Safest cars in India: Global NCAP એટલે કે ગ્લોબલ ન્યૂ કાર અસેસમેન્ટ પ્રોગ્રામના ક્રેશ ટેસ્ટમાં Tata Punchને સુરક્ષા મામલે 5 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે.
નવી દિલ્હી: ટાટા મોટર્સ (Tata Motors) તરફથી લોંચ કરવામાં આવેલી Tata Punch બજારમાં લૉંચ થવા માટે તૈયાર છે. 18મી ઓક્ટોબરના રોજ યોજાનારી એક ઇવેન્ટમાં ટાટાની આ SUV કારની કિંમત જાહેર કરવામાં આવશે. એટલે કે ભારતીય બજારમાં આ દિવસથી કાર લોંચ (Tata Punch launch date) કરવામાં આવશે. જોકે, કંપનીએ લૉંચ પહેલા જ મોટી જાહેરાત કરી છે. ટાટા પંચ દેશની સૌથી સુરક્ષિત કાર બની ગઈ છે. હકીકતમાં Global NCAP (Global New Car Assessment Programme) તરફથી કરવામાં આવેલા ક્રેશ ટેસ્ટમાં ટાટા પંચને સુરક્ષા મામલે 5 સ્ટાર રેટિંગ (Tata Punch 5 Star Safety Rating Global Ncap) મળ્યું છે. ઉલ્લેખનીય છે કે સુરક્ષા મામલે આ સૌથી ઊંચું રેટિંગ છે. આને સરળ ભાષામાં સમજીઓ તો ટાટા પંચમાં મુસાફરી દરમિયાન અકસ્માત થાય તો તેમાં સવાર યાત્રિકો અન્ય કારની સરખામણીમાં વધારે સુરક્ષિત રહે છે.
કેટલી સુરક્ષિત છે Tata Punch?
ગ્લોબલ NCAP તરફથી વયસ્ક સુરક્ષા મામલે ટાટા પંચને 5 રેટિંગ મળ્યું છે. ટેસ્ટિંગ દરમિયાન ટાટા પંચને 17માંથી 16.45 અંક આપવામાં આવ્યા હતા. જ્યારે બાળકોની સુરક્ષા મામલે ટાટા પંચને 4 રેટિંગ મળ્યું છે. બાળકોની સુરક્ષા મામલે ટાટા પંચને 49માંથી 40.89 અંક મળ્યા છે. ક્રેશ ટેસ્ટ માટે ટાટા પંચને 64 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવામાં આવી હતી. સાથે જ જે કારને ટેસ્ટ કરવામાં આવી હતી તેમાં બે એર બેગ્સ હતી. ગ્લોબલ NCAPના ટેસ્ટિંગ દરમિયાન ટાટા પંચ ભારતની સૌથી સુરક્ષિત કાર બની ગઈ છે. ક્રેશ દરમિયાન કારની બોડી જેમની તેમ રહી હતી.
ટાટા પંચની આ કાર્સ સાથે ટક્કર
ભારતીય બજારમાં લૉંચ થતાની સાથે જ ટાટા પંચ મારુતિ સુઝુકી એસ-પ્રેસો અને રેનો ક્વિડ જેવી કાર સાથે સીધો મુકાબલો કરશે. આ કારની કિંમત 18મી તારીખે યોજનારી ઇવેન્ટમાં જાહેર કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ કારની કિંમત ટાટાની વર્તમાન કાર Tata Altrozની આસપાસ હોઈ શકે છે.
ટાટા મોટર્સ તરફથી આ કારનું પ્રી-બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ગ્રાહકો ટાટા મોટર્સના ડીલર્સનો સંપર્ક કરીને કારનું બુકિંગ કરાવી શકે છે. આ માટે તમારે 21,000 રૂપિયા ટોકન તરીકે આપવા પડશે.
તમારી કાર કેટલી સુરક્ષિત?
ઓક્ટોબર 2021 સુધી ગ્લોબલ NCAP તરફથી ભારતમાં દોડતી કારોના સુરક્ષા બાબતે કરવામાં આવેલા ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ મળ્યું હોય તેવી ચાર કારનો સમાવેશ થાય છે. જેમાં ટાટા પંચ, મહિન્દ્રા XUV300, ટાટા એલ્ટ્રોઝ અને ટાટા નેક્સનનો સમાવેશ થાય છે. જ્યારે 4 સ્ટાર રેટિંગ મળ્યું હોય તેવી સાત કાર છે. આ સાત કારમાં પણ ટાટાની બે કાર ટાટા ટિયાગો અને ટાટા ટિગોરનો સમાવેશ થાય છે. એટલે કે ભારતમાં ટાટા મોટર્સની સૌથી વધારે કારને સુરક્ષા મામલે સારું રેટિંગ મળ્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર