અક્ષય જોષી, સુરેન્દ્રનગર: નગવાડામાં સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાયેલા પતિએ લાકડાના ધોકાના ઘા મારી ભરબજારમાં પત્ની (Husband Killed Wife)નું ઢીમ ઢાળી દીધાની ઘટના સામ આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા (Surendranagar)ના પાટડી તાલુકાના નગવાડા ગામે પતિએ પત્નીને ઝઘડતા બાળકોને શાંત કરવાનુ કહેતા પતિ-પત્ની વચ્ચે બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા પતિએ પત્નીને માર મારતા પત્નીએ પતિના મારથી બચવા બજારમાં દોટ મુકી હતી. પરંતુ આવેશમાં આવેલા પતિએ પત્નીની પાછળ દોડી જઇ બજાર વચ્ચે જ પત્નીને લાકડાના ઘા મારી મોતને (Murder) ઘાટ ઉતારી દેતા નાનકડા એવા ગામમાં ચકચાર મચી ગઇ છે.
ક્ષણિક આવેશ અને ઉગ્રતાના ગંભીર પરિણામો આવતા હોય છે ત્યારે આવો જ એક બનાવ સુરેન્દ્રનગર જિલ્લાના નગવાડા ગામમાં બન્યો છે. નગવાડા ગામમાં રહેતા પ્રવિણભાઇ તળશીભાઇ મકવાણા છુટક મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પ્રવિણભાઇ કામ પરથી ઘરે પરત ફર્યા ત્યારે તેમના બે સંતાનો ઝઘડતા હતા ત્યારે તેમને તેમની પત્ની મીનાબેનને બાળકોને શાંત કરાવવાનું કહેતા પતિ-પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી.
પંરતુ થોડી જ વારમાં આ સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતુ. અને ઉશ્કેરાયેલા પ્રવિણભાઇએ તેમની પત્ની મીનાબેનને માર મારવાનુ શરૂ કરી દેતા મીનાબેને પતિના મારથી જીવ બચાવવા ઘરની બહાર બજારમાં ગડગડતી દોટ મુકાવી હતી પરંતુ મીનાબેનને ક્યાં ખબર હતી કે તેમની જીવ બચાવવા માટેની આ દોડ તેમની જીંદગીની આખરી દોડ બની મોત તરફ લઇ જઇ રહી છે. કારણ કે આવેશમાં આવેલા પતિ પ્રવિણભાઇ મીનાબેનને મારવા તેમની પાછળ દોડી રહ્યાં હતા તે દરમિયાન રસ્તામાં ખાટલાનો લાકડાનો પાયો હાથમાં આવી જતાં પ્રવિણભાઇએે તે લાકડાનો ધોકો હાથમાં ઉઠાવી મીનાબેનને ફટકારવા માંડ્યો હતો.
મીનાબેનની રોકકળને લઇને ગ્રામજનો તેમજ મીનાબેનના સાસુ સહીતનાં તેમને બચાવવા વચ્ચે પડ્યાં હતાં પરંતુ પતિ પ્રવિણભાઇના માથા પર જાણે કાળ સવાર થયો હોય તેમ વચ્ચે પડનાર તમામને દુર ખસેડી પત્ની મીનાબેનને આડેધડ લાકડાના ઘા મારતા મીનાબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ગ્રામજનો દ્વારા તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ લઇજવામાં આવ્યા હતાં પરંતુ સારવાર મળે તે પહેલા જ મીનાબેનનું મોત થયું હતુ.
આ બનાવ અંગે મૃતક મીનાબેનના સાસુએ પોતાના પુત્ર વિરૂદ્ધ ઝીંઝુવાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે મૃતક મહિલાની લાશને પોસ્ટમોર્ટમાટે મોકલી આપી હત્યાનો ગુનો નોંધી ગણતરીન કલાકોમાં હત્યારા પતિ પ્રવિણ મકવાણાની ધરપકડ કરી લીધી છે. પરંતુ પતિ-પત્નીના સામાન્ય ઝઘડામાં આવેશમાં આવેલા પતિના હાથે પત્નીની હત્યા થતાં બે બાળકો નોંધારા બની ગયા છે.