સુરેન્દ્રનગરના પોલીસ ચોપડે એક મહિલા પોલીસકર્મીએ પોલીસ સામે જ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે પીડિત મહિલા પોલીસે સુરેન્દ્રનગર સિટી બી-ડિવીઝન પોલીસ મથક ખાતે પાટણ ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી છે. મહિલાના પોલીસના જણાવ્યા પ્રમાણે પીએસઆઈએ લગ્નની લાલચ આપીને તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ફરિયાદી મહિલા સુરેન્દ્રનગર ખાતે એએસઆઈ તરીકે ફરજ બજાવતી હોવાનું માલુમ પડ્યું છે.
મહિલાની ફરિયાદ પ્રમાણે પાટણના પીએસઆઈ આશિષ ડામોરે સુરેન્દ્રનગરમાં આવેલી શ્રીજી ગેસ્ટ હાઉસમાં તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આશિકે દુષ્કર્મ પહેલા તેણીને એવી લાલચ આપી હતી કે તે તેણી સાથે લગ્ન કરી લેશે. આરોપી પીએસઆઈ મહિસાગરના સંતરામપુર તાલુકાના સુરપુરા ગામ ખાતે રહે છે.
મહિલા પોલીસ કર્મીએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેણીને લગ્નની લાલચ આપવામાં આવી હતી. બાદમાં માલુમ પડ્યું હતું કે આશિષ પરિણીત છે તેમજ તેને એક સંતાન પણ છે. મહિલા પોલીસના જણાવ્યા પ્રમાણે આશિષે પોતે અપરિણીત હોવાની વાત કરી હતી. મહિલાકર્મીને જ્યારે આશિષ પરિણીત હોવાની ખબર પડી હતી ત્યારે તેણીએ વિશ્વાસઘાતની લાગણી અનુભવી હતી અને પોલીસ ફરિયાદ આપી હતી.
મળી રહેલી માહિતી પ્રમાણે ગાંધીનગર નજીક આવેલી કરાઇ પોલીસ એકેડેમી ખાતે તાલિમ દરમિયાન બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. તાલિમ પૂરી થયા બાદ બંને અલગ અલગ જગ્યાએ ફરજ બજાવતા હતા. આ દરમિયાન પીએસઆઈએ પોતે અપરિણીત હોવાનું જણાવી મહિલા પોલીસ નજીક આવ્યો હતો અને અનેક વખત હદ વટાવી હતી.
આ મામલે સુરેન્દ્રનગર પોલીસે પુરાવા મેળવવા સહિતની તપાસ હાથ ધરી છે. આ કેસમાં પીએસઆઈને અન્ય કોઈ પોલીસકર્મીએ પણ મદદ કરી હોવાનું સામે આવી શકે છે. પોલીસ આ અંગે પણ તપાસ કરી રહી છે.