Home /News /surendranagar /સુરેન્દ્રનગરમાં માતા અને પ્રેમીએ મળીને બે વર્ષના દીકરાની હત્યા કરી, પ્રેમસંબંધમાં નડતરરૂપ હતો
સુરેન્દ્રનગરમાં માતા અને પ્રેમીએ મળીને બે વર્ષના દીકરાની હત્યા કરી, પ્રેમસંબંધમાં નડતરરૂપ હતો
બંને આરોપીની તસવીર
સુરેન્દ્રનગરમાં માતાએ પોતાના બે વર્ષના બાળકને પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને બનાવના બે દિવસ બાદ મૃતક બાળકના પિતાએ જ બી-ડિવિઝન પોલીસ મથકે હત્યા અંગેની ફરિયાદ નોંધાવતા બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ગુનાખોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે માતાની ગરિમાને લાંછન લગાનતી એક ઘટના બની હતી. જેમાં એક માતાએ પોતાના બે વર્ષના બાળકને પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને બનાવના બે દિવસ બાદ મૃતક બાળકના પિતાએ જ બી-ડિવિઝન પોલીસ મથકે હત્યા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યા નીપજાવનાર માતા અને પ્રેમીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માતા વારંવાર બાળકોને માર મારતી હતી
મૂળ સાવરકુંડલા અને હાલ વઢવાણમાં પ્રેમી સાથે રહેતી માતા હુસેનાબેન વાઘેરના લગ્ન આઠ વર્ષ પહેલાં સાવરકુંડલામાં સલીમભાઇ રફાઈ સાથે થયા હતા અને બંનેના લગ્નજીવન દરમિયાન બે સંતાન થયા હતા. તેમાં મોટો પુત્ર રેહાન હાલ 4 વર્ષ અને નાનો પુત્ર આર્યન 2 વર્ષના છે. ત્યારે અવારનવાર બન્ને પતિ અને પત્ની વચ્ચે ઘરકામ સહિતની બાબતો અંગે ઝઘડાઓ તેમજ બોલાચાલી થતી હતી. આથી છેલ્લા 3 વર્ષથી હુસેનાબેન બંને બાળકોને લઈને પિયર રાજકોટ રહેવા જતી રહી હતી. જ્યારે પતિ સલીમભાઇ પણ રાજકોટમાં સાસુની બાજુના મકાનમાં અલગ રહેતો હતો. જ્યારે છેલ્લા 6 મહિનાથી માતા હુસેનાબેન વારંવાર બંને બાળકોને માર મારતી હોવાથી પતિ કંટાળી વતન સાવરકુંડલા રહેવા આવી ગયો હતો.
છેલ્લા દોઢ-બે મહિનાથી માતા હુસેનાબેન પ્રેમી જાકિરભાઈ અને નાના પુત્ર આર્યન સાથે વઢવાણ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેવા લાગી હતી. જ્યારે પ્રેમી અને માતા બંને અવારનવાર પુત્ર આર્યનને મારમારતા હતા અને પુત્ર રડતો હોય કે જીદ કરે તો બંને પ્રેમીઓને ખટકતો હતો અને પ્રેમ પ્રકરણમાં પુત્ર આર્યન નડતરરૂપ બની ગયો હતો. આથી ગત તારીખ 8 માર્ચે માતા હુસેનાબેન અને પ્રેમી જાકિરભાઈએ પુત્ર આર્યનને રોષે ભરાઈ કોઈ બોથડ પદાર્થ વડે મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને બાળકને સારવાર માટે રાજકોટ લઈ જતા રસ્તામાં જ મોત નિપજ્યું હતું. આથી પુત્રની અંતિમવિધિ માટે પિતા સલીમભાઇને જાણ કરતા તેઓ આવી પહોંચ્યા હતા અને મૃત બાળકને જોતા શરીર, પીઠ, પેટ અને પીઠના ભાગે લાલ તથા કાળા કલરના ડાઘના નિશાન જોવા મળતા ડોકટરને જાણ કરી હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો
ત્યારબાદ પુત્રના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવતા રિપોર્ટમાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને આર્યનનું મોત માર મારવાથી થયું હોવાનું ખુલ્યું હતું. આથી પુત્રની હત્યા અંગે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ પુત્રની હત્યા નીપજાવનાર માતા હુસેનાબેન વાઘેર અને પ્રેમી જાકીરભાઇ ફકીરને ઝડપી પાડ્યા હતા. જ્યારે બંનેએ હત્યાની કબૂલાત કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.