કુરાન એપ્લિકેશન પર ચીનની તવાઈ, ડ્રેગનના આદેશના પગલે એપલે કુરાન એપ્લિકેશન દૂર કરી

કુરાન મજીદ એપ પર ચીનમાં પ્રતિબંધ (પ્રતીકાત્મક તસવીર)

એપલ (APPLE)એ ચીનના અધિકારીઓની વિનંતીને પગલે વિશ્વની સૌથી લોકપ્રિય એપ્લિકેશનો પૈકીની એક કુરાન એપ્લિકેશન (Quran app)ને ચીનમાંથી હટાવી દીધી છે.

  • Share this:



બેઇજિંગ: ચીનની સરકાર દ્વારા પોતાના હિતોને ધ્યાને રાખીને અવારનવાર સેન્સરશીપ લાદવામાં આવે છે. ચીનમાં વિશ્વની મોટાભાગની સોશિયલ મીડિયા સાઈટ (Social Media sites) પર પ્રતિબંધ છે. અનેક એપ્લિકેશન અને ગેમ્સ પણ ચીનના લોખંડી નિયમો હેઠળ દબાઈ ગઈ છે. ત્યારે વધુ એક એપ્લિકેશન પર ચીનની કાતર ફરી હોવાનું જાણવા મળે છે. એપલ (APPLE)એ ચીનના અધિકારીઓની વિનંતીને પગલે વિશ્વની સૌથી લોકપ્રિય એપ્લિકેશનો પૈકીની એક કુરાન એપ્લિકેશન (Quran app)ને ચીનમાંથી હટાવી દીધી છે. જોકે, કુરાન માજિદ (Quran Majee) વિશ્વભરના એપ્લિકેશન સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. આ બાબતે BBCએ અહેવાલ આપ્યો હતો કે, એપલે ચીનના અધિકારીઓએ કરેલી વિનંતી બાદ તેને હટાવી છે.

ઉલ્લેખનીય છે કે, આ એપ્લિકેશનનો ઉપયોગ કરોડો મુસ્લિમો કરી રહ્યા છે અને તેને અઢળક રિવ્યૂ મળ્યા છે. કુરાન એપ્લિકેશન દૂર કરવા બાબતે સૌથી પહેલું ધ્યાન એપલ સેન્સરશીપ વેબસાઈટનું ગયું હતું. એપલ સેન્સરશીપ વેબસાઈટ વિશ્વભરમાં એપલ એપ્લિકેશન સ્ટોર્સ પર નજર રાખે છે.

નવો વિવાદ ઊભા થાય તેવી સંભાવના

ચીનના કોમ્યુનિસ્ટ પક્ષ દ્વારા દેશમાં ઈસ્લામને સત્તાવાર રીતે ધર્મની માન્યતા આપવામાં આવી છે. પરંતુ ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ઉઇગર મુસ્લિમો પર ચીનની સરકારે અમાનવીય પગલાં લીધા હોવાનો આરોપ છે. ત્યારે હવે કુરાન એપ્લિકેશન પર મુકાયેલો પ્રતિબંધ નવા વિવાદને જન્મ આપશે તેવી ધારણા છે.

રિપોર્ટમાં જણાવાયા મુજબ કુરાન માજિદનું કહેવું છે કે, વૈશ્વિક સ્તરે 3.5 કરોડથી વધુ મુસ્લિમો દ્વારા તેના પર વિશ્વાસ કરવામાં આવે છે. બીજી તરફ એપલના સીઇઓ ટિમ કૂક પર અમેરિકાના રાજકારણ વિશે બોલવા અને પરંતુ ચીન વિશે ચૂપ રહેવા બદલ દંભનો આરોપ મૂકવામાં આવ્યો છે.

કુરાન મજીદને એપ સ્ટોરમાંથી દૂર કરાઈ

આ એપ્લિકેશન બનાવનાર PDMS દ્વારા આ બાબતે નિવેદનમાં આપવામાં આવ્યું છે. તેણે કહ્યું છે કે, એપલના જણાવ્યા અનુસાર એપ્લિકેશનમાં રહેલ કન્ટેન્ટ બાબતે ચીની અધિકારીઓને વધારાના ડોક્યુમેન્ટની જરૂર હોવાથી અમારી એપ્લિકેશન કુરાન મજીદને ચીનના એપ્લિકેશન સ્ટોરમાંથી દૂર કરવામાં આવી છે.

આ પણ વાંચો: ચીનમાં Google, Facebook પછી Linkedin બંધ થશે, માઇક્રોસૉફ્ટે કરી મોટી જાહેરાત

નોંધનીય છે કે, એપલ સહિતની કંપનીઓને જે તે દેશના સ્થાનિક કાયદાઓનું પાલન કરવું પડે છે. ગયા મહિને રશિયાના અધિકારીઓના દબાણમાં આવીને એપલ અને ગૂગલ બંનેએ રશિયાના વિપક્ષી નેતા એલેક્સી નાવલની વોટિંગ એપ્લિકેશન દૂર કરી હોવાનું કહેવાય છે. કંપનીઓ પોતાનો બિઝનેસ ગુમાવવા માંગતી નથી. ચીન એપલના સૌથી મોટા બજારો પૈકીનું એક છે અને એપલની સપ્લાય ચેઇન ચીનના ઉત્પાદન પર ભારે નિર્ભર છે. ત્યારે તેને ત્યાંની સરકારના આદેશ મુજબ પગલાં લેવા જ પડે.


Published by:Vinod Zankhaliya
First published: