અક્ષય જોષી, સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં દિવસને દિવસે ગુનાખોરી વધી રહી છે, ત્યારે હવે એક ચોંકવનારી ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. રૂપિયા 15 હજારની ઉઘરાણી મામલે પ્રેમિકાએ ભાઇ સાથે મળી પ્રેમીનું કાસળ કાઢી નાંખી લાશ 60 કિલોમીટર દૂર કેનાલમાં ફેંકી દીધી હતી.
હત્યા કરી હરિદ્વાર ભાગી ગયા ભાઇ-બહેન
સુરેન્દ્રનગર જિલ્લાના દૂધરેજ ગામ નજીક પસાર થતી કેનાલમાંથી કોથળામાં બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ લાશનો ભેદ 10 દિવસ બાદ ઉકેલાયો હતો. જેમાં મૃતક યુવાન હળવદનો હોવાનું તેમજ રૂપિયા 15 હજારની ઉઘરાણી મામલે તેની પ્રેમિકા અને પ્રેમિકાના ભાઇએ જ હત્યા કરી દીધી હોવાની વિગતો બહાર આવતા પોલીસે હત્યારા ભાઇ-બહેનને હરિદ્વારથી ઝડપી લીધા છે.
હાથ પરથી થઇ મૃતકની ઓળખ
દૂધરેજ નર્મદા કેનાલમાંથી તારીખ 13 આેગષ્ટના રોજ કોથળામાં બાંધેલી હાલતમાં યુવાનની લાશ મળી આવી હતી. જે અંગે સુરેન્દ્રનગર સિટી અને ડિવિઝન પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. લાશની આેળખ મળે તેવા કોઇ પણ પુરાવા મળ્યા ન હતાં પરંતુ મૃતકના હાથ પર અંગ્રેજીમાં s ત્રોફાવેલુ હતું. તેમજ કોથળા પર હળવદ લખેલુ જોવા મળતા તેના આધારે પોલીસે તપાસ શરૂ કરતા મૃતક યુવાન હળવદનો સોમાભાઈ મેરૂભાઇ મકવાણા હોવાની વિગતો બહાર આવી હતી.
સોમાભાઇ જે જગ્યાએ મજૂરી કામ કરતો હતો, તેની સામે જ રહેતી લત્તા ધનજીભાઇ નામની મહિલા સાથે તેને આંખ મળી ગઇ હતી અને બન્ને વચ્ચે પ્રેમસંબંધ હતો. લત્તાના ભાઇ અશોક ગાંડાભાઇ સાથે મૃતકને રૂપિયા 15 હજાર જેવી રકમની લેતીદેતી બાબતે માથાકુટ થઇ હતી. જે રકમ મૃતક સોમાભાઇ સમયસર પરત ન કરતા ઉશ્કેરાયેલા અશોક અને તેની બહેન લત્તાએ લાકડાના ધોકા મારી સોમાભાઇની હત્યા કરી દીધી હતી અને પોલીસથી બચવા ત્યાર બાદ લાશને એક કોથળામાં બાંધી શટલ રિક્ષામાં હળવદથી 60 કિલોમીટર દૂર છેક સુરેન્દ્રનગરના દુધરેજ ગામ પાસે નર્મદા કેનાલમાં નાંખી બન્ને ભાઇ-બહેન ટ્રેનમાં બેસી હરિદ્વાર ભાગી ગયાં હતાં.
આવી રીતે મળ્યું લોકેશન?
લત્તા અગાઉ હરિદ્વારમાં છૂટક વસ્તુઓ વેચતી હોવાથી તે હરિદ્વારથી પરિચિત હતી અને પોલીસ હરિદ્વાર સુધી પહોંચી નહીં શકે તેમ માની લીધું હતું, પરંતુ ગુનેગારો કરતાં પોલીસ હંમેશા એક કદમ આગળ હોય છે. તેમ લત્તાાએ હળવદ તેના પાડોશીને ફોન કરતા પોલીસે લોકેશનના આધારે તેને હરિદ્વારમાં ગંગા નદીના કિનારે આવેલા ઝુંપડામાંથી બન્ને ભાઇ-બહેનને ઝડપી લઇ જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.