રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : સમગ્ર દેશમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી માટે થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રેમ કોને કહેવાય તે જોવા માટે ઝાલાવાડમાં પ્રેમના અનોખા પાળિયાને જોવો જરૂરી છે. વિદેશીને વઢવાણનો વતન પ્રેમ યાદ આવતા પત્નીએ પતિની યાદમાં પાળિયો બનાવ્યો છે. આ પાળિયો ત્યાગ અને બલિદાનની યાદ હંમેશા અપાવતો વઢવાણના પાદરે આજે પણ ઉભો છે.
ઝાલાવાડ શૌર્ય ત્યાગ અને બલિદાનની ભૂમિ છે. આથી સુરેન્દ્રનગર જિલ્લામાં શૂરવીરતાના વખાણના અનેક પાળિયા જોવા મળે છે. અનેક ધીંગાણામાં શહીદી વહોરનારના ગામના પાદરમાં પાળિયાઓ અવશ્ય દૃશ્યમાન થાય છે, ત્યારે વિદેશી પત્નીએ પતિના પ્રેમનો અનોખો પાળિયો વઢવાણ પંથકમાં ખોડ્યો છે.
જર્મની દેશના બીરગીટ બ્રીટિકોફ અને ગુસ્તાવ વીડમેન વચ્ચે પ્રેમના અંકુર ફૂ્ટ્યા હતા. આ દરમિયાન આ બંને પ્રેમીઓ ભારત દેશમાં ફરવા આવ્યા હતા ત્યારે વઢવાણમાં માધાવાવ, ગંગાવાવ, લાખુવાવ અને રામપરાની માત્રીવાવ જોઈને દંગ રહી ગયા હતા ત્યારે વઢવાણ લાખુપોળમાં રહેતા દિનેશભાઈ ઠાકર સાથે આત્મીયતા બંધાતા બીરગીટે તેમને ભાઈ બનાવ્યા હતા.
આ દરમિયાન ગુસ્તાવ વીડમેનને કેન્સર થતા તેઓ મૃત્યુ પામ્યા હતા. આથી પત્ની બીરગીટે પતિ ગુસ્તાવ વીડમેનની યાદમાં પાળિયો બનાવ્યો હતો. પાણી માટે બલિદાન આપનાર અને પ્રેમ માટે ન્યોછાવર કરનાર ઐતિહાસિક વાવોને તેમણે ધ્યાને રાખી આ પાળિયાને સ્થાપિત કર્યો હતો. આજે સમગ્ર દેશમાં વેલેન્ટાઈન ડેની ઉજવણીમાં યુવાનો વ્યસ્ત છે ત્યારે પતિ-પત્નીના પ્રેમનો પાળિયો વઢવાણના પાદરમાં અડીખમ ઉભો છે.
વિદેશી પત્નીએ કેન્સરગ્રસ્ત પતિની પાંચ વર્ષ સેવા કરી
જર્મનના બીરગીટ અને ગુસ્તાવ વચ્ચે અતૂટ પ્રેમ હતો. પરંતુ ગુસ્તાવને કેન્સર થયુ હતુ. આથી પત્ની બીરગીટે પાંચ વર્ષ કેન્સરગ્રસ્ત ૫તિની સેવા કરી હતી. પરંતુ ગુસ્તાવ મૃત્યુ પામતા પ્રેમિકા પત્નીએ પતિના વિરહમાં વઢવાણમાં આવી પાળિયો સ્થાપિત કર્યો છે, ત્યારે નારી સન્માન અને માન એ માત્ર ભારત પૂરતુ જ મર્યાદિત નથી. પરંતુ વિદેશમાં પણ પતિ-પત્નીનો પ્રેમ અમર હોવાનું સાબિત થયુ છે.
પત્ની પતિના પાળિયાના પ્રેમમાં વઢવાણ ખેંચી આવી
આ અંગે વઢવાણના બી. કે. ઠાકરે જણાવ્યુ કે, બીરગીટે મને ભાઈ બનાવ્યો હોવાથી અવારનવાર વઢવાણ આવતી હતી. પરંતુ પતિ મૃત્યુ પામતા તેની યાદમાં વઢવાણ પંથકમાં પાળિયો ખોડ્યો છે. આથી પત્ની પતિના પાળિયાના પ્રેમમાં દર વર્ષે વઢવાણ આવે છે અને વિદેશી સ્ત્રીમાં પણ પ્રેમ, ત્યાગ અને બલિદાનના ગુણો આજે પણ જોવા મળી રહ્યા છે, ત્યારે આ પાળિયાનો પ્રેમ પત્નીને વઢવાણ વારંવાર ખેંચી લાવે છે.