Surendranagar news: દફન કરેલી મૃત બાળકીના મૃતદેહને થાન હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા બાદ તેની તપાસ કરવામાં આવી હતી. જે બાદ ડોક્ટરોએ જણાવ્યુ હતુ કે, બાળકી સાથે દુષ્કર્મ થયું છે.
સુરેન્દ્રનગર: આજે કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરમાં એક પરિવાર આક્ષેપ કરી રહ્યા છે કે, દોઢ વર્ષની તેમની દફનાવેલી બાળકી પર દુષ્કર્મ કરવામાં આવ્યો છે. બાળકીનો મૃતદેહ અસ્ત વ્યસ્ત હાલતમાં મળી આવતા પરિવારજનોએ પોલીસ અને સરકારી દવાખાનાને જાણ કરી હતી. જોકે, આ સમાચાર વાયુવેગે પ્રસરતા આખા પંથકમાં ભારે ચકચાર મચી ગઇ છે. પરિવારજનોએ મૃત બાળકી સાથે દુષ્કર્મ આચરનાર શખ્શોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગરમાં કહેતા પરિવારે આક્ષેપ કરતા જણાવ્યુ છે કે, 25મી ફેબ્રુઆરીના દિવસે તેમની દોઢ વર્ષની બાળકીનું મોત થયું હતુ. આ બાળકીને જન્મથી જ હૃદયમાં કાણું હોવાની બીમારી હતી. જેની સારવારમાં તેનું મોત નીપજ્યુ હતુ. જેથી પરિવારે આ માસૂમના મૃતદેહની દફનવિધી કરી હતી.
દફનવિધી બાદ બાળકીનો મૃતદેહ અસ્ત વ્યસ્ત હાલતમાં મળી આવ્યો હતો જેથી પરિવારજનો ઘણાં જ આહત થયા હતા. જેથી તેમણે તાત્કાલિક પોલીસ અને થાન સરકારી હોસ્પિટલને જાણ કરી હતી.
જોકે, દફન કરેલી મૃત બાળકીના મૃતદેહને થાન હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા બાદ તેની તપાસ કરવામાં આવી હતી. જે બાદ ડોક્ટરોએ જણાવ્યુ હતુ કે, બાળકી સાથે દુષ્કર્મ થયું છે. મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે હાલ રાજકોટ મોકલવામાં આવ્યો છે.
રાજ્યમાં બાળકીઓ પર દુષ્કર્મના વધતા કિસ્સા ચિંતા જગાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા દુષ્કર્મ અને હત્યા કેસમાં સુરત કોર્ટનું વધુ એક કડક વલણ સામે આવ્યું હતુ. કોર્ટે દુષ્કર્મ અને હત્યા કેસમાં વધુ એક નરાધમને ફાંસીની સજા ફટકારી તેમજ ભોગ બનનાર પરિવારને 23.50 લાખનું વળતર ચૂકવવા આદેશ આપ્યો છે. સુરત કોર્ટે મુકેશ પંચાલ નામના આરોપીને ફાંસી સજા આપી છે. આરોપી પર 302, 376 સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરાઈ છે. નરાધમે ચોકબજાર વિસ્તારમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ દુષ્કર્મ બાદ બાળકીની હત્યા પણ કરી નાંખી હતી. આરોપી મુકેશ પંચાલને કોર્ટે દોષી જાહેર કર્યો હતો જે બાદ તેને ફાંસી સજા આપી છે તેમજ ભોગ બનનાર પરિવારને 23.50 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ આપ્યો છે.