હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gujarat Local Body Election) માટે પ્રચાર પ્રસાર શરૂ છે. ત્યારે રાજકોટ (Rajkot) જિલ્લામાં દારૃની રેલમછેલ ન થાય તે માટે જિલ્લા પોલીસ વડા બલરામ મેળા દ્વારા અગાઉથી જ ક્રાઈમ બ્રાન્ચ (crime branch) તેમજ એસ.ઓ.જી એની સાથોસાથ જુદા જુદા પોલીસ સ્ટેશનના થાણાના અમલદારો ને સુચના આપી હતી. જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ એસ.ઓ.જી તેમજ જુદા જુદા પોલીસ સ્ટેશનની ટીમ કાર્યરત છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સોમ પીપળીયા ગામેથી ડુપ્લીકેટ ઇંગલિશ દારૂ (Duplicate english liquor) બનાવવાની મિનિ ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. જે અંતર્ગત ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તો સાથે જ નવ લાખથી પણ વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીના પીઆઇ અજય સિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સોમ પીપળીયા ગામે ઇંગલિશ દારૂ બનાવવાની ની ફેક્ટરી ચાલે છે. જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે સોમ પીપળીયા ગામે દિનેશભાઈ કુકાભાઈ ડાભીના રહેણાંક મકાનમાં રેડ કરતા ઈંગ્લીશ દારૂની ફેક્ટરી ચલાવતા ચાર વ્યક્તિઓ ઝડપાઈ ગયા છે.
પોલીસે રેડ દરમિયાન ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની સાધનસામગ્રી, તૈયાર વિદેશી દારૂની નાની નાની બોટલો, બેરલ તેમજ કેરબામાં રહેલ વિદેશી દાર, swift કાર અને મોબાઈલ ફોન કબજે કરી કુલ 9,34,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
અજય સિંહ ગોહિલે આરોપીની મોડસ ઓપરેન્ડી વિશે જણાવ્યું છે કે, હસમુખભાઈ ઉર્ફે હસો ઉર્ફે કુંભાર ઉર્ફે ભગત પોતાના મળતિયાઓ સાથે મળીને ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાનો કલર, સીલ કરવા માટેના મશીન, ખાલી બોટલો તથા બોટલ પર ઢાંકણા તથા શીલ તેમજ બોટલ પર લગાવવાના સ્ટીકર વગેરે જેવો કાચોમાલ બહારના રાજ્યમાંથી મંગાવી અહીં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવીને વેચતો હતો.
આરોપી હસમુખ ઉર્ફે હસો ઉર્ફે ભગત વિરુદ્ધ ભૂતકાળમાં ચાર જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે. જ્યારે કે પંકજ માંજી પાટીદાર વિરુદ્ધ રાજસ્થાન રાજ્યમાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાનો કેસ થયેલો છે.