ગૂગલ ટૂંક સમયમાં ભારતમાં યુઝર્સને તેની ડિજિટલ પેમેન્ટ એપ Google Pay દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ખોલવાની મંજૂરી આપશે. એટલે કે ગૂગલ પે હવે માત્ર મોબાઈલ વોલેટ નથી રહ્યું. જે ભારતીય ફિનટેક સ્ટાર્ટઅપ સેતુ સાથે ગૂગલની તાજેતરમાં જાહેર કરાયેલી ભાગીદારીના ભાગરૂપે છે. Mashable અનુસાર, એવા સંકેત છે કે, ગૂગલ પે શરૂઆતમાં તેના યુઝર્સને ઈક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકની એક વર્ષ સુધીની એફડી ઓફર કરશે. ત્યાર બાદ અન્ય બેંકો જેવી કે, ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક અને એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક પણ ટૂંક સમયમાં આ ગૂગલ પેની યાદીમાં જોડાશે.
આ FD પર મહત્તમ વ્યાજ દર કથિત રીતે 6.35 ટકા નક્કી કરવામાં આવ્યું છે અને યુઝર્સે વન-ટાઇમ પાસવર્ડ (OTP) દ્વારા, આધાર કાર્ડ આધારિત KYC (know your customer) પ્રક્રિયાને અનુસરીને સાઇન અપ કરવું જરૂરી રહેશે. ફિનટેક સ્ટાર્ટઅપ સેતુ એ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ (API) સ્ટાર્ટ-અપ છે. તે ગ્રાહકોને બિલ ચૂકવણી, બચત, ક્રેડિટ અને ચુકવણીઓ માટે API પ્રદાન કરે છે.
મેશેબલ રિપોર્ટ અનુસાર, કંપનીએ પ્લેટફોર્મ પર પહેલેથી જ ટેસ્ટિંગ વર્ઝન બનાવ્યું છે, જે એફડી માટે વિવિધ મુદત આપે છે. તેમાં 7-29 દિવસ, 30-45 દિવસ, 46-90 દિવસ, 91-180 દિવસ, 181-364 દિવસ અને 365 દિવસ સુધીની મુદતનો સમાવેશ થાય છે, જેમાં ટૂંકી એફડી માટે વ્યાજ દરો 3.5 ટકા અને વાર્ષિક મુદત માટે 6.35 ટકા છે.
મહત્વનું છે કે, મોટાભાગના બેન્ક ગ્રાહકો એફડીને જ સૌથી વધુ સુરક્ષિત માને છે, કારણ કે બેંક FDમાં રહેલા પૈસા પર વધુ જોખમ નથી હોતું. જેને લઈને ગૂગલ પેએ પણ FDમાં ઝંપલાવ્યું છે. જેથી હવે લોકોને FD ખોલાવવા માટે બેન્ક નહીં જવું પડે. એટલું જ નહીં FD મુદત પૂર્ણ થતા તમારે પૈસા ઉપાડવા પણ બેંકમાં નહીં જવું પડે. બેન્ક દ્વારા આ પૈસા તમારા ગૂગલ પે એકાઉન્ટમાં પહોંચી જશે.
જોકે, ગૂગલ ઇન્ડિયાએ હજી સુધી આ અંગે પુષ્ટિ નથી કરી અને આ નવી સુવિધા માટે કોઈ લોન્ચિંગ ડેટ પણ નથી જણાવી. ઉલ્લેખનીય છે કે, દેશમાં ડિજિટલ પેમેન્ટ માટે ગૂગલ પે એક લોકપ્રિય પ્લેટફોર્મ છે. ભારતમાં ગૂગલ પ્લે સ્ટોર પર ગૂગલ પે એપ 10 કરોડથી વધુ ડાઉનલોડ્સ ધરાવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર