Home /News /surendranagar /સુરેન્દ્રનગર: સાંજના સમયે આકાશમાં જોવા મળ્યો અનોખો નજારો, લોકોમાં કુતૂહલ
સુરેન્દ્રનગર: સાંજના સમયે આકાશમાં જોવા મળ્યો અનોખો નજારો, લોકોમાં કુતૂહલ
આકાશમાં જોવા મળ્યો અનોખો નજારો
UFO spotted in Surendrangar: સુરેન્દ્રનગર જિલ્લાના અમુક વિસ્તારોમાં આકાશમાં જોવા મળી ચમકી વસ્તુઓ. આકાશમાં જોવા મળેલી વસ્તુ શું છે તેને લઈને જાગી ચર્ચા.
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં મોડી સાંજના આકાશમાં અનોખો નજારો જોવા મળ્યો હતો. આકાશમાં કોઈ ચમકતી વસ્તુઓ એક લાઈનમાં આગળ વધી રહી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. મળતી માહિતી પ્રમાણે આકાશમાં કાળા-ડીબાંગ વાદળો વચ્ચે લાઇનસર પ્રકાશ ફેંકતી કોઇ વસ્તુઓ જોવા મળી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, સાયલા અને ચોટીલા પંથકમાં આ અવકાશી નજારો જોવા મળ્યો હતો. આકાશમાં જોવા મળેલી વસ્તુ શું છે તેને લઈને લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. સાંજથી જ આ મુદ્દે સમગ્ર જિલ્લામાં ચર્ચા શરૂ થઈ હતી.
તંત્ર તરફથી કોઈ ખુલાસો નહીં
આકાશમાં જોવા મળેલી પ્રકાશિત વસ્તુઓ અંગે તંત્ર તરફથી હજુ સુધી કોઈ ખુલાસો કે જાહેરાત કરવામાં આવ્યો નથી. લોકોના જણાવ્યા પ્રમાણે એક સાથે 10-15 જેટલા ડ્રોન આકાશમાં ઉડતા હોય તેવો નજારો જોવા મળ્યો હતો. બીજી તરફ આ બનાવને પગલે કુતૂહલની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ડર પણ જોવા મળ્યો હતો. સરકાર તરફથી કોઈ સર્વે કરવામાં આવી રહ્યો છે તેવી પણ અફવાએ જોર પકડ્યું છે. આ નજારો ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજના સાત વાગ્યા બાદ જોવા મળ્યો હતો.
આણંદ, ખેડા, મોરબી પંથકમાં જોવા મળ્યા હતા ડ્રોન
ઉલ્લેખનીય છે કે આ પહેલા મધ્ય ગુજરાતના ખેડા અને આણંદના વિસ્તારોમાં પણ રાત્રીના સમયે ડ્રોન ઉડી રહ્યા હોય તેવી વાતો સામે આવી હતી. આ બનાવ બાદ લોકોમાં ડર ફેલાયો હતો. જોકે, આ જ દિવસ સુધી ડ્રોન કોણ અને શા માટે ઉડાડી રહ્યું હતું તેનો ખુલાસો થયો નથી. ખેડા-આણંદ પહેલા મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રાત્રીના સમયે ડ્રોન ઉડતા હોય તેવી અફવાઓએ જોર પકડ્યું હતું. શરૂઆતમાં એવી અફવાઓ ફેલાઈ હતી કે ડ્રોનની મદદથી રેકી કરીને ચોરી કરવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં અમુક તત્વો તરફથી ડ્રોન ઉડાવવામાં આવી રહ્યા હતા. જોકે, આ મામલે કોઈ ખુલાસો થયો નથી.