Amazon Prime membership: 14 ડિસેમ્બર, 2021 બાદ પ્રાઇમ મેમ્બર્સે માસિક પ્લાન માટે રૂ. 129ની જગ્યાએ રૂ. 179 ખર્ચવાના રહેશે. એટલે કે ભાવમાં સીધો જ 50 રૂપિયાનો વધારો કરવામાં આવશે.
મુંબઈ. અમેઝોન પ્રાઇમ (Amazon Prime)નો ઉપયોગ કરતા ગ્રાહકો (Prime users) માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 14 ડિસેમ્બરથી પ્રાઇમ મેમ્બરશીપના ભાવ (Prime membership to get Expensive)માં 50 ટકાનો ધરખમ વધારો ઝીંકવામાં આવશે. એમેઝોને ઓક્ટોબરમાં પ્રાઇમ મેમ્બરશિપ ફીમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. જોકે, અમેરિકન ઇ-કોમર્સ જાયન્ટે તે સમયે કિંમતમાં વધારો કરવાની તારીખ જાહેર કરી ન હતી. પરંતુ હવે તે વાતની પુષ્ટિ કરાઇ છે કે, અમેઝોન પ્રાઇમની વાર્ષિક મેમ્બરશીપ હવે યૂઝર્સને રૂ. 999ની જગ્યાએ રૂ. 1499માં પડશે. તમે 13 ડિસેમ્બર સુધીમાં જૂની કિંમત એટલે કે રૂ. 999માં તમારું વાર્ષિક સબસ્ક્રિપ્શન મેળવી શકો છો.
કંપનીએ જણાવ્યા અનુસાર, હાલ તમે જૂની કિંમતમાં પ્રાઇમ મેમ્બરશીપ મેળવી શકો છો. તેથી ગ્રાહક શક્ય તેટલી ઝડપથી 13 ડિસેમ્બર,2021 રાત્રે 12 વાગ્યા પહેલા જૂની કિંમતમાં પોતાનું સબસ્ક્રિપ્શન રીન્યૂ કરાવે અથવા ખરીદી લે.
કેટલી હશે નવી કિંમતો?
14 ડિસેમ્બર, 2021 બાદ પ્રાઇમ મેમ્બર્સે માસિક પ્લાન માટે રૂ. 129ની જગ્યાએ રૂ. 179 ખર્ચવાના રહેશે. એટલે કે ભાવમાં સીધો જ 50 રૂપિયાનો વધારો કરવામાં આવશે. ત્રિમાસિક પ્લાન ટૂંક સમયમાં 459 રૂપિયાની નવી કિંમતમાં ઉપલબ્ધ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભાવ વધારો અમલમાં ન આવે ત્યાં સુધી યૂઝર્સ 329 રૂપિયાની જૂની કિંમતે પ્લાન માટે સબસ્ક્રીપ્શન મેળવી શકે છે. એમેઝોને કરેલી જાહેરાત અનુસાર તેના સપોર્ટ પેજ પર પણ તમામ પ્લાનની કિંમતમાં ફેરફાર કરવામાં આવશે.
જૂના ગ્રાહક પર હાલ કોઈ અસર નહીં
મહત્વનું છે કે, હાલ જે યૂઝર્સ પાસે પ્રાઇમ મેમ્બરશિપ છે તેઓ પર ભાવ વધારાની અસર થશે નહીં. જોકે, પ્રાઇમ મેમ્બર્સને તેમની હાલની મેમ્બરશિપ પૂરી થઈ જાય પછી નવી કિંમત ચૂકવવી પડશે.
આ વાતની પુષ્ટિ કરતા એમેઝોન પ્રાઇમે તેની વેબસાઇટ પર નોંધ્યું છે કે "હાલના પ્રાઇમ મેમ્બર્સ તેમનો મેમ્બરશિપ પ્લાન વર્તમાન કિંમત જે હોય તે નક્કી સમયગાળા માટે ચાલુ રાખી શકે છે. જોકે, કિંમતમાં ફેરફાર થયા પછી તમારે નવી કિંમતે મેમ્બરશિપ રિન્યૂ કરાવવાની રહેશે.
એમેઝોનપ્રાઇમ ઝડપી ડિલિવરી અને સૌ પ્રથમ પ્રાઇમ સેલને એક્સેસ કરવાની સુવિધા સાથે એમેઝોનની એપ્લિકેશન પર પ્રાઇમ વીડિયો, પ્રાઇમ મ્યુઝિક વગેરે એક્સેસ કરવાની સુવિધા પણ આપે છે. તાજેતરમાં જ ડિઝની+ હોટસ્ટારે પણ નવા પ્રીપેડ પ્લાનની જાહેરાત કરી હતી. ડિઝની+ હોટસ્ટારના નવા પ્લાન હવે 499 રૂપિયાથી શરૂ થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર