સર્ચ એન્જીન જાયન્ટ ગૂગલે જાહેરાત કરી છે કે તે હથિયારો કે કોઈ એવી વસ્તુ જે નુકસાન કરે તેના માટે માટે artificial intelligenceનો ઉપયોગ નહીં કરે. કંપનીના ભારતીય મૂળના સીઈઓ સુંદર પીચાઇએ આ અંગે પોતાના બ્લોગમાં લખ્યું છે કે, ગૂગલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ હથિયારો માટે નહીં કરે. તેમણે કહ્યું કે અમે સરકાર અને મિલિટરી સાથે અન્ય વિકલ્પ જેવા કે સાઇબર સિક્યુરિટી, ટ્રેનિંગ, સર્ચ અને રાહત-બચાવ પર કામ કરવાનું ચાલુ રાખીશું.
થોડા દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે ગૂગલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઇને અમેરિકન મિલિટરી સાથે એક કરાર કર્યો છે, જેને લઇને કંપનીએ પોતાના જ કર્મચારીઓ અને બીજા લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. હવે ગૂગલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે સાત સિદ્ધાંત તૈયાર કર્યા છે. નોંધનીય છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક એવી ટેક્નોલોજી છે જે વ્યક્તિના વર્તનને સમજીને પોતાની રીતે કામ કરે છે.
પિચાઇએ કહ્યું હતું કે, ગૂગલ AIનો ઉપયોગ લોકોની ઇમરજન્સી સમસ્યાઓને દૂર કરવા માટે કરી રહી છે. જેવી કે જંગલમાં લાગતી આગ અંગે પહેલેથી જ જાણકારી આપવી, ખેડૂતોની મદદ કરવી, બીમારી ઠીત કરવી વગેરે.
પિચાઇએ પોતાના બ્લોગમાં વધુમાં લખ્યું છે કે, "અમને એ વાત માલુમ પડી છે કે આ તાકાતવાર ટેક્નોલોજીના ઉપયોગને લઈને અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે. કેવી રીતે AIનો ઉપયોગ કરવામાં આવશે અને કેવી રીતે તેનો વિકાસ થશે તેને લઇને અનેક પ્રશ્ન છે. AIને વિકસિત કરવામાં અમે આગેવાન હોવાથી અમારે એ સમજવું પડશે કે આનો યોગ્ય ઉપયોગ કરવા અંગે અમારી જવાબદારી ખૂબ મોટી છે."
પિચાઇએ કહ્યું કે ગૂગલનો AI પ્રોગ્રામ એવી તૈયાર કરવામાં આવ્યો છે જેનાથી લોકોને લાભ થાય. ગૂગલ એવી કોઈ પણ ટેક્નોલોજી નહીં બનાવે જેનાથી લોકોને નુકસાન પહોંચે. ગૂગલ એવી ટેક્નોલોજીની ઉપયોગ બંધ કરી દેશે જે માનવ અધિકારોનું ઉલ્લંઘન કરતી હશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર