પાટડી: વિક્રમ સંવત બેસતાં વર્ષને અલગ-અલગ પરંપરા મુજબ આવકારવામાં આવતું હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વડગામ ગામમાં બેસતા વર્ષે ગાય માતા દોડાવવાની પરંપરા છે. પાટડી તાલુકાના વડગામમાં ગ્રામજનો નવા વર્ષને અનોખી રીતે આવકારે છે. જ્યાં ગામના ગોપાલકો આગળ દોડે છે અને પાછળ ગયો દોડે છે. ગાયો દોડ્યા બાદ ગ્રામજનો રજ માથા પર ચઢાવી ધન્યતા અનુભવે છે. જે જોવામાં ફ્રાન્સની બુલ રેસથી ઓછું નથી હોતું. ગ્રામજનોની આ પરંપરા વર્ષો જૂની છે. ગામના વતનીઓ ક્યાંય પણ રહેતા હોય બેસતા વર્ષની આ પરંપરામાં હાજરી આપવાનું ભૂલતા નથી.
દાહોદમાં નવા વર્ષની અનોખી ઉજવણી
આવી જ રીતે દાહોદ જિલ્લામાં નવા વર્ષની ઉજવણી અનોખી રીતે થાય છે. દર વર્ષે દાહોદમાં નવા વર્ષે ગાય ગોહરીની ઉજવણી થાય છે. જેમાં દોડતી ગાયોની નીચે સૂઈને લોકો પોતાની માનતા પૂરી કરે છે. આ ઉજવણીમાં માન્યતા છે કે, દોડતી કે ચાલતી ગાય નીચે સુઈને માનતા કરવાથી પૂર્ણ થાય છે. દાહોદમાં નવા વર્ષે ગાય ગોહરીની ઉજવણી થાય છે, ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે, આ રીતે ગાય નીચે સુવાથી કોઈ ઈજાઓ પણ થતી નથી. સ્થાનિકોનું કહેવું છે કે, વર્ષ દરમિયાન ગૌવંશને જાણે અજાણ્યે કોઈ નુકસાન પહોંચાડ્યું હોય અને પોતાની માનતા પૂર્ણ કરવા આ ઉજવણી કરાય છે. ઉજવણીમાં ગાય ગોહરી પડનાર લોકો હીડ ગીત ગાઈને ગાયોને ભગાડે છે. જેમાં લીમડીના રાજવી પરિવાર ઉજવણીમાં ખાસ હાજરી આપે છે.
બીજી બાજુ, વલસાડમાં નવા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. તિથલના દરિયા કિનારે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણને ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો. ભગવાનને 2 હજારથી વધુ વાનગીઓનો ભોગ ધરવામાં આવ્યો છે. જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી છે. નાણામંત્રી કનુ દેસાઈ સહિત રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભક્તોએ ગોવર્ધન પૂજા કરી હતી. સાથે ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાધુ સંતોએ ભક્તોને નવા વર્ષના આશીર્વાદ આપી શુભેચ્છાઓ પાઠવી છે. કનુ દેસાઈએ પણ સ્વામિનારાયણ સંપ્રદાયની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી અને નવા વર્ષની તમામને શુભેચ્છા પાઠવી હતી.