સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં ખાડામાં પટકાતા વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. આ બનાવ દસાડાના ધામા ગામમાં પ્રાથમિક સ્કૂલ પાસેનો છે. સ્કૂલ પાસે પાણીના સંપની કામગીરી ચાલતી હતી. જ્યારે સ્કૂલ પાસેના ખાડામાં પડતા ધોરણ 3ના વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. પરિવારજનોનો તંત્રની બેદરકારીનો આક્ષેપ છે. ખાડામાં પટકાતા કુલદીપ ધરમશીભાઈ ઠાકોર નામના વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે.
રાજકોટમાં ખાડામાં બાઈક લઈને પડેલા યુવકનું મોત
આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી હતી. રાજકોટના રૈયા રોડ પર બનેલી અકસ્માતની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. હર્ષ ઠક્કર બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે રોડની વચ્ચેવચ્ચ થઈ રહેલા કંસ્ટ્રક્શન કામ માટે ખોદવામાં આવેલા ખાડામાં પડ્યા બાદ ઘટના સ્થળ પર જ જીવ ગુમાવી દીધો હતો. આ ઘટના બાદ લોકોએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરશનની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. મામલો વધારે ચગ્યા બાદ ખાડાની ફરતે આડશ મૂકવામાં આવ્યા હતા, અને પોલીસના જવાનો પણ ઘટના સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા. ઘોડા છૂટી ગયા બાદ તબેલા તાળા મારવા જેવી હાલત થતા લોકોએ તંત્ર સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. શહેરમાં અન્ય સ્થળ પર ચાલતા બ્રિજના કંસ્ટ્રક્શન અને ત્યાં લેવામાં આવેલા તકેદારી અંગે પણ લોકોએ સવાલ ઉભા કર્યા છે.
રાજકોટમાં ખાડામાં પડવાથી યુવકનું મોત થવાની ઘટનામાં મૃતક હર્ષના પિતાએ પોલીસ ફરિયાદ કરી છે. તેમણે મહાનગર પાલિકાના જવાબદાર સ્ટાફ સામે કાર્યવાહી કરવા માટે ફરિયાદ કરી છે. પિતાએ ઘટનાના 15 મિનિટ પહેલા જ વાત કરી હતી અને આ ઘટના અંગે તેમણે તંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાને લઈને પિતાના તથા પરિવારના સભ્યોના આંસુ રોકાઈ રહ્યા નથી.