નવી દિલ્હી: આજકાલના બાળકો સ્માર્ટફોન (Smartphone) અને ગેમિંગ (Online Gaming)માં એટલા ખોવાયેલા રહે છે કે તેમને બહારની દુનિયાનું પણ ભાન રહેતું નથી. ક્યારેક તેમનો આ ગેમિંગ પ્રત્યેનો ક્રેઝ (Online Game Addiction in Children) જીવલેણ પણ બની જાય છે, જેના અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. તેવામાં શિક્ષણ મંત્રાલયે (Education Ministry) સુરક્ષિત ઓનલાઇન ગેમિંગ (Safe Online Gaming) માટે એક એડવાઇઝરી (Advisory) બહાર પાડી છે. મહામારીમાં લાંબો સમય સુધી ઘરમાં બંધ રહેતા બાળકોને ઓનલાઇન ગેમિંગનું વ્યસન થઇ ગયું છે. તેથી શિક્ષણ મંત્રાલયે વાલીઓ અને શિક્ષક માટે સેફ ઓનલાઇન ગેમિંગ માટે શું કરવું અને શું ન કરવું તે જણાવ્યું છે.
શું ન કરવું જોઇએ?
- માતાપિતાની સંમતિ વિના ઇન-ગેમ ખરીદીઓને મંજૂરી આપવી નહીં. એપ્લિકેશન પર ખરીદી ટાળવા RBIની માર્ગદર્શિકા અનુસાર OTP આધારિત પેમેન્ટ પદ્ધતિઓ અપનાવી શકાય છે.
- સબસ્ક્રિપ્શન માટે ક્રેડિટ/ડેબિટ કાર્ડનું એપ્સમાં રજીસ્ટ્રેશન કરવાનું ટાળો. આ ઉપરાંત મહત્તમ ખર્ચ માટેની એક લિમિટ સેટ કરો.
- બાળકોને લેપટોપ કે મોબાઇલ પરથી ખરીદી કરવાની પરવાનગી ન આપો. તેઓ ગેમિંગ પર પૈસા ખર્ચી શકે છે.
- અજાણી વેબસાઇટ પરથી ગેમ્સ કે સોફ્ટવેર ડાઉનલોડ કરવાનું ટાળો.
- તેમને કહો કે વેબસાઈટમાં લીંક, ઈમેજીસ અને પોપ-અપ પર ક્લિક કરવાથી સાવધાન રહો કારણ કે તેમાં વાઈરસ હોઈ શકે છે અને કોમ્પ્યુટરને નુકસાન થઈ શકે છે અને તેમાં વય-અયોગ્ય સામગ્રી હોઈ શકે છે.
- ગેમ્સ ડાઉનલોડ કરતી સમયે અંગત માહિતી આપવાનું ટાળો.
- ગેમ્સ અને ગેમિંગ પ્રોફાઇલ્સમાં રહેલા લોકો સાથે કોઇ પણ ખાનગી માહિતી શેર ન કરો.
- બાળકોને સલાહ આપો કે તેઓ કોઇ પણ પુખ્ત વયના લોકો સહિત અજાણ્યા લોકો સાથે વેબ કેમ, પ્રાઇવેટ મેસેજિંગ અથવા ઓનલાઈન ચેટ દ્વારા વાતચીત ન કરે, કારણ કે તેનાથી ઓનલાઈન દુરુપયોગ કરનારાઓ કે અન્ય ખેલાડીઓ તરફથી ગુંડાગીરી કરવાનું જોખમ વધે છે.
- લાંબા સમય સુધી બાળકોને ગેમ ન રમવા સમજાવો.
શું કરવું જોઇએ?
- ઓનલાઈન ગેમ્સ રમતી વખતે જો કંઈક ખોટું થાય તો તરત જ રોકાઇ જાઓ અને સ્ક્રીનશોટ લો (કીબોર્ડ પર "પ્રિન્ટ સ્ક્રીન" બટનનો ઉપયોગ કરીને) અને તેની જાણ કરો.
- તમારા બાળકને તેમની ગોપનીયતા ઓનલાઈન સુરક્ષિત રાખવામાં મદદ કરો. તેમને સ્ક્રીન નામ (અવતાર)નો ઉપયોગ કરવા માટે કહો કે, જે તેમનું સાચું નામ છુપાવી રાખશે.
- એન્ટિવાયરસ/સ્પાયવેર પ્રોગ્રામ્સનો ઉપયોગ કરો અને ફાયરવોલનો ઉપયોગ કરીને વેબ બ્રાઉઝર્સને સુરક્ષિત રાખો.
- ડિવાઇસ, એપ્લિકેશન અથવા બ્રાઉઝરમાં પેરેન્ટલ કંટ્રોલ અને સેફ્ટી ફીચર્સ ઓન કરો કારણ કે તે અમુક સામગ્રીની ઍક્સેસને પ્રતિબંધિત કરવામાં અને ગેમ્સમાં ખરીદીઓ પર ખર્ચ મર્યાદિત કરવામાં મદદ કરે છે.
- જો કોઇ અજાણી વ્યક્તિ અયોગ્ય વાતચીત કરે અથવા તો અંગત માહિતી માંગ કરે તો તેને રીપોર્ટ કરો.
- તમારું બાળક જે ગેમ રમી રહ્યું છે તેની વય મર્યાદા તપાસો.
- ગુંડાગીરીના કિસ્સામાં રીપ્લાય ન આપવા માટે સમજાવો અને પજવણી કરતા સંદેશાઓનો રેકોર્ડ રાખો અને ગેરવર્તનની જાણ ગેમ સાઇટ એડમિનિસ્ટ્રેટરને કરો અથવા બ્લૉક કરો. તે વ્યક્તિને તેમના પ્લેયર્સની લીસ્ટમાંથી મ્યૂટ કરો અથવા 'અનફ્રેન્ડ' કરો અથવા ઇન-ગેમ ચેટ બંધ કરો.
- તેઓ તેમની અંગત માહિતી કેવી રીતે હેન્ડલ કરી રહ્યાં છે અને તેઓ કોની સાથે વાતચીત કરી રહ્યાં છે, તેની વધુ સારી સમજ મેળવવા માટે તમારા બાળકની સાથે રમો.
- તમારા બાળકને સમજાવો કે ઓનલાઇન ગેમિંગમાં આપવામાં આવતા વધારાના ફીચર્સ તેમને વધારે ખર્ચ કરવા પ્રેરિત કરે છે. તેમને જુગાર શું છે અને તેના પરીણામો કેવા હોય છે તેના વિશે સમજાવો.
- તે વાતની કાળજી રાખો કે તમારું બાળક પારિવારીક સ્થાન પર મૂકેલા કમ્પ્યૂટર પર જ ઇન્ટરનેટનો ઉપયોગ કરે.