભાગ છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે જ છે.