અક્ષય જોષી, જોરાવરનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે. જિલ્લામાં ગુનાખોરીના બનાવો વધી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં દંપતી પર જીવલેણ હુમલાના બનાવમાં પત્નીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે, જ્યારે પતિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જે અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
જોરાવરનગર રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા અને ઘરે ઈસ્ત્રી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હર્ષિલભાઈ પરમાર અને જ્યોતિબેન પરમાર રાબેતા મુજબ બપોરના સમયે ઈસ્ત્રી કરી રહ્યા હતા, ત્યારે ઘરમાં ભાડુઆત તરીકે રહેતા અનિલ વાણંદ નામનો યુવક હાથમાં તીક્ષ્ણ હથિયાર વડે આવી પહોંચ્યો હતો અને મકાન ખાલી કરાવવા બાબતે બોલાચાલી કરી હતી. જેમાં મામલો ઉગ્ર બનતા અનિલે પોતાની પાસે રહેલી છરી વડે દંપતી પર હુમલો કરતા પતિ અને પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પત્ની જ્યોતિબેનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે પતિને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.