નવી દિલ્હી: વીઆઈપી નંબર (VIP mobile number scam)ની ઇચ્છા કોને ન હોય! એ વાત પણ સાચી છે કે જ્યારે તમે કોઈને તમારો મોબાઇલ નંબર (Mobile number) આપો છો ત્યારે જો તે ફેન્સી નંબર હોય તો તેનો એક અલગ જ પ્રભાવ પડે છે. જોકે, આ વાતનો ગેરફાયદો ઉઠાવીને અમુક લોકોએ પૈસા લૂંટવા માટે કૌભાંડ (VIP Mobile numbers scam) શરૂ કરી દીધું છે. આ કૌભાંડમાં અત્યારસુધી અને લોકો ફસાયા છે. સ્કેમ ચલાવતા લોકો તમને વીઆઈપી નંબર ઑફર કરે છે, આ નંબર એટલા ફેન્સી હોય છે કે લોકો તરત જ તેમના ચક્કરમાં ફસાય જાય છે. આ લેખમાં જાણીએ કે શું છે આ કૌભાંડ, લોકો કેવી રીતે બની રહ્યા છે શિકાર અને તમે તેનાથી કેવી રીતે બચી શકો છો.
આ રીતે મેસેજ આવે છે
આવું કૌભાંડ ચલાવતા લોકો બે રીતે તમારી પાસે પહોંચે છે. પ્રથમ એ લોકો તમારા મોબાઇલ નંબર પર સીધો મેસેજ કરે છે, બીજા કેસમાં તમને વોટ્સએપ પર મેસેજ કરે છે. આ લોકો તમને અલગ અલગ કંપનીઓના વીઆઈપી નંબરનું એક લિસ્ટ મોકલે છે. સાથે જ તેની કિંમત પણ આપે છે. તેઓ કહે છે કે તમે જે નંબર પસંદ કરશો તે તમને મળી જશે. આ માટે તમારે ઓનલાઇન પેમન્ટ કરવું પડશે.
પેમેન્ટ બાદ તમને તમારા રજિસ્ટર્ડ સરનામા પર સિમ કાર્ડની ડિલિવરી કરવાની વાત કરવામાં આવે છે. આ લોકો એટલા પ્રોફેસનલ હોય છે કે તમને શંકા પણ નથી પડતી. સિમ કાર્ડની રકમ પણ બેંક ખાતમાં ટ્રાન્સફર કરાવે છે. આ ઉપરાંત કેવાયસી માટે તમામ ડોક્ટુમેન્ટ પણ લે છે. જોકે, ઘરે સિમ કાર્ડના બદલે ખાલી ફોલ્ડર જ આવે છે. એટલું જ નહીં, આ લોકો તમને મેસેજ કરે છે ત્યારે જે સિમ કાર્ડ સર્વિસ પ્રોવાઇડર્સ જેવી જ ભળતી લિંક મોકલે છે.
વીઆઈપી નંબરમાં કોઈ એક યૂનિક નંબર એકથી વધારે વખત હોય છે અથવા કોમ્બિનેશનમાં હોય છે. ધારો કે તમારો લકી નંબર 7 હોય તો તમને એવો નંબર ઑફર કરે જેમાં 777 કે પછી 007, 7777 હોય. આ ઉપરાંત વિવિધ કોમ્બિનેશનમાં પણ આ નંબર આવતા હોય છે. આ નંબર સિરીઝ અને કોમ્બિનેશનને પગલે યાદ રાખવા પણ સરળ હોય છે.
સરકારે આપી ચેતવણી
થોડા સમય પહેલા ગૃહ મંત્રાલયે પણ આ અંગે જાણકારી આપીને લોકોને તેનાથી બચવા માટે જણાવ્યું હતું. સરકારે આ માટે બચવાના ઉપયોગ પણ સૂચવ્યા હતા. આ પ્રકારના મેસેજનો એક સ્ક્રીનશોટ પણ બતાવવામાં આવ્યો હતો જેનાથી લોકો તેને સરળતાથી સમજી શકે. ટ્વિટર પર આપવામાં આવેલી જાણકારીમાં લોકોએ પણ જણાવ્યું કે તેમને આવા મેસેજ મળી ચૂક્યા છે અથવા તેઓ પણ આ કૌભાંડનો શિકાર બની ચૂક્યા છે.
જો તમારી પાસે આવો કોઈ મેસેજ કે ઈ-મેઇલ આવ્યો છે તો તમે તેની ફરિયાદ કરી શકો છો. ગૃહ મંત્રાલયે કહ્યું છે કે આ પ્રકારના કૌભાંડની સીધી જ ફરિયાદ www.cybercrime.gov.in પર કરી શકો છો. ગૃહ મંત્રાલયનું કહેવું છે કે જો તમે કૌંભાડનો ભોગ બની ચૂક્યા હોય તો પણ તેની ફરિયાદ કરો, જેનાથી આવા કૌભાંડીઓને પકડી શકાય.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર