Home /News /surendranagar /કોંગ્રેસના ધારાસભ્ય સમાજની વાત નહીં કરે તો એમના પણ ઝભ્ભા ફાટશે: હાર્દિક

કોંગ્રેસના ધારાસભ્ય સમાજની વાત નહીં કરે તો એમના પણ ઝભ્ભા ફાટશે: હાર્દિક

પાસ કન્વીનર હાર્દિક પટેલે હવે આ વખતે વિપક્ષના નેતા પરેશ ધાનાણી પર નિશાન સાધ્યું છે. સુરેન્દ્રનગરના મોટી માલવણ ખાતે યોજાયેલી પાટીદાર મહાપંચાયતમાં હાર્દિક પટેલે કહ્યું કે પરેશ ધાનાણીએ અહીં મંચ પર આવવું જોઇએ. હાર્દિક પટેલે કહ્યું કે સમાજની વાત કરશે એને માન મળશે નહી તો એમના ઝભ્ભા પણ ફાટશે. મહાપંચાયતમાં કોંગ્રેસના 12 જેટલા પાટીદાર ધારાસભ્યો હાજર રહ્યા હતા. જેને લઇને હાર્દિક પટેલે ખુશી વ્યક્ત કરી હતી. બીજીતરફ અલ્પેશ કથીરિયાએ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવાય તેવી માગ કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો સમક્ષ કરી હતી.

હાર્દિક પટેલે શું કહ્યું?
હાર્દિક પટેલે કહ્યું કે, આ કાર્યક્રમ સમાજની મહાપંચાયતમાં ધારાસભ્યોના સમર્થન માટેનો હતો, જેમાં કોંગ્રેસના 12 ધારાસભ્યો હાજર રહ્યા તેનો આનંદ છે, પરંતુ જે હાજર નથી રહ્યા તેમણે પણ આ મંચ પર આવવાની જરૂર હતી. હાર્દિકે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, જે પાટીદાર ધારાસભ્યોને સમાજે મત આપી ભાજપમાં જીતાડ્યા છે, તેમાંથી એક પણ હાજર ન રહ્યો કારણ કે તેમને ખબર હતી કે અહીં તેમણે સમાજના રોષનો ભોગ બનવું પડશે. હાર્દિકે અનામત મુદ્દે કહ્યું કે, હું કોઈ નેતા નથી, હું તો માત્ર પાટીદાર સમાજના હીત માટે લડી રહ્યો છું. તેમની રોજગારી માટે લડી રહ્યો છું.

હાર્દિકે કહ્યું કે, હું કોઈ પક્ષનો વિરોધી નથી, મારી લડાઈ માત્ર પાટીદાર સમાજને ન્યાય અપાવવાની છે. પાટીદાર સમાજને ઘઉં, ચોખા, કેરોસીન લેવા માટે અનામત નથી જોઈતી અમારે તો માત્ર નોકરી અને શિક્ષણમાં અનામત જોઈએ છે. જેથી અમારા સમાજ દીકરા-દીકરી સારા માર્ક્સ લાવ્યા પછી પણ સારા શિક્ષણ માટે કે સરકારી નોકરી માટે વલખા ન મારે. મારે સમાજનો સાથ અને સહકાર જોઈએ છે.

હાર્દિકે દિનેશ બંભાણીયાનું નામ લીધા વગર તેમના પર નિશાન સાધતા કહ્યું કે, આ એક આંદોલન છે, જે હક નહીં મળે ત્યાં સુધી બંધ નહી થાય. કેટલાએ લોકો ખોટી વાતો કરી સમાજને ભરમાયા કરે છે, આંદોલન નથી કરવા દેતા, સમાજને તોડવાનું કામ કરે છે. જે લોકો આંદોલનની સાથે હતા તેમને હું ખુલ્લી ઓફર કરૂ છું છું કે, પાછા આવે, મનમાં કઈંક હોય તો એક રૂમમાં બેસીને વાત કરીએ અને સમાધાન લાવીએ. હું સમાજના હક માટેની લડાઈ લડી રહ્યો છું, આમાં મારો કોઈ અંગત સ્વાર્થ નથી.

હાર્દિક પટેલે આડકતરી રીતે કોંગ્રેસને સમર્થન આપવાની પણ વાત કરતા કહ્યું કે, પાટીદાર પંચાયતમાં જે ધારાસભ્યો આવ્યા તેમને સાથ આપો, તે આપણો અવાજ બની વિધાનસભામાં આપણા હક માટે ચર્ચા કરશે.

અલ્પેશ કથીરિયા ની કોંગ્રેસના ધારાસભ્યો સમક્ષ માંગણી
1. આવનારા દિવસમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પાટીદાર આંદોલન મામલે વિધાનસભા નું વિશેષ સત્ર બોલવાની માંગ કરે
2. જો સરકાર ન માને તો નોર્મલ સત્રમાં કોઈ એક દિવસ ફક્ત પાટીદાર આંદોલન સંબંધી પ્રશ્નો જ પૂછવાના.

મહાપંચાયતમાં કોંગ્રેસના કયા નેતા હાજર રહ્યા
પાટીદાર ન્યાય પંચાયતમાં કોંગ્રેસના 12 ધારાસભ્યો હાજર રહ્યા હતા જેમાં, ટંકારા ધારાસભ્ય લલિત કગથરા, જામજોધપુર ધારાસભ્ય ચિરાગ કાલરીયા, ઉંઝાના ધારાસભ્ય આશા પટેલ, વિસાવદર ધારાસભ્ય હર્ષદ રીબડીયા, કરજણ ધારાસભ્ય અક્ષર પટેલ, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરષોત્તમ સાબરીયા, ધારાસભ્ય લલિત વસોયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા , લાઠીના ધારાસભ્ય જેવી કાકડિયા અને ધારાસભ્ય વિરજી ઠુમ્મર હાજર રહ્યા હતા.

પૂર્વ પાસ કન્વીનર દિનેશ બાંભણીયાએ હાર્દિક પર શું આક્ષેપ કર્યો હતો
મહાપંચાયત કાર્યક્રમને લઈને પૂર્વ પાસ કન્વીનર દિનેશ બાંભણીયાએ હાર્દિક પર આક્ષેપ કર્યો હતો. આ સાથે જ પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓ તેમજ SPGને આમંત્રણ ન અપાતા નારાજગી વ્યક્ત કરી હતી. દિનેશ બાંભણીયાનો આક્ષેપ છે કે, હાર્દિક પોતાના ફોટા સાથેના બેનરો લગાવીને પોતાનો પ્રચાર કરી રહ્યાં છે. બાંભણીયાએ કહ્યું કે, તમારી અહંકારી જૂની પદ્ધતિ પ્રમાણે કામ કરી સમાજને નાનો કરવાનો આ પ્રયાસ છે, સમાજથી મોટુ કોઈ નથી એ વાત હાર્દિક પટેલ ભૂલે નહીં, રાજકીય કાર્યક્રમો કરવા કરતા સમાજના હિતના કાર્યક્રમો કરવા જોઈએ. આ સાથે જ કહ્યું કે રાજકીય મહત્વકાંક્ષા બાજુએ મૂકીને સમાજના હિતની વાત કરશો તો અમે પણ તમારી સાથે હોઇશું.

બાંભાણીયાના આક્ષેપનો ગીતા પટેલે આપ્યો જવાબ
દિનેશ બાંભાણીયાએ પાટીદાર મહાપંચાયતને લઈ હાર્દિક પટેલ પર આક્ષેપ કર્યા હતા તેને લઈ ગીતા પટેલે બાંભાણીયાને વળતો જવાબ આપ્યો છે. ગીતા પટેલે જવાબ આપતા કહ્યું કે, આ સમાજની મહાપંચાયત છે, અને હાર્દિક પટેલ સમાજનો ચહેરો છે અને રહેશે. ગીતા પટેલે બાંભાણીયાએ આક્ષેપોને ફગાવતા કહ્યું કે, આ કાર્યક્રમમાં પાસ, એસપીજી અને તમામ રાજકીય પાર્ટીને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ પોતાનું નિવેદન આપતા કહ્યું છે કે, 'અમે લોકો હાર્દિકની સાથે છીએ. અમે આજની સભામાં સમાજને ન્યાય મળે તે હેતુથી જોડાયા છીએ અને ભાજપ આવા કાર્યક્રમ કરશે તો તેમાં પણ અમે જોડાશું.

ઉલ્લેખનીય છે કે, આ મહાપંચાયતનો કાર્યક્રમ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના મોટી માલવણ ગામે યોજવામાં આવ્યો. આ પાટીદાર ન્યાય માટે મહાપંચાયતમાં ભાગ લેવા મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા.

ભાજપ-કોંગ્રેસના પાટીદાર નેતાઓને આમંત્રણ
આજના મહા પંચાયત કાર્યક્રમને લઈને હાર્દિક પટેલે એક પત્ર લખ્યો હતો. જીતુ વાઘાણી અને પરેશ ધાનાણીને આમંત્રણ આપતો એક પત્ર લખ્યો હતો. આ સાથે જ હાર્દિક પટેલે ડે.સીએમ નીતિન પટેલને પણ આમંત્રણ આપ્યું હતું. પરંતુ ભાજપના કોઈ ધારાસભ્ય આ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા ન હતા, જ્યારે કોંગ્રેસના 12 ધારાસભ્યો હાજર રહ્યા હતા.
First published:

Tags: Surendranagar, હાર્દિક પટેલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો