અક્ષયકુમાર જોષી,સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાની લીંબડી નગરપાલિકા (Limbdi Municipality)ના વોર્ડ નંબર 1 ના સદસ્ય અને પાલિકાની એસ્ટાબ્લીશમેન્ટ (મહેકમ) સમિતિના ચેરમેન વિરુદ્ધમાં લીંબડી પોલીસ (Limbadi Police) મથકે નોંધાયેલા જુગારમા કેસમાં પાસાની કાર્યવાહી કરાતા (Establishment Chairman Arrested) ચકચાર મચી ગઇ છે. લીંબડી પાલિકાના ભાજપના સદસ્ય દિલીપ ડણીયાની પાસામાં ધરપકડ કરી સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
ગુજરાતને દેશનુ વિકાસ મોડેલ ગણાવતી અને શિસ્તબધ્ધ પાર્ટી ગણાતી ભાજપના જ ચૂંટાયેલા આગેવાન ગુનાખોરીનો ઇતિહાસ ધરાવતા હોવાની ચોંકવાનારી વિગતો બહાર આવી છે. લીંબડી નગરપાલિકાના સદસ્યનું જુગારધામમાં તેમજ અન્ય જુગારના કેસમાં નામ ખુલતા લીંબડી પોલીસે પાસાની કાર્યવાહી કરતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. લીંબડી શહેરમાં વર્ષ 2021 દરમિયાન સ્ટેટ વિજીલન્સની ટીમે લીંબડી કંસારા બજારમાં દરોડો કરી મોટુ જુગારધામ ઝડપી પાડ્યું હતુ. જેમાં મોટી રકમો જુગાર ઝડપાતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયાં હતાં.
આ જુગારધામમાં લીંબડી નગરપાલિકાના વોર્ડ નંબર 1 ના ભાજપ સદસ્ય દિલીપ પ્રતાપભાઇ ડણીયાનું નામ ખલ્યુ હતુ. આ ઉપરાંત અન્ય પણ બે થી ત્રણ જુગારના કેસમાં દિલીપ ડણીયાનું નામ ખુલતા લીંબડી પોલીસ દ્વારા દિલીપ ડણીયા વિરૂધ્ધ પાસાની કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર સમક્ષ પાસા અંગેની દરખાસ્ત કરતા જિલ્લા કલેક્ટરે મંજૂરી આપતા જ લીંબડી પોલીસ દ્વારા પાસના વોરંટની બજવણી કરી દિલીપ ડણીયાની ધરપકડ કરી અમદાવાદ સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે લીંબડી નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્ય અને એસ્ટાબ્લીશમેન્ટ સમિતિન ચેરમનેની પાસમાં ધરપકડ થતાં ભાજપની છબી ખરડાઇ છે. જો કે આ મામલે ભાજપના આગેવાનોએ મૌન સેવી લીધું હતુ અને ફોન રિસિવ કરવાનુ પણ ટાળ્યુ હતુ. જ્યારે કોંગ્રેસના આગેવાનોએ પણ આવ ભાઇ હરખા આપણે બન્ને સરખા એ કહેવત અનુસાર કાંઇ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.