રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર: ચોટીલા વિધાનસભા સીટ પરથી પૂર્વ ધારાસભ્ય શામજી ચૌહાણે કોંગ્રેસથી નારાજ છે. કોંગ્રેસ તરફથી લોકસભાની ચૂંટણી માટે ટિકિટ આપવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ ટિકિટ ન મળતાં શામજી ચૌહાણ કોંગ્રેસથી નારાજ છે. તેમણે સંમેલન યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. સાથે જ તેમણે કહ્યું છે કે, હું કોંગ્રેસમાં જોડાયો હતો, પણ મારી પાસે કોંગ્રેસનું કાયદેસરનું સભ્ય પદ નથી.
શામજી ચૌહાણે કહ્યું કે, ત્રણ ચાર મહિના પહેલાં હું કોંગ્રેસમાં જોડાયો હતો. તે સમયે અમિત ચાવડાએ મને સુરેન્દ્રનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડાવવાની ખાતરી આપી હતી. ત્રણ ચાર દિવસ પહેલા મને સમાચાર મળ્યા હતા કે, લોકસભાની ચૂંટણી ઋત્વિકભાઇને લડાવવાના છે. મેં ઋત્વિકભાઇને ખૂબ મદદ કરીને 24 હજાર મતથી વિધાનસભાની ચૂંટણી જીતાડેલી. કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને કોંગ્રેસ પાર્ટીએ મારી સાથે દગો કર્યો છે. જેથી મેં કોંગ્રેસ છોડી છે.
હું કોંગ્રેસના સભ્ય તરીકે કામ કરતો હતો. પરંતુ પ્રદેશ સ્તરે કોંગ્રેસમાં અનેક જૂથો છે. તેનો હું ભોગ બન્યો છું. કોંગ્રેસમાં સંગઠનનો અભાવ છે. તેની સાથે કામ ન કરી શકાય. કોંગ્રેસ પાર્ટીએ મને લોકસભાની ટિકિટનું વચન આપ્યું હતું. તેણે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે.
શામજી ચૌહાણના આક્ષેપો સામે ઋત્વિક મકવાણાએ કહ્યું કે, લોકસભાની ચૂંટણી માટે ટિકિટની ફાળવણી દિલ્હીથી થતી હોય છે. એના વિશે હું કંઇ કહી ન શકું. પાર્ટી હંમેશા જીતી શકે તેવા ઉમેદવાર વિશે વિચારતી હોય છે. કોઇપણ પાર્ટી વ્યક્તિગત મહેચ્છા ન સંતોષી શકે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012માં ભાજપમાંથી શામજી ચૌહાણ ચોટીલા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા. ત્યાર બાદ 2017માં તેમને ભાજપમાંથી વિધાનસભાની ટિકિટ મળી નહોતી. જે બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. હવે કોંગ્રેસમાંથી લોકસભાની ટિકિટ ન મળતાં તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે.