Home /News /surendranagar /આજે પાટીદારોની મહાપંચાયત: ગીતા પટેલે કહ્યું, હાર્દિક સમાજનો ચહેરો છે અને રહેશે

આજે પાટીદારોની મહાપંચાયત: ગીતા પટેલે કહ્યું, હાર્દિક સમાજનો ચહેરો છે અને રહેશે

હાર્દિક પટેલની આગેવાનીમાં આજે સુરેન્દ્રનગરમાં પાટીદારોની મહાપંચાયત કાર્યક્રમ યોજાયો છે.  આ મહાપંચાયતના કાર્યક્રમમાં કોંગ્રેસ અને ભાજપના તમામ પાટીદાર નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ સભામાં જોડાવાની જાહેરાત કરી છે.

હાલ તો હાર્દિક મહાપંચાયત કાર્યક્રમને લઈને સભાસ્થળ પર પહોંચી ગયો છે. જ્યાં તેને ગામના લોકો સાથે સંવાદ કર્યો હતો.

પૂર્વ પાસ કન્વીનર દિનેશ બાંભણીયાનો હાર્દિક પર આક્ષેપ
મહાપંચાયત કાર્યક્રમને લઈને પૂર્વ પાસ કન્વીનર દિનેશ બાંભણીયાએ હાર્દિક પર આક્ષેપ કર્યાં છે. આ સાથે જ પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓ તેમજ SPGને આમંત્રણ ન અપાતા નારાજગી વ્યક્ત કરી છે. દિનેશ બાંભણીયાનો આક્ષેપ છે કે હાર્દિક પોતાના ફોટા સાથેના બેનરો લગાવીને પોતાનો પ્રચાર કરી રહ્યાં છે.બાંભણીયાએ કહ્યું કે તમારી અહંકારી જૂની પદ્ધતિ પ્રમાણે કામ કરી સમાજને નાનો કરવાનો આ પ્રયાસ છે, સમાજથી મોટુ કોઈ નથી એ વાત હાર્દિક પટેલ ભૂલે નહીં, રાજકીય કાર્યક્રમો કરવા કરતા સમાજના હિતના કાર્યક્રમો કરવા જોઈએ. આ સાથે જ કહ્યું કે રાજકીય મહત્વકાંક્ષા બાજુએ મૂકીને સમાજના હિતની વાત કરશો તો અમે પણ તમારી સાથે હોઇશું.

બાંભાણીયાના આક્ષેપનો ગીતા પટેલે આપ્યો જવાબ
દિનેશ બાંભાણીયાએ પાટીદાર મહાપંચાયતને લઈ હાર્દિક પટેલ પર આક્ષેપ કર્યા હતા તેને લઈ ગીતા પટેલે બાંભાણીયાને વળતો જવાબ આપ્યો છે. ગીતા પટેલે જવાબ આપતા કહ્યું કે, આ સમાજની મહાપંચાયત છે, અને હાર્દિક પટેલ સમાજનો ચહેરો છે અને રહેશે. ગીતા પટેલે બાંભામીયાના આક્ષેપોને ફગાવતા કહ્યું કે, આ કાર્યક્રમમાં પાસ, એસપીજી અને તમામ રાજકીય પાર્ટીને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ મહાપંચાયતમાં લલિત વસોયા, કિરીટ પટેલ, આશાબેન પટેલ, વિરજી ઠુમ્મર, લલિત કગથરા, બ્રિજેશ મેરજા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ હાજર રહેશે.

ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ પોતાનું નિવેદન આપતા કહ્યું છે કે, 'અમે લોકો હાર્દિકની સાથે છીએ. અમે આજની સભામાં સમાજને ન્યાય મળે તે હેતુથી જોડાઈશું અને ભાજપ આવા કાર્યક્રમ કરશે તો તેમાં પણ અમે જોડાશું.'

મહત્વનું છે કે આ મહાપંચાયતનો કાર્યક્રમ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના મોટી માલવણ ગામે સાંજે યોજાશે. આ પાટીદાર ન્યાય માટે મહાપંચાયતમાં ભાગ લેવા મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાંથી 2500થી વધુ પાટીદારો જનાર હોવાનું પાસના સુત્રોએ જણાવ્યું હતું.

ભાજપ-કોંગ્રેસના પાટીદાર નેતાઓને આમંત્રણ
આગામી 26મી તારીખે યોજાનારા મહા પંચાયત કાર્યક્રમને લઈને હાર્દિક પટેલે એક પત્ર લખ્યો હતો.  જીતુ વાઘાણી અને પરેશ ધાનાણીને આમંત્રણ આપતો એક પત્ર લખ્યો હતો. આ સાથે જ હાર્દિક પટેલે ડે.સીએમ નીતિન પટેલને પણ આમંત્રણ આપ્યું છે.

મહત્વનું છે કે આજે ધાંગધ્રામાં મહા પંચાયત કાર્યક્રમ યોજાનાર છે. જેને લઈને હાર્દિક પટેલે ભાજપ અને કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોને પત્ર લખ્યો હતો. જેમાં તેને આ કાર્યક્રમમાં આવવા માટે આમંત્રણ પાઠ્યું હતું. ઉલ્લેખનિય છે કે આ કાર્યક્રમ પાટીદારોનો હોવાથી હાર્દિક પટેલે ભાજપ અને કોંગ્રેસને પાટીદાર નેતાઓને જ આમંત્રણ આપ્યું છે. અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે કહ્યું છે.


First published:

Tags: Lalit vasoya, PATEL, પાટીદાર, હાર્દિક પટેલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો