વાયુ પ્રદુષણના કારણે સ્વાસ્થ્ય ઉપર માઠી અસર થાય છે. વિશ્વ આખામાં વાયુ પ્રદુષણને રોકવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે જાણીતી કંપની હેવલ્સ દ્વારા હવાને ચોખ્ખી કરતી એર પ્યુરિફાયર ટેકનોલોજી ધરાવતા પંખા(સિલિંગ ફેન) લોન્ચ કરવામાં આવ્યા છે.
એર પ્યુરીફાયર ટેકનોલોજી ધરાવતો પ્રથમ પંખો
કંપનીનું કહેવું છે કે એર પ્યુરીફાયર ટેકનોલોજી ધરાવતો આ દેશનો પ્રથમ પંખો છે. આ પંખાની કિંમત રૂ. 15,000 છે. પંખાને હેવલ્સ સ્ટીલ્થ પ્યોરો એર નામ આપવામાં આવ્યું છે. આ સાથે કંપનીએ ટેબલ ફેન ફૈનમેટ પણ લોન્ચ કર્યો છે. જેમાં કાર્બન ફિલ્ટર છે. જેનાથી દુર્ગંધ દૂર થશે અને હવાનું શુદ્ધિકરણ થશે.
આવી છે અત્યાધુનિક પંખાની ખાસિયત
હેવલ્સ ઇન્ડિયાના ઇલેક્ટ્રિકલ કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રેસિડેન્ટ રવિન્દ્રસિંહ નેગીએ જણાવ્યું હતું કે, સ્ટીલ્થ પ્યોર એર સિલિંગ ફેનથી અલગ અલગ ત્રણ તબક્કે એર પ્યુરીફાય થશે. VOC ફિલ્ટરેશન સાથે પીએમ 2.5 અને પીએમ 10 પ્રદુષણને ફિલ્ટર કરી શકે છે. 130 cuI/MI અવરની ક્લીન એર ડિલિવરી રેટને તીવ્ર કાર્યક્ષમતા સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
આ પંખામાં કંપની દ્વારા કેટલાક એડવાન્સ ફીચર પણ આપવામાં આવ્યા છે. જેમાં રિમોટ કંટ્રોલથી સંચાલન, લાઈટ તેમજ એલઈડી એર પ્યોરિટી ઇન્ડિકેટરનો સમાવેશ થાય છે. આ પંખામાં પાંખિયાનો અવાજ ન થાય તે માટે એરોડાયનામીક બ્લેડ પણ છે.
ટેબલ ફેનમાં મળશે આ ફીચર્સ
હેવલ્સના ટેબલ ફેન ફેનમેટમાં લેધર હેન્ડલ સાથે પ્રીમિયમ લૂક આપે તેવો સાટિન મેટ ફિનિશ છે. ટચ બટન, મોબાઈલ ચાર્જ કરવા યુએસબી પોર્ટ પણ મળશે. ઉપરાંત લેપટોપ અથવા સામાન્ય મોબાઈલ ચાર્જરના માધ્યમથી પંખો ઓપરેટ કરવા એક યુએસબી કેબલ પણ અપાશે. આ પંખાની બેટરી ફૂલ ચાર્જ થયા બાદ ત્રણ કલાક સુધી ચાલશે. હેવલ્સ દ્વારા પંખાના પોર્ટફોલિયોમાં કુલ 16 અલગ અલગ પ્રોડક્ટ રજૂ કરી છે.